જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,
જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યાં !
રમેશ પારેખ

સ્વરૂપે અવસ્થાનમ્ – જવાહર બક્ષી

દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશેય પહોંચવાનો કયાં પ્રયાસ ચાલે છે?
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

કોઈનું આવવું, નહીં આવવું, જવું, ન જવું.
અમસ્તો આંખમાં ઉઘાડ- વાસ ચાલે છે.

દશે દિશામાં સતત એકસામટી જ સફર!
અને હું એ ય ન જાણું… કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે!
હું સા…વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

– જવાહર બક્ષી

અવસ્થાન એટલે અચળતા કે સ્થિરતા. આપણી ‘સ્થિરતાનું સ્વરૂપ’ સમજાવવા મથતી આ ગઝલ metaphysical ભૂમિકા પર રચાયેલી છે.

આપણી અંદર અસંખ્ય અણુઓ પરમાણુઓ અક્લ્પ્ય ઝડપે સતત ગતિશીલ છે. વળી આપણે જે પૃથ્વી પર છીએ એ અને સૂર્યમંડળ, આકાશગંગા અને સમગ્ર બ્રહ્માંડ પણ અવિરત ગતિશીલ છે. આ બધી અંદરની અને બાહરની ગતિની વચ્ચે આપણે એક મૂરખની જેમ વિચારીએ છીએ કે,  વાહ ! આપણે કેટલા ‘સ્થિર’ છીએ !

સ્થિરતા એક ભ્રમ છે. કવિ તો એથી આગળ જઈને પૂછે છે કે સ્થિરતા એ ય ગતિનું જ કોઈ સ્વરૂપ જ છે કે શું ? !!

ગતિ અને સ્થિતિ ની વચ્ચેની સિમા દેખાય છે એટલી સુદૃઢ નથી… દિશાઓનો સંકેત દેખાય છે એટલો અવિચલ નથી… ગંતવ્યનો આસાર એક ઘુમ્મસથી વધારે કાંઈ નથી. અનાદીકાળથી ચાલતી આ ગતિ-સ્થિતિની રમતમાં આપણે તો એક પ્યાદું જ છીએ. આપણું અસ્તિત્વ કશે પહોંચવાનો ‘ગણતરીપૂર્વકનો પ્રયાસ’ નથી… એ તો આંખનો ‘અમસ્તો ઉઘાડ-વાસ’ માત્ર છે.

8 Comments »

  1. ઊર્મિ said,

    December 23, 2009 @ 1:55 PM

    સુંદર ગઝલ… સ-રસ આસ્વાદ !

  2. virendra bhatt said,

    December 23, 2009 @ 3:02 PM

    સરસ રસાસ્વાદ.

  3. sudhir patel said,

    December 23, 2009 @ 4:34 PM

    ખૂબ જ સુંદર ગઝલ સાથે એનો સરસ આસ્વાદ!
    સુધીર પટેલ.

  4. વિવેક said,

    December 24, 2009 @ 2:29 AM

    ખૂબ જ પ્રસિદ્ધિ પામેલી ગઝલ પણ આસ્વાદે આખી ‘ફ્લેવર’ જ બદલી નાંખી…

  5. pragnaju said,

    December 24, 2009 @ 11:44 PM

    અમને બધાને ખૂબ ગમતી ગઝલનો અમને પણ ખબર ન હતી તેવો મધુરો આસ્વાદ્
    દશે દિશામાં સતત એકસામટી જ સફર!
    અને હું એ ય ન જાણું… કે શ્વાસ ચાલે છે.

    અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે!
    હું સા…વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

    ખૂબ સરસ

    ક્વોન્ટમ મીકેનીક્સ (પાર્ટીકલ ફીઝીક્સમાં અનસર્ટન્ટીનો સિધ્ધાંત કહે છે કે, આપણે અણુમાં પાર્ટીકલની ગતિ અને સ્થિતિ એક સાથે ક’ાપિ જાણી શકીએ નહીં.ડાળને કે આકાશને કાયમ વળગવાથી વળતું નથી અને માણસની પ્રકતિમાં જ કંઈક એવું છે કે એ ગતિ હોય છે ત્યારે સ્થિતિ ઝંખે છે અને સ્થિતિ હોય છે ત્યારે ગતિ ઝંખે છે!!

  6. kirankumar chauhan said,

    December 25, 2009 @ 7:20 AM

    જોરદાર ગઝલ.

  7. harkant said,

    December 25, 2009 @ 10:54 AM

    રાજેન્દ્ર શુક્લ, જવાહર બક્ષી, રાજેશ વ્યાસની ગઝલો એકજ ઘરાણાની ગણાય. આ ગઝલમાં કવિનું નામ ના લખ્યું હોય તો રાજેન્દ્ર શુક્લની ૩૦ વર્ષ પહેલાની ગઝલ હોય એવું લાગે. આમ તો હેમેન અને શોભિતની શરૂઆતની ગઝલોમાં રાજેન્દ્રની અસર વર્તાય ખરી!

  8. kalpan said,

    January 15, 2010 @ 1:48 AM

    સરસ આસ્વાદ …..keep it up dhaval

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment