સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.
પંકજ વખારિયા

યાદગાર ગીતો :૧૦: તારી આંખનો અફીણી – વેણીભાઈ પુરોહિત

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો .

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.

પાંખોની પરખે પરબડી, આંખો જુએ પિયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગનગરનો રસિયો નાગર એકલો.

-વેણીભાઈ પુરોહિત

(જન્મ: ૦૧-૦૨-૧૯૧૬, મૃત્યુ: ૦૩-૦૧-૧૯૮૦)

ફિલ્મઃ દિવાદાંડી (૧૯૫૦)
સંગીતકારઃ અજીત મર્ચન્ટ
સ્વરઃ દિલીપ ધોળકિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/Tari-Aankh-No-Afini-Dilip-Dholakia.mp3]

સ્વર: સોલી કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/Taari-aankhno-afini-SoliKapadia.mp3]

જામખંભાળિયામાં જન્મેલા વેણીભાઈ માધ્યમિક શિક્ષણ સુધી જ ભણ્યા પણ કવિતાઓ એવી કરી કે ગુજરાતીઓના દિલ ડોલાવી મૂક્યા. વ્યવસાયે પત્રકાર. બેતાળીસના હિંદ છોડો આંદોલનના કારણે કારાવાસ પણ વેઠ્યો. મજબૂત લય અને ભાવની નજાકત એમની કવિતાની લાક્ષણિક્તા. ઉમાશંકર જોશી એમને ‘બંદો બદામી’ કહેતા. (કાવ્યસંગ્રહો: ‘સિંજારવ’, ‘ગુલઝારે શાયરી’, ‘દીપ્તિ’, ‘આચમન’)

વેણીભાઈનું યાદગાર ગીત મારે પસંદ કરવું હોય તો ‘ઊનાં રે પાણીનાં અદભુત માછલાં‘ સિવાય કશું યાદ ન આવે પણ એમનું લોકપ્રિય ગીત પસંદ કરવું હોય તો? ગુજરાતી ગીતોના સર્વકાલીન ટોપ ટેનમાં સર્વકાલીન અવ્વલ દરજ્જો અંકે કરે એવું ગીત ‘તારી આંખનો અફીણી’ સિવાય બીજું કયું હોઈ શકે?

કવિએ અહીં એવી તે શી કમાલ કરી છે કે આ ગીતનો આશિક ન હોય એવો ગુજરાતી મળવો દોહ્યલો થઈ પડે?! આ કમાલ શું લયની છે કે ગીતમાં અનવરુદ્ધ વહેતા ભાવાવેગની છે? કે પછી પ્રણયોર્મિનો અનનુભૂત કેફ કારણભૂત છે?  અર્થનું ઊંડાણ ભાવક-શ્રોતાને સ્પર્શી જાય છે કે પછી આ નરી સંગીત અને ગાયકીની જ સિદ્ધિ છે? મારે જો કારણ આપવાનું થાય તો હું આ ગીતની લોકપ્રિયતાનું ખરું શ્રેય ‘એકલો’ શબ્દના પ્રયોજનને આપું કેમકે પ્રેમ ગમે એટલી સાર્વત્રિક ઘટના કેમ ન હોય, એની અનુભૂતિ કેવળ ‘એકલા’ની જ હોય છે… કવિએ આ ગીત વાંચતા-સાંભળતા દરેક ગુજરાતીને એકલો શબ્દ વાપરીને એના પોતીકા પ્રેમની વિલક્ષણ તસ્વીર ચાક્ષુષ કરી આપી છે એ કદાચ આ ગીતની સફળતાનું ખરું કારણ છે..

14 Comments »

 1. pragnaju said,

  December 9, 2009 @ 2:03 am

  લગભગ બધા બ્લોગ પર રજુ થયેલું મધુરું ગીત…
  અનેકોએ કાર્યક્રમમાં ગાયલું…
  એકવાર મેં પણ ગાયેલું!
  આ ગાયકીમા નથી તે સાથે આખું ગીત આ પ્રમાણે છે…

  તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
  તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

  આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
  તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
  તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
  તારી આંખનો અફીણી….

  પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
  અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
  તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
  તારી આંખનો અફીણી….

  ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
  કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
  તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
  તારી આંખનો અફીણી….

  તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
  તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
  તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
  તારી આંખનો અફીણી….

  રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
  પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
  તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
  તારી આંખનો અફીણી….

  ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
  ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
  તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
  તારી આંખનો અફીણી….
   

 2. ડૉ.મહેશ રાવલ said,

  December 9, 2009 @ 2:50 am

  વાહ!
  તમારી વાત સાથે હું ૧૦૦% સહમત છું.ગુજરાતી ગીતોના સર્વકાલીન ટોપ ટેનમાં સર્વકાલીન અવ્વલ દરજ્જો અંકે કરે એવું ગીત ‘તારી આંખનો અફીણી’ સિવાય બીજું કયું હોઈ શકે?
  અને બીજી વાત, બહુ ઓછા લોકોએ અહીં મુકાયેલું “આખું” ગીત વાંચ્યું/માણ્યું /સાંભળ્યું હશે.
  -અભિનંદન.

 3. manhar m.mody ('mann' palanpuri) said,

  December 9, 2009 @ 3:14 am

  જૂની ગુજરાતી ફિલ્મનું યાદગાર ગીત પહેલી વાર આખું વાંચ્યું અને સાંભળ્યું અને એ પણ બે કલાકારોના મધુર કંઠે. અને વિવેકભાઈ એ કરાવેલું રસદર્શન પણ રસપ્રચૂર છે. મઝા આવી ગઈ.

 4. Pancham Shukla said,

  December 9, 2009 @ 4:48 am

  આ ઉપરાંત કોકરવરણો તડકો પણ એવું જ મઝાનું ગીત છે.

  http://rankaar.com/?p=1094

 5. Pushpakant Talati said,

  December 9, 2009 @ 5:24 am

  બીલકુલ સાચી વાત, હુઁ આની સાથે પૂરેપુરો સહમત છુઁ કે – આ ગીતની લોકપ્રિયતાનું ખરું અને ચોક્કસ કારણ એ ‘એકલો’ શબ્દનો ઉપયોગ જ છે કારણ કે પ્રેમની અનુભૂતિ કેવળ ‘એકલા’ની જ હોય છે. કવિએ આ બાબત પોતાની વિચારશક્તિ, સમ્વેદનતા અને observation નો ઉપયોગ કરી આ ગીતને વાઁચનાર તેમજ સામ્ભળનાર દરેક ને એના પોતીકા પ્રેમની ધારેલી તસ્વિર દેખાડી દીધી છે.
  આ ઉપરાન્ત “પ્રગ્નાજુ” એ “કોમેન્ટ” દ્વારા આખે આખુ ગીત આપી ને એક અલભ્ય ક્રુતિ પુરી પાડી છે તે બદલ તેઓશ્રીનો ખુબખુબ આભાર.

 6. Himanshu. said,

  December 9, 2009 @ 7:15 am

  Print history of this song would be equaliy intersting.Since availability of radio and TV; people only remember what they listened or viewed. Memmorising and singing for simple joy for self seems to have vanished.Shri Mehul had compiled some songs which were once upon a time very popular and hence were on the tip of the tounge but texts were not available.When a song is recorded for a particular format, extra stanzas are droped,making full version available for the record and reference is a service to be welcomed.-himanshu.

 7. preetam lakhlani said,

  December 9, 2009 @ 7:48 am

  વેણીભાઈ તો એક અબજ પ્રકારના કવિ અને માનવી હતા, આ લખનારે વેણી કાકા સાથે યોવન કાળમા ઘાટકોપરની શેરીમા ઉભીને પાન ખાઈને, મેં અને વેણી કાકાએ ધણી વાતો થુંકી નાખી છે….વેણી કાકાનુ આ ગીત તો અમર છે. આટ્લુ જ પ્રેમથી દીલીપ ભાઈએ ગાયુ છે….આવા ગીત અને આવા ગીત જેવા માણસો આજે કયા મલે છે…….

 8. સુનીલ શાહ said,

  December 9, 2009 @ 9:57 am

  એક એકથી ચડિયાતા ગીતો મૂકી તમે કમાલ કરી છે…!
  ગુજરાતી ભાષા કેવી સમૃદ્ધ છે..!

 9. urvashi parekh said,

  December 9, 2009 @ 12:16 pm

  બહુ જ લોકલાડિલુ ગીત, આખુ ગીત વાંચવા મળ્યુ.
  સરસ..ઘણો આભાર..

 10. sudhir patel said,

  December 11, 2009 @ 8:15 pm

  ખૂબ જ જાણીતું અને માણીતું પ્રેમ ગીત!
  પ્રજ્ઞાબેનના પ્રતિભાવ દ્વારા આ ગીત પૂરું વાંચવા મળ્યું એ બદલ પણ આભાર!
  સુધીર પટેલ.

 11. વિવેક said,

  December 12, 2009 @ 1:13 am

  ઘણા બધા ગુજરાતી બ્લૉગ્સ પર આ ગીત આખું ઉપલબ્ધ છે એની મને જાણ ચે જ પણ વેણીભાઈ પુરોહિતનો મૂળ કાવ્યસંગ્રહ, દીપ્તિ’ જેમાં આ ગીત સમાવાયું છે એ મારી પાસે ઉપલબ્ધ ન હોવાના કારણે બે જ ફકરા અહીં પૉસ્ટ કર્યા છે… અન્ય એક સંપાદનમાં આ ગીતના ચાર ફકરા મળે છે.. જ્યાં સુધી આધારભૂત સ્ત્રોત પાસેથી આખું ગીત ન મળે ત્યાં સુધી એ લયસ્તરો પર મૂકી ન શકાય એવા સ્વૈચ્છિક વિવેકને વર્તીને જ આ ગીત આખું પૉસ્ટ કર્યું નથી…

  પ્રજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર…

 12. Pushpendra Mehta said,

  December 28, 2009 @ 9:59 pm

  ગુજરાતિ સાહિત્ય નિ સમ્રુદ્ધિ આ ગિત ઉપર થિ ખબર પદે………

 13. pravin a.joshi said,

  April 28, 2011 @ 2:33 am

  ગુજ્રરાતિ ગિત મા રુપાલુ CHHOGU CHE. AA PRAKAR NA GEETO THI GUJRATI SHAHIYAT NE GHAR GHAR SUDHI PAHOCHAD VA BADL KHUB KHUB ABHINANDAN.

 14. TANSUKH MEHTA DUBAI said,

  September 5, 2013 @ 8:56 am

  સર્વકાલિન ગેીત વારમ્વાર સામ્ભવાનુ મન થાઇ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment