તું આવે જો સાથે
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…
વિવેક મનહર ટેલર

યાચના – ઝવેરચંદ મેઘાણી

મોરલા હો ! મુને થોડી ઘડી
                  તારો આપ અષાઢીલો કંઠ:
        ખોવાયેલી વાદળીને હું
        છેલ્લી વાર સાદ પાડી લઉં.

ઈંદ્રધનુ ! તારા રંગ-ધોધોમાંથી
                         એક માગું લીલું બુન્દ:
          સાંભરતાંને આંકવા કાજે
          પીંછી મારી બોળવા દેજે !

મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
                             ખેંચવા દે એક તાર:
           બેસાડીને સૂર બાકીના
          પાછી સોંપી દૈશ હું વીણા.

ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
                          આપજે એક કલ્લોલ:
          હૈયું એક નીંદવિહોણું-
         ભાલે એને વાયરો ઢોળું.

રાતરાણી ! તારા ઝાકઝમાળનું
                         મારે નથી કાંઈ કામ:
           ગાઢ અંધકાર પછેડા
          ઓઢાડી દે ઊંઘની વેળા.

– ઝવેરચંદ મેઘાણી

(મૂળ કવિતા- રવીન્દ્રનાથ ટાગોર)

‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા મેઘાણીની આ રચના પહેલી નજરે રાષ્ટ્રીય ચેતનાની એમની શૈલીથી થોડી અલગ લાગે પણ પોત તપાસીએ તો ખબર પડે કે આમાંય વ્યક્તિચેતનાની વાત જ છે. કુદરતની મબલખ સંપત્તિમાંથી કવિ માત્ર પોતાને જેની સાચોસાચ જરૂર છે એવા બુંદમાત્રની જ યાચના કરે છે. અહીં કોઈ મનુષ્યસહજ સંગ્રહવૃત્તિ નજરે ચડતી નથી. અને કવિ જે ઈચ્છે છે એ પણ કોઈ ખોવાયેલાને સાદ દેવા કે યાદ કરનારને ચિતરવા યા ઊંઘવિહોણાને મદદ કરવા જ માંગે છે… કોઈ ઝાકઝમાળભર્યા સૌંદર્યનીય કવિને અપેક્ષા નથી, કવિ માત્ર અંતિમવેળાએ ગાઢ અંધકારની પછેડી જ તાણવા માંગે છે… 

6 Comments »

 1. pragnaju said,

  April 23, 2009 @ 3:20 am

  રાતરાણી ! તારા ઝાકઝમાળનું
  મારે નથી કાંઈ કામ:
  ગાઢ અંધકાર પછેડા
  ઓઢાડી દે ઊંઘની વેળા.
  કેવી સુંદર યાચના

  શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું
  ભક્તિ કરતાં… …

 2. sudhir patel said,

  April 23, 2009 @ 7:31 am

  રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આગવી યાચનાને સલામ!
  સુધીર પટેલ.

 3. Jayshree said,

  April 23, 2009 @ 1:48 pm

  રવિન્દ્રનાથ ટાગોરની રચનાનું ઝવેરચંદ મેઘાણીએ કરેલું અનુવાદ.. આ મીઠેરા શબ્દોને શ્યામલ-સૌમિલ-આરતી મુન્શીના સ્વરમાં સાંભળવાનું ગમશે?
  http://tahuko.com/?p=3145

 4. Pinki said,

  April 24, 2009 @ 1:49 am

  મારું ગમતીલું ગીત….. !!

 5. વિવેક said,

  April 24, 2009 @ 2:06 am

  આભાર, જયશ્રી…

 6. Lata Hirani said,

  April 24, 2009 @ 5:13 am

  હૈયું એક નીંદવિહોણું-
  ભાલે એને વાયરો ઢોળું.

  વાહ શાયર….

  જો આ રચના મૂળ ટાગોરની હોય તો — શ્રી જયંતભાઇ મેઘાણીએ (ભાવનગર, પ્રસાર) ટાગોરની બીજી કવિતાઓના ખૂબ સુઁદર અનુવાદ કર્યા છે..પણ એ આપશે નહી, એમની પાસેથી લઇ લેવા પડશે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment