જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.
વિવેક મનહર ટેલર

અનુભવ થતો નથી – ભગવતીકુમાર શર્મા

Bhagvatikumar

(ભગવતીકુમાર શર્મા એમની એક લાક્ષણિક અદામાં..  …સુરત, ૨૦૦૬)

*

મોસમની આવ-જાનો અનુભવ થતો નથી;
ઉપવનમાં ભરવસંતેય કલરવ થતો નથી.

ક્ષણની ગતિવિધિઓમાં વિપ્લવ થતો નથી;
કેમે કરીને પૂરો હજી ભવ થતો નથી.

ભીતર તો ક્રૌંચવધ હવે હરપળ થતો રહે;
એકાદ શ્લોકનોયે કાં ઉદભવ થતો નથી ?

દુનિયા તો એની એ જ છે ઝળહળ ને ધૂમધામ;
જો તું નથી તો મનનો મહોત્સવ થતો નથી.

પ્યાલાઓ ગટગટાવું છું આકંઠ તે છતાં
ઓછો જરાયે યાદનો આસવ થતો નથી.

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્માને થોડા દિવસ પહેલાં જ ‘આદિ કવિ નરસિંહ મહેતા પુરસ્કાર’ એનાયત કરાયાની જાહેરાત થઈ. સુરતમાંથી આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ જયંત પાઠક પછી બીજા કવિ છે. સાક્ષરને અભિનંદન આપવા માટે ‘લયસ્તરો’નો મંચ ઘણો વામણો છે પણ આ પ્રસંગે અમે હૃદયપૂર્વક અમારી ખુશી વ્યક્ત કરીએ છીએ…  અને માણીએ એમની વધુ એક સાદ્યંત સુંદર ગઝલ…

14 Comments »

 1. Pinki said,

  August 27, 2009 @ 1:57 am

  ભગવતીદાદાને ખૂબ ખૂબ અભિનંદન….. !!

  સાદ્યંત સુંદર ગઝલ….

  ભીતર તો ક્રૌંચવધ હવે હરપળ થતો રહે;
  એકાદ શ્લોકનોયે કાં ઉદભવ થતો નથી ?

  ‘લયસ્તરો’નો મંચ ઘણો વામણો છે. ??
  ના… આપણી “ખુશી” વામણી નથી જ.

 2. sapana said,

  August 27, 2009 @ 5:03 am

  કવિશ્રીને હાર્દિક અભિનંદન!
  ગઝલ ખૂબ અર્થપૂર્ણ છે.
  પ્યાલાઓ ગટગટાવું છું આકંઠ તે છતાં
  ઓછો જરાયે યાદનો આસવ થતો નથી.
  સપના

 3. Rakesh Thakkar, Vapi said,

  August 27, 2009 @ 5:15 am

  ભગવતીદાદાને હાર્દિક અભિનંદન!
  સુંદર ગઝલ
  દુનિયા તો એની એ જ છે ઝળહળ ને ધૂમધામ;
  જો તું નથી તો મનનો મહોત્સવ થતો નથી.

 4. pragnaju said,

  August 27, 2009 @ 6:05 am

  આદિ કવિ નરસિં હ મહેતા પુરસ્કાર’ બદલ અભિનંદન

  સુંદર ગઝલની આ પંક્તીઓ ગમી
  દુનિયા તો એની એ જ છે ઝળહળ ને ધૂમધામ;
  જો તું નથી તો મનનો મહોત્સવ થતો નથી.

  પ્યાલાઓ ગટગટાવું છું આકંઠ તે છતાં
  ઓછો જરાયે યાદનો આસવ થતો નથી.

 5. Just 4 You said,

  August 27, 2009 @ 6:22 am

  WHOLE GAHZAL IS TOOOOOOOOOOOOOOOOOOOO NICEEEEEEEEEEEEEEEEEEEEEEE

  મોસમની આવ-જાનો અનુભવ થતો નથી;
  ઉપવનમાં ભરવસંતેય કલરવ થતો નથી.

  ક્ષણની ગતિવિધિઓમાં વિપ્લવ થતો નથી;
  કેમે કરીને પૂરો હજી ભવ થતો નથી.

  દુનિયા તો એની એ જ છે ઝળહળ ને ધૂમધામ;
  જો તું નથી તો મનનો મહોત્સવ થતો નથી.

 6. Dhaval said,

  August 27, 2009 @ 10:38 am

  ભીતર તો ક્રૌંચવધ હવે હરપળ થતો રહે;
  એકાદ શ્લોકનોયે કાં ઉદભવ થતો નથી ?

  સરસ ! અસલ ભ.શ.ની છાપવાળી ગઝલ !

 7. urvashi parekh said,

  August 27, 2009 @ 11:13 am

  દુનીયા તો એની એ જ છે,ાઝળહળ ને ધુમધામ,
  જો તુ નથી તો મનનો મહોત્સવ થતો નથી.
  સરસ પન્ક્તીઓ છે.

 8. Ramesh Patel said,

  August 27, 2009 @ 3:08 pm

  ચીંતન અને અભ્યાસપૂર્ણ આપનું વિવિધતાથી ભરેલું સાહિત્ય દેશ અને પરદેશમાં વર્ષોથી અમે માણીએ છીએ.
  આપના અભિવાદનમાં ગુજરાતનું ગૌરવ છે..દિલથી અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 9. sudhir patel said,

  August 27, 2009 @ 8:25 pm

  ભગવતીકુમાર શર્માને હાર્દિક અભિનંદન!

  આ શે’ર વધુ ગમ્યો.

  ભીતર તો ક્રૌંચવધ હવે હરપળ થતો રહે;
  એકાદ શ્લોકનોયે કાં ઉદભવ થતો નથી ?

  સુધીર પટેલ.

 10. P Shah said,

  August 28, 2009 @ 1:50 am

  ભગવતીકુમાર શર્માને હાર્દિક અભિનંદન !

 11. DR.MANOJ L. JOSHI ( JAMNAGAR ) said,

  August 28, 2009 @ 4:09 am

  આ.શ્રી ભગવતીકુમાર શર્મા ને ખુબ ખુબ અભિનંદન….સરળ શબ્દો માં ગહન વાતો કહેવા ની એમની શૈલી અને કાબેલિયત ને હ્રદયપૂર્વક વંદન………

 12. mrunalini said,

  August 28, 2009 @ 6:35 am

  ગિરનારની તળેટીમાં આ શરદપૂર્ણિમાનો દિવસ સાક્ષાત્ સરસ્વતીના અવતરણ સમો યાદગાર બની રહેશે. જૂનાગઢના ‘આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ’ તરફથી દરવર્ષે અપાતો ગુજરાતી કવિતા માટેનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત “નરસિંહ મહેતા પુરસ્કાર” રૂપાયતન સંસ્થાના પ્રાંગણમાં આ વર્ષે મોરારિબાપુના વરદ્ હસ્તે કવિશિરોમણી શ્રી ભગવતીકુમાર શર્માને અપાશે ત્યારે એમનું આ બહુમાન છે કે ગુજરાતી કવિતાનું- એ નક્કી કરવું આકરું થઈ રહેશે…

  ભગવતીકુમાર શર્મા એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. એમની કવિતા વાંચીએ તો લાગે કે એ શબ્દો કને નથી જતા, શબ્દો એમની કને સહસા સરી આવે છે, આ પંક્તીઓ
  તેણે લખાવી છે…
  ભીતર તો ક્રૌંચવધ હવે હરપળ થતો રહે;
  એકાદ શ્લોકનોયે કાં ઉદભવ થતો નથી ?

  દુનિયા તો એની એ જ છે ઝળહળ ને ધૂમધામ;
  જો તું નથી તો મનનો મહોત્સવ થતો નથી.

 13. પ્રજ્ઞા said,

  August 29, 2009 @ 6:09 am

  ભગવતીદાદાને ખૂબ ખૂબ અભિનંદન….. !!

  ખુબ સુંદર ગઝલ…………..

 14. ડૉ.મહેશ રાવલ said,

  October 22, 2009 @ 10:13 pm

  આદરણીય કવિશ્રી ભગવતીદાદાને મળેલા આદર સન્માનને સો સો સલામ અને એમના આશીર્વાદ આપણને સતત પ્રાપ્ત થતાં રહે એવી અભ્યર્થના.
  ઈશ્વર,કવિશ્રીને દીર્ઘ અને સ્વસ્થ આયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment