ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.

અંકિત ત્રિવેદી

બક્ષી હવે નથી રહ્યાં…

મુંબઇ –
રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની –
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કૉંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે –
હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં
હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી…

ચંદ્રકાંત બક્ષી (20/8/1932-25/3/2006)- “અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને… ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે…” ગુજરાતી સાહિત્યની બાલ્કનીમાં અચાનક જ એક આગવો મિજાજ તરતો મૂકીને શ્રી બક્ષી ગઈકાલે જ બ્રઈન હેમરેજના કારણે ગુજરી ગયાં. કલમના બદલે હાથમાં એ.ક.47 રાઈફલ રાખીને અને સર પર સતત કફન બાંધીને લખનાર ફરંદા, વિદ્રોહી, વિવાદી, આખાબોલા, સત્યવક્તા લેખક-પત્રકાર બક્ષી એમની વાર્તાઓ, નવલકથાઓ, લોહીમાં આગ લગાડે તેવી કટારો, કાવ્યો અને કટાક્ષો વડે હવે ફક્ત હૃદયસ્થ જ રહેશે.

5 Comments »

 1. Mohamedali Bhaidu"Wafa" said,

  March 26, 2006 @ 1:46 pm

  આહ બક્ષી, વાહ બક્ષી,અલવિદા બક્ષી
  ”આ દુનિયામા ઈશ્વર કોઇને સદબુધ્ધિ આપતો નથી આપણા સિવાય” ’સ્ત્રીઓ પાંસે શરીર અને પુરુષો પાસે બુધ્ધિ-દુનિયાનાઁ બજારોમાઁ આજ વસ્તુઓ વેચાઇ છે અને વેચાયા કરવાની,ફ્ક્ત સમય-અસમય ગુલામોના બજારોના કાયદા બદલાયા કરેછે.’
  ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ –વીરોનુ અને આપણા પાળેલા કૂતરાઓનુઁ’ ’એક રણ, ઈશ્વરના દિલ જેવુઁ………’ ’સાપનુ ઝેર એના દાંતમાઁ હોયછે,સ્ત્રીઓનુઁ સાથળોમાઁ’
  ‘ભવિષ્ય ભૂતકાળ સિવાય બીજુઁ શુઁ હોઇ શકે? જ્યારે હુઁ જુના ખઁડેરો જોઉઁ છુઁ ત્યારે હુઁ ભવિષ્ય જોઇ રહ્યો હોઉઁ એવુઁ લાગે છે.સંસક્રુતિએ પ્રગતિ કરીને એ દિશામાઁ-ખઁડિયેરોની સ્થિતિમાઁજ પહોઁચવાનુ છે…..ખઁડિયેરો હમેશાઁ બહુ લાંબુ જીવી શકેછે……’
  ‘પોત પોતાના સ્વાર્થના પાયા પર રચાયેલી સમજદારી હોયતો,લાગ્ન જીવનનુઁ ઘણુઁ ઘર્ષણ ઓછુઁ થૈ શકે.
  ‘ગુજરાતીઓ ને જિન્નાહ ગુજરાતી હોવા વિષે શા માટે ગર્વ નથી એ મને સમજતુન નથી.”

  “સંસ્કારી ગરીબી જલદી ખસતી નથી.”
  ‘સારા માણસોની ખરબીઓ ખતરનાક હોયછે,સુખ આપી આપીને મારી નાઁખેછે,કે અપંગ કરી નાખેછે.” ચઁદ્રકાંત બક્ષી(નવકથા “આકાર’ માથી)
  તુને “વફા” દિલમે એક ફાંસ ડાલી થી જાઅબ તુજે હમને દિલસે માફ કર દિયા.
  મોહમ્મદઅલી ભૈડુ “વફા”
  બ્રામ્પટન,કેનેડા 26માર્ચ2006.

 2. Kathiawadi said,

  March 26, 2006 @ 7:10 pm

  “એક યહુદી ને ઈઝરાયલ માટે જેટલો પ્રેમ હોય છે, તેટલો પ્રેમ મને ગુજરાત માટે છે.”

  ગુજરાત નાં આ સપૂત નો ખુબ ખુબ આભાર. પ્રભુ એનાં આત્મા ને શાંતિ આપે.

  આ આખા-બોલાં, કડવા, નિર્ભય ગુજરાતી ની ખોટ વર્તાશે.

 3. radhika said,

  March 27, 2006 @ 7:09 am

  જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો,
  પરમાત્મા એ આત્માને શાંતી સાચી આપજો…

  સ્વ. શ્રી ચંદ્રકાંત બક્ષી ને એમની નીયમીત કટારવાચક તરફથી ભાવભીની શ્રધાંજલી

 4. ફાગણને વિદાય…ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય …..ઉમાશંકર જોશી - સુલભ ગુર્જરી said,

  March 25, 2009 @ 3:37 am

  […] આ પ્રસંગે ૨૦૦૬માં લયસ્તરો પર મુકેલ બક્ષી હવે નથી રહ્યાં… મમળાવવી આપને જરૂર […]

 5. ફાગણને વિદાય…ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય …..ઉમાશંકર જોશી « મન નો વિશ્વાસ said,

  March 25, 2009 @ 3:44 am

  […] આ પ્રસંગે ૨૦૦૬માં લયસ્તરો પર મુકેલ બક્ષી હવે નથી રહ્યાં… મમળાવવી આપને જરૂર […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment