વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.
હનીફ સાહિલ

(જે થવાનું થૈ ગયું છે) -આતિશ પાલનપુરી

જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !

એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું !

જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું !

જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું !

સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !

-આતિશ પાલનપુરી

સીધી સોંસરવી ઉતરી જતી આ ગઝલમાં મને તો કવિની નફકરાઈ ખૂબ જ મજાની લાગી.  આવી નફકરાઈથી જીવી શકનારા કદાચ જૂજ માણસો જ હશે!  જે થવાનું થૈ ગયું છે, થાય શું !-એવું તો કદાચ આપણેય  કાયમ કહેતા હોઈશું, પરંતુ તોયે એ ‘થઈ ગયા’ પછી લ્હાય કરવાની ટેવ તો આપણે બધાને જ પડી ગઈ છે.  જગતમાં ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે– ની ફિલોસોફી રજૂ કરતો મક્તાનો શેર ખૂબ જ મજાનો થયો છે.  જો કે આવી ખૂબ જ સરળ લાગતી ફિલોસોફીઓ તો આપણે બહુ સારી રીતે જાણીએ અને સમજીએ છીએ, પરંતુ એને જીવનમાં કેટલે અંશે ઉતારી શકીએ છીએ…?

9 Comments »

 1. pragnaju said,

  September 6, 2009 @ 10:20 pm

  …જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
  એ અમોને પાય તોયે પાય શું !

  સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
  કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !
  વાહ્….
  અમે તો ખાલી હાથને તમારી યાદનો સાથ આપશું
  હરજી લવજી દામાણી મહેફિલમાં આંખોમાં આવી જ ખુમારી, ચાલમાં નફકરાઈ, કવનમાં કમનીયતા અને પઠનમાં માર્દવતા – શાયરોના શાયર ગણાતાં ‘ મુશાયરાઓની જાન હતા.તેમની આ રચના યાદ આવીહાથ આવ્યું હતું,
  હાય, મારું એ બાળપણ છૂટ્યું
  પગથી છૂટી જવાની પગદંડી
  એમનું જો કદી રટણ છૂટ્યું
  મદભરી આંખ એમની જોતાં
  છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું
  કોઈની આશને ઘરણ લાગ્યું
  કોઈની આશનું ઘરણ છૂટ્યું
  સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી
  નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું
  એમના પગ પખાળવા કાજે
  આંખથી ફૂટીને ઝરણ છૂટ્યુ

 2. Kirtikant Purohit said,

  September 7, 2009 @ 12:39 am

  આતિશસાહેબની એક ઉમદા ગઝલ. બેફિકર- બેતમા.

 3. Rakesh Thakkar, Vapi said,

  September 7, 2009 @ 12:43 am

  વાહ કવિનું શું દિલ છે…
  જે થવાનું થૈ ગયું છે, થાય શું !
  ને હવે એના ગયાની લ્હાય શું !

 4. 'ISHQ'PALANPURI said,

  September 7, 2009 @ 12:52 am

  સલામ! આતિશ સાહેબની કલમ ને !

  જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
  એ અમોને પાય તોયે પાય શું !
  વાહ ! કાબીલે દાદ

 5. વિવેક said,

  September 7, 2009 @ 2:42 am

  વાહ… આખી ગઝલ સ-રસ થઈ છે… બધા જ શેર ગમી ગયા…

 6. મીત said,

  September 7, 2009 @ 3:09 am

  અદભુત કવિતા ખરેખર મઝા પડી ગઈ..
  જે ગયુ તે ગયુ.મુકોને એની પંચાત.
  જો ભાઈ સંસાર છે એમા જે છે તે આજ અબધડી છે.
  માટે વર્તમાનમાં જીવો ને બધાને જીવવા દો.
  -મીત

 7. manharmody ('મન' પાલનપુરી) said,

  September 7, 2009 @ 3:29 am

  ગઝલ માં આપેલ ઉપદેશ્નો અમલ કરી શકિયે તો ઘણી ઉપાધિઓ ટાળી શકાય. પણ ……??????

  સરસ ગઝલ. થોડામાં ઘણું.

 8. bhav patel said,

  September 7, 2009 @ 6:52 pm

  સારી છે, પણ હવે ગુજરાતી ભાષાને ગઝલમાંથી કોઈ છોડાવશે ખરું?
  થન્ક્યુ,,,,

 9. Arvind Patel said,

  February 10, 2010 @ 2:48 am

  કવિ નિ ઉદારતા ગમી
  આપનારે ઘણુ જ આપ્યુ જે ખોબામાં માય તોય ઘણુ છે.
  છેલ્લે કવિ જે કહે છે તેના પરથી નીચેની લીટીઓ યાદ આવી
  માણસનો જન્મ થાય ત્યારે પહેલુ વસ્ત્ર ઝભલુ
  માણસનુ મરણ થાય ત્યારે છેલ્લુ વસ્ત્ર કફન
  આ બન્નેમાંથી એકનેય ખિસ્સુ નથી
  પછી દુનિયા આપણી પાસેથી જે લેવુ હોય તે લઇ લે શુ ફરક પડે છે.
  કવિની અલ્લડતા ગમી.
  થેંકસ લયસ્તરો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment