આકર્ષણોનું એની ઉપર આવરણ હતું,
જેને ગણ્યું જીવન એ ખરેખર મરણ હતું.
મનહરલાલ ચોક્સી

યાદગાર ગીતો :૨૬: પાસપાસે તોયે – માધવ રામાનુજ

પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દ્હાડે સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે ?
પડખે સૂતાં હોય ને લાગે સમણાંનો સહવાસ !
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

– માધવ રામાનુજ

(જન્મ: ૪-૨૨-૧૯૪૫)

સંગીત: શ્યામલ-સૌમિલ મુનશી
સ્વર: ?

[audio:http://urmisaagar.com/saagar/audio/pas-pase-toye-Madhav-Ramanuj.mp3]

માધવ ઓધવજી રામાનુજ. જન્મ અને વતન અમદાવાદ જિલ્લાનું પચ્છમ ગામ. હાલ અમદાવાદમાં. અમદાવાદની સી.એન. કૉલેજ ઑવ આર્ટ્સમાં ચિત્રકળામાં ડિપ્લોમા અને એ જ સંસ્થામાં આચાર્ય તરીકે સેવા અને નિવૃત્તિ. કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને અચ્છા ચિત્રકાર. લયમાધુર્ય અને ભાવની લવચીકતા એમની લાક્ષણિક્તા. ગ્રામ્યજીવન, રાધા-કૃષ્ણ અને પ્રકૃતિનું સુરેખ અનવરુદ્ધ રેખાંકન એટલે માધવ રામાનુજ.  (કાવ્યસંગ્રહો: ‘તમે’, ‘અક્ષરનું એકાંત’, ‘કલરવના દેશ’)

આ ગીત કેટકેટલાય લોકોના સાવ ‘અંગત’ દામ્પત્યજીવનનું પ્રતિબિંબ હશે ! પાસે હોવું અને સાથે હોવું એ બે વચ્ચેનો તફાવત કવિએ જે માધુરીથી અહીં આળેખ્યું છે એ કવિતાની ભીતરના આંસુને જાણે હળવાશથી લૂંછી આપે છે.  એક સંબંધ ખરે ત્યારે એ કેટકેટલા દિવસ-રાતના સંભારણાં લઈને ખરતો હોય છે ! ભીંત વળોટીને આરપાર જવું શક્ય નથી હોતું. ઔપચારિક ‘આવજો’ શું આવી જ કોઈ ભીંત નથી હોતી? ખરેલા સંબંધમાં આરપાર જવા માટે યાદની બારી સિવાય અવર શું હોઈ શકે? બાજુમાં જ સૂતેલા વજન પાસે પહોંચવા માટે શમણાંનો સહવાસ યાચવો પડે એ કરુણતાને આપણે શું કહીશું?

5 Comments »

  1. Jayshree said,

    December 18, 2009 @ 1:54 AM

    વિવેક… આ ગીત શ્યામલ-સૌમિલ મુન્શીના ‘હસ્તાક્ષર’ માંથી લેવાયું છે, પણ મૂળ સ્વરાંકન – રાસબિહારી દેસાઇનું છે.

    આ યાદગાર ગીતોની આખી શ્રેણીમાં ખૂબ મઝા આવી રહી છે…

  2. pragnaju said,

    December 18, 2009 @ 9:37 PM

    ખૂબ સરસ ગીત,
    સ્વર
    સ્વરાંકન
    ગાયકી

    ઝાડથી ખરે પાંદડું એમાંય
    કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ?
    આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
    કે યાદ જેવું કોઈ બારણું હશે ?
    પડખે સૂતાં હોય ને લાગે સમણાંનો સહવાસ !
    જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
    નેહાની વેદના કદાચ આવી હશે ?
    બાકી તેમનો પરિચયમા તેમનું આ ગીત યાદ આવે…

    આપણે તો ભૈ રમતારામ !
    વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ

    વાદળ કેવું વરહે, કેવું ભીંજવે ! એવું ઊગતા દીનું વ્હાલ !
    આછેરો આવકાર મળે, બે નેણ ઢળે –
    બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ !
    મારગે મળ્યું જણ ધડીભર અટકે, ચલમ પાય
    ને પૂછે – કઈ પા રહેવાં રામ ?
    વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ
    ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં, પાથરેલી હોય રાત;
    સમણાંના શણગાર સજીને ઊંધ આવે
    ને પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,
    ઝાકળમાં ખંખોળિયું ખૈ ને હાલતા થાઈ, પૂછતા નવાં નામ…
    આપણે તો ભૈ રમતારામ !

  3. Taha Mansuri said,

    December 18, 2009 @ 10:41 PM

    કદાચ રામાનુજ સાહેબ નો જ એક શેર છે,

    ક્રુષ્ણનું મુખ અને હોઠ ક્યાંથી લાવશો?
    મેળામાં બહુ બહુ તો વાંસળી મળે.

    શક્ય હોય તો લયસ્તરો પર ઉપલબ્ધ કરાવવા વિનંતી.

  4. Lata Hirani said,

    December 20, 2009 @ 5:42 PM

    યાદગાર ગીતોની આવી સરસ શ્રેણી મુકવા બદલ અભિનંદન્. ઉત્સવ થઈ ગયો..

  5. Bharat Pandya said,

    December 23, 2009 @ 2:11 AM

    રાસબીહારીભાઈનું ‘વર્સન્’, મારા મતે વધુ સારું છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment