બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.
વિવેક ટેલર

યાદગાર ગીતો :૧૫: આ નભ ઝુક્યુ તે કાનજી ને – પ્રિયકાન્ત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. 
આ નભ o

આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે. 
આ નભ o

આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ લોચન મારા કાનજી ને નજરું જુએ તે રાધા રે. 
આ નભ o

– પ્રિયકાન્ત મણિયાર 

(જન્મ: ૨૪-૦૧-૧૯૨૭, મૃત્યુ: ૨૫-૦૬-૧૯૭૬)

સંગીત : અજીત શેઠ
પ્રસ્તાવના: હરીશ ભિમાણી
સ્વર : અજીત શેઠ અને નિરુપમા શેઠ
આલ્બમ: મારી આંખે કંકુનાં સૂરજ આથમ્યાં

[audio:http://urmisaagar.com/saagar/audio/Aa-Nabh-zhukyu-Te-Nirupama-Seth.mp3]

સંગીત સંયોજન: શ્યામલ-સૌમિલ મુનશી
પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: સૌમિલ મુનશી અને આરતી મુનશી
આલ્બમ: મોરપિચ્છ

[audio:http://urmisaagar.com/saagar/audio/Aa-Nabh-Zukyun-Te-Arti-munsi.mp3]

પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયાર.  વિરમગામમાં જન્મ, અમરેલીનાં વતની અને  ધોરણ ૯ સુધી અભ્યાસ.  અમદાવાદમાં વર્ષો સુધી મણિયારનો વ્યવસાય એમણે કર્યો, પરંતુ જ્યારે એમનું પ્રથમ ગદ્યકાવ્ય એકરાર ૧૯૪૭માં (અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે) ‘કુમાર’માં પ્રગટ થયેલું ત્યારે જ ગુજરાતને તેમનો સાચો પરિચય થયેલો.   ગુજરાતી સાહિત્યની ભવ્ય ઈમારતનાં ચણતરમાં નોંધપાત્ર ફાળો. ૧૯૮૨માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો.  કાવ્યસંગ્રહો: પ્રતિક, અશબ્દ રાત્રી, સ્પર્શ, સમીપ, પ્રબલગતિ, વ્યોમલિપિ, લીલેરો ઢાળ.

રાધા-કૃષ્ણનાં શાશ્વત સખ્યભાવને ઉજાગર કરતી કવિશ્રીની આ પ્રિયતમ રચના, જેને દરેક કવિસંમેલનના અંતે તેઓ આરતીરૂપે સ્વકંઠે અવશ્ય ગાતાં.  રાધા-કૃષ્ણ એટલે પ્રેમની આગવી પરિભાષા.  પ્રકૃતિનાં પદાર્થોની એકરૂપતાની સરખામણી રાધા-કૃષ્ણનાં પ્રેમ સાથે કરીને કવિએ અહીં પ્રેમની શાશ્વતતા દર્શાવી છે.  જેમ ચાંદનીનું રેલાવું આભ વિના અને પોયણીનું ખીલવું સરવર-જલ વિના શક્ય નથી, તેમ જ આભની શોભા ચાંદની વિના અને સરવર-જલની શોભા પોયણી વિના અધૂરી જ રહેવાની.  એક કન્યાનાં ગૂંથેલા કેશની શોભા પણ ત્યારે જ વધુ દિવ્ય બને છે જ્યારે એની સેંથીમાં રાધાતત્ત્વરૂપી સિંદૂર પૂરાય છે.  આખા ગીતમાં કવિએ એક વાત બખૂબી દર્શાવી છે કે નભ, સરવર-જલ, બાગ, પર્વત-શિખર, ચરણ, ગૂંથેલા કેશ, દીપ અને લોચનની જેમ કૃષ્ણનું એકલાનું અસ્તિત્વ રાધા વિના જરૂર હોઈ શકે… પરંતુ ચાંદની, લ્હેરી, પર્વત પર જતી કેડી, પગલી, સેંથી, આરતી અને નજરુંનું જેમ એકલી રાધાનું અસ્તિત્વ શક્ય જ નથી.  રાધા વિનાનો કાનજી જરૂર અધૂરો છે, પરંતુ કાનજી વિનાની રાધાનું તો કોઈ અસ્તિત્વ જ નથી- એ વાત કવિએ અહીં ખૂબ જ સચોટ રીતે રજૂ કરી છે.

5 Comments »

 1. Girish Parikh said,

  December 13, 2009 @ 12:50 am

  રાધા કૃષ્ણ મને અત્યંત પ્રિય છે. આ ગીત પણ ખૂબ જ ગમે છે.

  વર્ષો પહેલાં અમદાવાદની એલ. ડી. એંન્જિનિયરીંગ કોલેજમાં ભણતો હતો ત્યારે એક બે મિત્રો સાથે રાયપુરમાં આવેલા કુમાર માસિકની ઓફિસમાં દર બુધવારે સાંજે યોજાતા (એ “બુધવારિયું” કહેવાતું) કવિઓના કાર્યક્રમમાં કોઈ કોઈ વાર જતો. એક વખત એક પાતળા, કંઈક ઊંચા ને ગોરા યુવાનને ઓફિસમાં આવી થોડી વાર ઊભા રહી જતા રહ્યા જોયા. કુમારના તંત્રી અમારા તરફ જોઈને તરત જ બોલ્યાઃ એ હતા પ્રિયકાન્ત મણિયાર, સંઘેડાઉતાર ગીતોના સર્જક.

 2. pragnaju said,

  December 13, 2009 @ 4:55 am

  સદા બહાર સૌનું માનીતું વ્રજ ગીત
  ભાવવાહી ગાયકી…
  ગણગણતા અણસાર આપે

 3. sudhir patel said,

  December 13, 2009 @ 2:17 pm

  કાનજી અને રાધાને અભિવ્યક્ત કરતું અદભૂત ગીત!
  સુધીર પટેલ.

 4. વિવેક said,

  December 14, 2009 @ 1:20 am

  અમર રચના… કવિ સંમેલનના અંતે આ રચના પ્રિયકાંત મણિયાર પોતાના અવાજમાં ભાવવિભોર થઈને ગાતા…

 5. Rajendra M.Trivedi, M.D. said,

  September 25, 2010 @ 10:13 am

  પ્રિયકાન્તભાઈ ને નાનાભા વિનોદભાઈ સાથે અમારા કુટુમ્બ ને ૧૯૫૦ થી ઓળખ્.
  જ્યારે હવેલીની પોળમા ઈન્દુકુમાર ત્રિવેદી સાથે આવીને બા બાપુજીની સામે આ ગીત પ્રિયકાન્ત ભાઈએ ગાયુ તે સદાને માટે મનમા ચોટી ગયુ.
  જ્યારે તે અમેરીકા સમરવીલમા બોસ્ટન મને મળવા આવ્યા ત્યારે આજ ગીતથી મે તેમનુ સ્વાગત કરેલ ને તેમને આ ગીત ગાઈને મને ભેટ્યા ની યાદ આ ગીતે આજે તમે કરાવી…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment