શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.
વિવેક મનહર ટેલર

ત્રયી – દુર્ગાચરણ પરિડા (અનુ. ભોળાભાઈ પટેલ)

દુર્દમ નદીના વમળમાં
કૂદી પડે છે એક ફૂલ
એક તેજસ્વી ફૂલ
તે ફૂલ સાહસનું.

ઉન્મત્ત વાવાઝોડાના ઓઠ
ચૂમે છે
એક પાંદડું
એક લીલું પાંદડું
તે પાંદડું વિશ્વાસનું.

અંધકારની વેલ પર
ખીલે છે એક કળી
તે કળી પ્રકાશની.

-દુર્ગાચરણ પરિડા
અનુ. : ભોળાભાઈ પટેલ

જીવનના સંઘર્ષનો સામનો એમની સામે થઈને નહીં, પણ સાથે રહીને વધુ સારી રીતે કરી શકાય એ વાત અહીં કવિ કેવી ખૂબસુરતીથી કરે છે ! નદીના વમળથી ડરી જનારની સંખ્યા વધુ છે, એમાં ઝંપલાવી દેનારની જૂજ. અહીં કવિ ફૂલને વમળમાં ઝંપલાવતું કલ્પે છે. વમળ જેવી પ્રચંડ આપત્તિની સન્મુખ પુષ્પની કોમળતાને કવિ ગોઠવે છે. પણ કદાચ એવું બને કે ભલભલી તોતિંગ વસ્તુને ઓહિયા કરી જતું વમળ ફૂલને કિનારે પણ ઉતારી દે. વળી આ ફૂલ સાહસનું ફૂલ છે. ઉન્મત્ત વાવાઝોડું તોતિંગકાય વૃક્ષોને પણ જમીનદોસ્ત કરી દે છે પણ વાવાઝોડાંની સામે નહીં, સાથે ઊડનાર પાંદડાને એ શી હાનિ કરી શકે ? જુઓ, અહીં પાંદડું વિશ્વાસનું છે અને વળી લીલું છે, તાજગીભર્યું. વિશ્વાસ કદી પીળો ન પડી શકે. એમ જ અંધકારની વેલ પર જે ઉગવાની હિંમત કરે એ કળી તો પ્રકાશની જ હોય ને !

વમળ, વાવાઝોડું અને અંધકાર આપણાં જીવનનાં સનાતન સત્ય છે, ફૂલ, પર્ણ અને કળીની જેમ જ. સત્યનો સંપૂર્ણ સ્વીકાર જ હોઈ શકે, આંશિક નહીં. આપત્તિને સ્વીકારીએ, સમજીએ અને એની હારોહાર જીવતાં શીખીએ તો જ સાચું જીવાશે…

10 Comments »

 1. P Shah said,

  October 16, 2009 @ 1:49 am

  જીવનના સનાતન સત્યો ઉજાગર કરતું સુંદર કાવ્ય

 2. pragnaju said,

  October 16, 2009 @ 3:20 am

  હિંમત અને વિશ્વાસથી પ્રકાશ તરફ જીવનની ગતી
  સરસ નિરુપણ

 3. mrunalini said,

  October 16, 2009 @ 3:41 am

  ત્રયી
  અંધકારની વેલ પર
  ખીલે છે એક કળી
  તે કળી પ્રકાશની. બીલીના ફળની વિશિષ્ટતા એ છે કે, તેના પર કળી કે ફૂલ બેસતા નથી, પણ સીધાં જ ફળ બેસે છે. …
  પરમ પ્રકાશની તરફ લઈ જાયે
  દીપાવલીના પર્વ નિમિત્તે લક્ષ્મી પૂજનમાં
  અમાસની અંધારી રાતમાં દીપક

 4. pratik mro said,

  October 16, 2009 @ 4:01 am

  WISHING YOU ALL A

  “HAPPY & SAFE DIWALI

  &

  A PEACEFUL AND

  PROSPEROUS NEW YEAR”

 5. Kirtikant Purohit said,

  October 16, 2009 @ 6:12 am

  સાવ સાચી વાત

  આપ સૌને દીવાળીને નવાવર્ષની શુભકામનાઓ.

 6. vishwadeep said,

  October 16, 2009 @ 9:09 am

  અંધકારની વેલ પર
  ખીલે છે એક કળી
  તે કળી પ્રકાશની.
  સુંદર..
  મિત્રો…
  હ્ર્દય-જ્યોત જલાવી..એક સાચા-ભાવથી સૌને એક એનોખો પ્રેમ-પ્રકાશ આપીએ, એકમેક સાથ મળી સમગ-માનવજાતને ચાહીએ..ભેદભાવ ભૂલી એક વિશ્વકુટુંબ બનાવી સાથ રહીએ..સદેવ સત્ય,શાંતી, અને અહિંસાની પૂજા કરી માનવ-અવતારને પરિપૂર્ણ બનાવી,શુભ-કાર્યનો પ્રારંભ કરી નૂતનવર્ષની આવકારીએ..

 7. Ramesh Patel said,

  October 16, 2009 @ 11:12 am

  અંધકારની વેલ પર
  ખીલે છે એક કળી
  તે કળી પ્રકાશની.

  -દુર્ગાચરણ પરિડા

  પ્રકાશ પર્વ લયસ્તરોને સાહિત્યિક રીતે ઝગમગતું રાખે એવી શુભેચ્છા.
  શુભ દીપાવલી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 8. Lata Hirani said,

  October 16, 2009 @ 1:29 pm

  વાહ !!

 9. ધવલ said,

  October 16, 2009 @ 6:58 pm

  સરસ !

 10. sudhir patel said,

  October 16, 2009 @ 8:08 pm

  સુંદર અનુવાદ!
  લયસ્તરોને તેમજ સૌ ભાવક મિત્રોને દિવાળીની શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન!
  સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment