કેટલા સાચા છે એ પડશે ખબર,
આયનાની સામે રાખો આયના.
– જુગલ દરજી

ઉચાટ – પ્રિયકાન્ત મણિયાર

એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ,ભરતી નહીં માટ !

ક્યાંક બેઠેલો કદંબ-ડાળે
કાનજી ઝૂક્યો જળની પાળે
એની તરતી છબિ સરકી આવી જળના વ્હેણની વાટ !
એકલી…..

કરથી સાહી કેમ તે ધારું ?
ઘટની માંહે કેમ હું સારું ?
અવરને દેખાય ન કાંઈ કોણને કહું ઉચાટ ?

એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ,ભરતી નહીં માટ !
– શ્રી પ્રિયકાંત મણિયાર

એક એક શબ્દ મહત્વનો છે- જમનાજીનો ઘાટ એ સામાન્ય માનવજાત જ્યાં ઊભી છે તેનું પ્રતિક છે, જમનાજીનું નીર સાક્ષાત પરમતત્વ છે,ઘટ અને માટ [માટલું] એ ગોપીની જાત છે. ગોપી એકલી છે-કારણકે તે પરમતત્વને પામવાને માર્ગે ચાલી નીકળી છે. તે જળ ભરતી નથી,નીરખ્યા કરે છે…..તેને જળ માં કાનુડો દેખાય છે. તેનો ઉચાટ ક્યાંથી કોઈને સમજાય ? જો તે જળને ઘટમાં ભરે તો તે પરમતત્વ સાથે એકાકાર થઇ જાય-ગોપી અને કૃષ્ણ અલગ ન રહે ! કદાચ તે ગોપી જ રહીને અનંતકાળ સુધી કૃષ્ણને ચાહ્યા જ કરવા ઝંખતી હોય !

17 Comments »

  1. Girish Parikh said,

    March 14, 2010 @ 1:38 AM

    તીર્થેશજીએ આ ગૂઢ ગીતનો ભાવાર્થ સરસ સમજાવ્યો છે.
    આપણા મહા શબ્દકોશ http://www.bhagavadgomandal.com માં કેટલાક શબ્દોના અર્થ જોયા અને ગીતના બીજા ભાવાર્થ મનમાં ઝબક્યાઃ
    ‘સાહી’ નો એક અર્થ છે ‘સહાય કરનાર’. ગોપી સહાય કરનાર કૃષ્ણનો હાથ પકડવા માગતી લાગતી નથી, કૃષ્ણ જ એનો હાથ પકડે એમ ઇચ્છતી લાગે છે.
    ‘ઘટ’ ના અર્થ છે ‘જોડાવા પણું’; ‘મન, અંતઃકરણ, હ્રદય’; ‘ઘડો’; ‘દેહ, શરીર, પિંડ’.
    ‘સારું’ ના અર્થ છેઃ ‘ઉધ્ધાર’; ‘પૂર્ણ’.
    દ્વૈતમાં માનનારી ગોપી કૃષ્ણમાં અદ્વૈતભાવથી જોડાવા નથી ઇચ્છતી. કૃષ્ણમાં ઐક્ય પામે તો એ પૂર્ણ થઈ જાય. ભક્તિના દિવ્ય પ્રેમમાં સદાય મસ્ત રહેવા માગતી ગોપી ઘડા રૂપી એના દેહનો ઉધ્ધાર ઇચ્છતી નથી. પ્રભુપ્રેમમાં અલબત્ત શરીર પણ દિવ્ય બની જાય છે.

  2. Girish Parikh said,

    March 14, 2010 @ 1:51 AM

    વર્ષો પહેલાં અમદાવાદમાં ‘કુમાર’ માસિકની ઓફિસમાં તંત્રી સ્વ. બચુભાઈ રાવત દર બુધવારે સાંજે કવિસભા યોજતા. એ ‘બુધસભા’ કહેવાતી – – અમે એને ‘બુધવારિયું’ પણ કહેતા! એક બુધવારે સભા મળી હતી ત્યારે મેં ગોરા, ઊંચા, પાતળા, યુવાન પ્રિયકાંત મણિયારને જોયેલા એ હજુ યાદ છે અને જીવનભર યાદ રહેશે.
    – – ગિરીશ પરીખ
    બ્લોગઃ http://www.girishparikh.wordpress.com

  3. mahesh dalal said,

    March 14, 2010 @ 10:09 AM

    ઊર્મિલ કવિ …ગમે વાચ્ વુ .. .સરસ્

  4. pragnaju said,

    March 14, 2010 @ 2:16 PM

    ખૂબ સરસ રસ દર્શન
    યાદ આવી…
    જોકે પોલી પાલા જડે તાળાં, નાહિ ન માર્ગ ભેવ;
    નિશા અંધારી વીજ ચમકે, સઘન વર્ષે મેહ .
    જા કે શ્વાન પડત પહોરવા, હુઆ મુક્ત દ્વાર;
    બંધન બેડી સબ છુટી, ભયો એહ વિચાર ……
    ઝાલર ઝાંઝ પખાવ બાજે, ઓર બાજે કિરતાલ;
    દેવકી ગૃહે કૃષ્ણ પગટે, કંસકો હૈ કાલ ………
    સિંહ આગે શેષ પીછે, વહત જમુના પૂર;
    નાસિકા લો નીર આયે, પાર પેલે દૂર ……..
    ગોદ તેં અહંકાર કીનો, નદી પાયો ભેવ;
    પરસી જમુના માર્ગ દીનો, ઉતરે વસુદેવ

  5. નિનાદ અધ્યારુ said,

    March 14, 2010 @ 10:08 PM

    જય હો . . .!

  6. વિવેક said,

    March 15, 2010 @ 1:43 AM

    સુપેરે વ્યક્ત થતી પ્રેમઝંખનાનું ભાષ્ય!

  7. Dr. J. K. Nanavati said,

    March 15, 2010 @ 3:45 AM

    આ સુંદર કાવ્ય વાચી ૨૦૦૮ માં લખેલું
    એક રાધાનું ચિત્રણ યાદ આવી ગયું….

    મમળાવુ..??

    ………..”રાધા”…………

    કોણ હતું એ યમુના તટ પર
    હાથ સુકોમળ રાખી મટ પર

    નાગ દમન પેઠે આંગળીઓ
    ભીંસ કસે ઘુંઘરાળી લટ પર

    વાટલડીની ભીની જાજમ
    પાથરતી આખા પનઘટ પર

    સહેલ સખી સાથે છણકો લઈ
    વાત પહોંચતી છટ ને ફટ પર

    ખોતરતી પતાળ સમૂળગું
    રીસ ઉતારી, રસ નટખટ પર

    કો’ક બનીને અંગત અંગત
    જીદ કરે તારી ચોખટ પર

    આજ છબી રાધાની ઉપસે
    કાન, અમારાં અંતરપટ પર

  8. kanchankumari parmar said,

    March 15, 2010 @ 5:39 AM

    તરસ તારિ એવિ કેવિ કે કાના નાખુ નજર મારિ આ નિર મા ;અને છલકાય જાય આંખ થિ પાછિ આ નિર મા….

  9. Pinki said,

    March 15, 2010 @ 8:37 AM

    સરસ ઊર્મિસભર ગીત…! તીર્થેશભાઈએ ગૂઢાર્થ પણ સરસ સમજાવ્યો.

    પણ,
    કરથી સાહી કેમ તે ધારું ? પંક્તિ વધુ ખૂલે તો ભાવાર્થ પણ સરળ બની રહે ?!!

  10. Pancham Shukla said,

    March 16, 2010 @ 8:05 PM

    સરળ બાનીના ગૂઢ ગીતનો ઝીણવટભર્યો આસ્વાદ.

  11. ઊર્મિ said,

    March 16, 2010 @ 10:32 PM

    ગીત તો સુંદર જ છે, પણ તિર્થેશનાં આસ્વાદે એને વધુ આસ્વાદ્ય બનાવ્યું છે.

  12. Pinki said,

    March 18, 2010 @ 5:31 AM

    કરથી સાહી કેમ ધારું ? – પાણીના વ્હેણમાં દીસતી તારી આ છબીને હાથથી પકડી તેને કેવી રીતે ધારણ કરુ ? ( જુ.કાકા )

    અને જો ઘડામાં આ પાણી ભરીશ તો તારી છબી પણ નિહાળવી દુષ્કર બનશે. તો ઘટ માંહી પાણીને કેમ સારું ? ( સારવું – એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું )

    કૃષ્ણ સિવાય જેને કંઈ દેખાતું નથી, તે ગોપી આવી છે તો જળ ભરવાં પણ કદમ્બ ડાળે બેઠેલો કામણગારો, જળની પાળે જરાક ઝૂકે છે અને જમુના જળમાં તેનું પ્રતિબિંબ માત્ર નીરખી ગોપી વિહ્.વળ બની ગઈ છે. વળી, હવે તો તેને કાનુડાને રુબરુ જ મળવાની ઈચ્છા જાગૃત થઈ છે. એટલે કે, કરથી સાહી કેમ ધારું ? વળી, જો ઘડો ભરીશ તો તો- તેની આ છબી પણ દુર્લભ ?!

  13. preetam lakhlani said,

    March 18, 2010 @ 2:35 PM

    કવિ રાજેન્દ્ર શાહ અને કવિ નિરજ્ન ભગતની લીલેરા બાગ સમી ઝાકળ ભીની કવિતાના આકાશમા ઉડતુ રગ બે રગી પતગિયુ એટલે કવિ પ્રિયકાન્ત મણિયારની કવિતા…. જો કવિતા જ સુદર ન હોય તો આસ્વાદની કોઈ કિમત જ ન હોય શકે! અહિ કાવ્ય જ આટલુ સુદર છે કે એને કોઈ ભાવકના ભાવની કે આસ્વાદની જરુત રહેતી નથી ….બાકી અહિયા એવુ લાગે છે કે બે ચાર જણા કવિતા કોની છે/કેવી છે વિગેરે જાણયા વગર મિત્રનાતે વાહ વાહ્ કરે રાખે છે…એનો કોઈ અથ્ર ખરો?
    “પણ તિર્થેશનાં આસ્વાદે એને વધુ આસ્વાદ્ય બનાવ્યું છે”……આને આપણે શુ સમજવુ?…કયા કવિ પ્રિયકાન્ત અને ક્યા આસ્વાદકાર્!!!!…..રે પખીની ઉપર પથ્થરો ફેકતા ફેકી દીધો… આ દિવા જેવુ ચોખુ છે કે અહી કવિતા નુ મહત્વ નથી !!!!નહિતર નામિ કવિને બે ચાર્ comments અને જેની કવિતા/ગઝલ મા કાવ્યત્વ્ હોય કે ન હોય્….૩૦/૩૨ comments!

  14. harkant said,

    March 18, 2010 @ 9:15 PM

    Layastaro editors, can you please sort out this senseless critic? Now it is high time. Enough is enough. Instead of making positive or negative comment on poems, this senseless critic is all the time accusing devoted Layastaro readers and putting them off.

  15. ધવલ said,

    March 18, 2010 @ 9:27 PM

    સાહેબ, માન્યું કે મોતી તો અમૂલ્ય છે પણ મરજીવાની ડૂબકીનું ય મૂલ્ય છે… મોતીના લાખ દામ સહી, પણ મરજીવાને કમ સે કમ સલામ તો સહી 🙂 🙂 🙂

    મજાકની વાત જવા દો તો…. કવિ અને કવિતા-સામે-આંગળી-ચીંધનાર (‘આસ્વાદકાર’ શબ્દ અમારા જેવા સામાન્ય માણસો માટે વધારે પડતો મોટો લાગે છે એટલે એ અહીં વાપરતો નથી) ની સરખામણી હોય શકે જ નહીં. તાજમહાલના કોઈએ પાડેલા ફોટાના વખાણ કરવાથી તાજમહેલની શોભાને કોઈ ઝાંખપ લાગતી નથી. ફોટાની તાજમહેલ સાથે કોઈ સરખામણી હોઈ શકે જ નહી. જોકે એવું શક્ય છે કે કોઈ ફોટોગ્રાફર તાજમહેલનો એવા ‘એંગલ’થી ફોટો પાડે કે તાજમહેલની સુંદરતાનો એક અંશ એવો અદભૂત રીતે ઉજાગર થાય, જે જાતે જઈને ઊભા રહો તો પણ દેખાય નહીં !

    અને, કોમેંટની ફૂટપટ્ટીથી કવિતાને માપવાની વાતમાં કાંઈ મજા ન આવી. કવિતાને તો દિલની ફૂટપટ્ટીથી માપવી પણ શક્ય નથી તો પછી આ તો …

  16. વિવેક said,

    March 19, 2010 @ 7:06 AM

    …ધવલની વાત સાથે સંપૂર્ણ સહમત થઈ એટલું જ ઉમેરીશ કે લયસ્તરોનું ફોરમ બધા વાચકો માટે ખુલ્લું જ હતું, છે અને રહેશે… કવિતાના વાચકોની વિવેકબુદ્ધિ પર અમને પૂરી આસ્થા છે.

    આજે જ પ્રીતમ લખલાણીની એક કવિતા પોસ્ટ પણ કરી છે કેમકે અમે માનીએ છીએ કે સંપાદકના મનનો કાગળ એક પણ પૂર્વગ્રહના ડાઘ વગરનો કોરો હોવો જોઈએ… કાગળ પર ડાઘ હોય તો સંપાદન કદી ઊજળું થઈ ના શકે…

  17. preetam lakhlani said,

    March 19, 2010 @ 7:44 AM

    પ્રિય વિવેક ભાઈ તેમજ ધવલ ભાઈ, May be ” આપણી વચ્ચે ફકત કાવ્યની ચરચા બાબતમા કયાક કોઈ મત ભેદ હશે પણ મને નથી લાગતુ કે કયાય કોઈ મન ભેદ થયો હોય્ બાકી ધાયલના શ્બ્દમા કહુ તો ચચાનો વિષય હોય તો ચચાય જવામા લીજ્જત છે!” તમારી ખેલદીલિને હદય પુવક આવકારુ છુ….તમારા સપાદન પ્રત્યે મને કોઈ ફરિયાદ નથી….તમારુ સપાદન કોરા કાગળ જેવુ નહિ પણ કમળ જેવુ સ્વચ્છ અને સુદર છે! એમા કોઇ બે મત નથી!…..કમળ કાદવ વચે પણ ડાધ વિનાનુ હોય છે!!! તેની તો મજા છે, બાકી સપાદન કરવુ એટલે રેતીમા વહાણ ચલાવા જેવુ કપરુતો ખરુ જ્ !જે ને મારા જેવા કારણ ખાતર એક મજાક ખાતર નડ્તા હોય છે!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment