જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા
‘સૈફ’ પાલનપુરી

યાદગાર ગીતો :૨૧: બોલ વાલમના – મણિલાલ દેસાઈ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

– મણિલાલ દેસાઈ

(જન્મ: ૧૯-૦૭-૧૯૩૯, મૃત્યુ: ૦૪-૦૫-૧૯૬૬)

પ્રસ્તાવના: હરીશ ભિમાણી
સંગીત: અજીત શેઠ
સ્વર: નિરુપમા શેઠ

[audio:http://urmisaagar.com/saagar/audio/Umbre-Ubhi-Shmbhalu-Nirupama-Seth.mp3]

મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

આ ગીત વિશે લયસ્તરો પર આગળ લખી ચૂક્યો છું, એમાં એક શબ્દ પણ બદલવાનું મન થતું નથી: ‘ગુજરાતી ભાષાનું મારું સૌથી પ્રિય પ્રતીક્ષા-ગીત એટલે મણિલાલ દેસાઈનું લોકપ્રિયતાની ચરમસીમા વટાવી ચૂકેલું આ ગીત. આ ગીત નથી, એક મુગ્ધાના મધમીઠાં ઓરતાનું શબ્દચિત્ર છે. ગ્રામ્ય પરિવેશ અહીં એટલી સૂક્ષ્મતાથી આલેખાયો છે કે આખું ગામ આપણી નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે છે. સૂતાં-જાગતાં, રમતાં-કૂદતાં ને રોજિંદા કામ કરતાં- જીવનની કે દિવસની કોઈ ક્રિયા એવી નથી જે વ્હાલમની ભીની ભીની યાદથી ભીંજાયા વિનાની હોય. ઠેઠ ગામને પાદર ઘૂઘરા વાગે તો એમાંય પ્રિયતમના આવણાંનો રણકાર સંભળાય છે. પગે કાંટો વાગે તો પણ વ્હાલમનો વાંક અને પવન છેડતી કરે તો એમાં ય પ્રીતમજીનો જ વાંક. પોતાની ને પોતાની ઓઢણી નડે તો એમાં ય વેરી વ્હાલો ! પ્રીતની પરાકાષ્ઠા અને પ્રતીક્ષાના મહાકાવ્ય સમું આ ગીત જે આસ્વાદ્ય રણકો વાંચનારની ભીતર જન્માવી શકે છે એ ગુજરાતી કવિતાની જૂજ ઉપલબ્ધિઓમાંની એક છે.

(ગવન=સ્ત્રીઓ દ્વારા પહેરાતું સુતરાઉ કાપડનું છાપેલું ઓઢણું)

8 Comments »

 1. deepak parmar said,

  December 16, 2009 @ 3:45 am

  મારુ સૌથી પ્રિય ગીત…

  ધવલભાઈ અને વિવેકભાઈ નો ખુબ ખુબ આભાર…

 2. pragnaju said,

  December 16, 2009 @ 4:30 am

  ખૂબ ગમતી રોમેન્ટિક કવિતા
  ‘ચાલો ઘર ઘર રમીએ’ એવું આપણે બધા બાળપણમાં નદીને કાંઠે કે તળાવને કાંઠે કાદવ કે રેતીનું ઘર બનાવી બોલતા હશું. ‘ઘર’ શબ્દ યાદ આવે અને ગુંજારવ થાય
  ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
  ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.
  ગામને પાદર ઘૂઘરા વાગે,
  ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
  સપનાં રે લોલ વાલમનાં.
  ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
  અને
  સુંખ શાંતિનું ધામ પરમ એ
  પ્યારું ઘર મારું
  જગ માંહે સૌથી ઉત્તમ એ
  પ્યારું ઘર મારું
  માતાએ મુજને જયાં અમૃત
  ધાવણ ધવડાવ્યું
  પ્રેમ તણા ભરસાગર સમ એ
  પ્યારું ઘર મારું
  આજે
  ઘર નથી.
  પાણિયારાં નથી.
  અહીં આ વાત ખૂબ જાણીતી છે
  પ્રમુખ બેન્જામિન ફ્રેંકલિન રાજદ્વારી બાબતમાં કુશાળ હતા. પણ મનોમન ઈજનેર જેવા હતા. એક વખત એક ઈંગ્િલશ નોબલમેન તેને તેનો મોટો બંગલો બતાવવા લઈ ગયો. આખું ઘર અંદર આડાઅવળા ખંડોથી છવાઈ ગયેલું હતું. એક ઓરડામાંથી બીજા ઓરડામાં જતાં ગલીકૂંચી જેવું લાગતું હતું. નોબલમેને ઘર બતાવ્યા પછી બેન્ઝામિન ફ્રેંકલિનને પૂછયું કે ‘કેમ કેવું લાગ્યું?’’ તો બેન્જામિન ફ્રેંકલિને કહ્યું ‘‘બસ સરસ, હવે તમે આ શેરીમાં સામે જ એક મોટું ઘર બાંધો. વિશાળ એપાર્ટમેન્ટ બાંધો ત્યાં બધા મળીને સાથે બેસી શકાય. અને તેનાથી મોટું રસોડું બાંધો કે એટલિસ્ટ તમારા શેફ (રસોઈયા) છૂટથી હરીફરી શકે ત્યારે જ હું તેને ઘર કહીશ…”
  જ્યાં સંભળાય…
  વીંઝતાં પવન અડશે મને,
  વીણતાં ગવન નડશે મને,
  નડશે રે બોલ વાલમના.
  ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
  ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના

 3. preetam lakhlani said,

  December 16, 2009 @ 7:42 am

  કવિ મણિલાલ દેસાઈ મારા ગુજરાતીના પ્રાધ્યાપક હતા, મારે અને તેમને બારમો ચદ્ર હતો, અને છતા તેવો એક મહાન કવિ હતા એમા કોઈ સવાલ નથી. આ ગીત મેં તેમની પાસેથી બેચાર વાર રાજાવાડીની પાઈપ લાઈન પર સાંજે બેસીને ઘાટકોપર મા જયા તેવો રહેતા હતા ત્યા આગળ મન ભરીને સાભ્ળ્યુ છે તેનો મને આજે પણ આનદ છે………આ ગીતને મારી લાખો સલામ છે.

 4. ઊર્મિ said,

  December 16, 2009 @ 9:32 am

  સુંદર પ્રતિક્ષાગીત… કર્ણપ્રિય સંગીત અને મધુર ગાયિકી…
  મને તો જાણે ફાલ્ગુની પાઠકનો અવાજ પણ સંભળાય છે… 🙂

 5. AMRIT CHAUDHARY said,

  December 16, 2009 @ 12:14 pm

  મારું મનગમતું ગીત. આભાર.

 6. rekha sindhal said,

  December 16, 2009 @ 9:58 pm

  આભાર ! ઘણા વખતે સાઁભળ્યુ.

 7. sudhir patel said,

  December 17, 2009 @ 10:58 pm

  ગુજરાતીના શ્રેષ્ઠ ગીતોમાંનું એક ગીત!
  ‘આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ’ જેવી કલ્પના આજે પણ આધુનિક લાગે છે!
  સુધીર પટેલ.

 8. Kirit sheth said,

  May 10, 2016 @ 7:53 am

  I like it

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment