મને લૂંટી જ લે છે, જ્યારે જ્યારે આવે છે
આ તારી યાદ છે કે ગામનો તલાટી છે ?
વિવેક મનહર ટેલર

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.

-રમેશ પારેખ

રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)

10 Comments »

 1. Anonymous said,

  May 25, 2006 @ 3:57 am

  mitr vivek,
  R.P. ni aa gajal… maate fari aaje pan aabhaar.
  meena

 2. radhika said,

  May 25, 2006 @ 4:31 am

  ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
  બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

  વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
  સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

  વાસ્તવીકતાનુ સુંદર નિરૂપણ……

 3. ધવલ said,

  May 25, 2006 @ 4:33 pm

  9/11 પછીના દિવસોમાં જ્યારે એંથ્રેક્સવાળા પરબીડિયાનો આતંક ફેલાયેલો ત્યારે મને મારા દોસ્ત કલ્પને આ ગઝલનો પહેલો શેર મોકલેલો. એ પર હસવું કે રડવું એ જ મને સમજાયું નહોતું ! ર.પા.ને જો કોઈએ આ શેર આ સંદર્ભમાં કહ્યો હોત તો એ શું કહેત ?

 4. Bharat Pandya said,

  November 9, 2006 @ 1:57 pm

  વીવેકભાઈ,

  મને તો આખી ગઝલ સંઘેડા ઉતાર લાગે છે પણ તોય
  તમારા કંઠમાં એક છીદ્ર મલે…
  ઍ વાત સૌથી કરુણ લાગે છે.એ માણસની દશા તો જુવો.
  ગળામા ત્રુશા છે, સામે ઝરણુ વહી રહ્યુ છે પણ કેમ પીવાય ?સાથોસાથ કંઠે તો કાણુ મળ્યુ છે.
  ભોગવવા માટે ભાગ્ય જોઇયે.
  ંજલેમે મીન િપયાસી
  મોહે દેખતે આવે હાંસી!!! જેવો ઘાટ છે.વાહ રમેશ !!!
  છન્દ બન્દ ને મારો ગોળી – ભાશાને શું વળગે ભુર
  રણ્માં જીતે તે શુર
  ને સાહીત્ય ના ક્શેત્રે તો ગઝલ હોય કે ગીત ખં્ડકાવ્ય હોય કે મુક્તક હોય કે કવીતા ર.પા એ નવા કીર્તીંંમાનૉ સ્થાપ્યા છે.
  ભરત પંડ્યા.

 5. વિવેક said,

  November 10, 2006 @ 5:40 am

  સંઘાડાઉતાર કહીને તમે મને વિચારતો કરી નાંખ્યો, ભરતભાઈ! સંઘેડો કે સંઘાડો એટલે હાથીદાંત, લાકડાં વગેરેનો ઘાટ ઉતારનારું એક ચક્રાકાર યંત્ર. સંઘાડાઉતાર એટલે સંઘાડિયાએ સંઘાડે ઉતારી હોય તેવી સુરેખ અને ઘાટીલી કળાકૃતિ. કોઈ સાહિત્યકૃતિને મારી સમજ પ્રમાણે સંઘેડાઉતાર કે સંઘાડાઉતાર ત્યારે જ કહેવામાં આવે જ્યારે એ મશીન પર તૈયાર થઈને આવેલી લાગે અને એમાં નૈસર્ગિક્તાનો લોપ જણાય. એકબાજુ આપે આ ગઝલને સંઘેડાઉતાર કહી છે તો બીજી બાજુ આપ આ કૃતિની અનન્વયતાથી મોહિત પણ એટલા જ લાગો છો.

 6. Bharat Pandya said,

  November 10, 2006 @ 8:01 am

  સં્ઘેડાઉતાર શબ્દ્પ્રયોગ મૂ.ઉમાશં્કર જોશી ખુબ કરતા.
  તેઓ તેને નખશીખ સં્પુર્ણ રચના માટે વાપરતા.
  હાથીદાં્ત ની વસ્તુ બનવવા માટે ખુબ ધીરજ,
  ચોકસાઇ, નીપુણતા અને ધ્યાન મગ્નતા જોઇએ એ અર્થમાં આ શબ્દ્પ્રયોગ સમજવાનો છે.

 7. વિવેક said,

  November 11, 2006 @ 5:26 am

  ભરતભાઈ,

  તળપદા ગુજરાતી શબ્દો અને એના સૂક્ષ્મ ભાષાપ્રયોગના આશીર્વાદથી કમનસીબે દૂર જ રહેવા મળ્યું છે. જે કંઈ થોડું ઘણું જાણું છું એ પુસ્તકોના પ્રતાપે જ. સંઘેડાઉતાર કે સંઘાડાઉતાર વિશે ચર્ચા કરવા પાછળનો લોભ પણ એ જ હતો કે આપની પાસેથી મને અને આપણા વાચકમિત્રોને પણ થોડું જાણવા મળે… આભાર..

 8. sanjay pandya said,

  November 13, 2006 @ 7:51 am

  dear vivekbhai , bharatbhai e prayogelo sangheda utar shabda ane vivran sachu chhe . any way , ramesh parekhni sunder gazal mitro samksha muki ano anand chhe .
  gujarati font ma lakhavano prayatna karvo chhe , toonkma!
  સસ્નેહ યાદ – sanjay pandya

 9. બંધ પરબીડિયામાંથી - રમેશ પારેખ | રણકાર said,

  July 18, 2008 @ 2:53 am

  […] જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે, તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને. ————————————- આભાર: લયસ્તરો કવિ પરિચય : રમેશ પારેખ Posted in ગઝલ, રમેશ પારેખ RSS 2.0 | Trackback | Comment var id=’comment’; […]

 10. અનામી said,

  December 8, 2008 @ 6:40 am

  બ્ંધ પરબીડિયા માંથી ગઝલ મળે અમને,
  પઢી શકાય તો પઢવાની તક મળે અમને.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment