ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
'ઘાયલ' નિભાવવી'તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.
અમૃત 'ઘાયલ'

એક દરિયો – સંધ્યા ભટ્ટ

એક દરિયો આંખ સામે ઊછળે છે,
એક દરિયો ભીતરે પણ વિસ્તરે છે.

હર ક્ષણે દરિયો કિનારાને મળે છે,
ને કિનારાને પ્રતીક્ષા હર ક્ષણે છે.

એક દરિયો આંખની અંદર હશે ને !
આંસુ એમાંથી જ તો છૂટાં પડે છે.

નાવનું અસ્તિત્વ દરિયાથી સભર છે,
ને દરિયો નાવથી શું સૂચવે છે !

શાંત ને ધ્યાનસ્થ મુદ્રામાં કદી એ,
તો કદી એ ખૂબ તોફાને ચઢે છે.

-સંધ્યા ભટ્ટ

સંધ્યા ભટ્ટ (જન્મ: ૩૦-૦૬-૧૯૬૪) બારડોલીની કોલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે કાર્યરત્ છે અને સુંદર ગીત-ગઝલ લખે છે. પ્રસ્તુત મુસલસલ ગઝલમાં દરિયાની અલગ અલગ રંગછટા એમણે બખૂબી ઉપસાવી છે. નાવનું સાચું સાફલ્ય દરિયામાં ઉતર્યા પછી જ છે એ વાત તો ઘણા લોકો કરી ગયા પણ નાવના દરિયામાં હોવા અંગે દરિયાના દૃષ્ટિકોણની એક અલગ જ વાત કવિ અહીં લાવ્યા છે એ એમની પ્રતિભા સૂચવે છે. આપણું હોવાપણું વિરાટકાય ઈશ્વર અને એની અનંત સૃષ્ટિથી સભર થાય છે પણ આ વિશાળ ઈશ્વરીય સૃષ્ટિમાં આપણા હોવાપણાંનું એક નાનકડું બિંદુ પણ કદાચ એટલું જ મહત્વનું છે…

19 Comments »

 1. pankajtrivedi said,

  January 22, 2009 @ 2:54 am

  દરિયા જેવી ઉદારતા પ્રતીકાત્મક રીતે મુકીને કવયિત્રી માનવજાતને એક બિન્દુ સાથે સરખાવે તે મજા ની વાત. અભિનન્દન.
  પઁકજ ત્રિવેદી

 2. mukesh said,

  January 22, 2009 @ 6:00 am

  ખુબ સરસ અભિવ્યક્તિ. મોતિ વાત તુકાન્ મા સમ્જવિ દિધિ.

 3. અનામી said,

  January 22, 2009 @ 6:39 am

  એક દરિયો આંખની અંદર હશે ને !
  આંસુ એમાંથી જ તો છૂટાં પડે છે.
  સરસ.

 4. pragnaju said,

  January 22, 2009 @ 8:41 am

  અમારા બારડોલીની સંધ્યા ભટ્ટને ગઝલનું મઝાનું પઠન કરતા સાભળ્યા છે.
  આવી સુંદર ભાવવાહી રચનાની તેમના જ સ્વરમાં મૂકવા વિનંતી

 5. P Shah said,

  January 22, 2009 @ 11:14 am

  હર ક્ષણે દરિયો કિનારાને મળે છે,
  ને કિનારાને પ્રતીક્ષા હર ક્ષણે છે.

  મળતા પહેલા અને મળ્યા પછી પણ જે રહે તે જ પ્રતિક્ષા !
  સુંદર ગઝલ !

 6. bharat said,

  January 22, 2009 @ 11:35 am

  “એક દરિયો ભીતરે પણ વિસ્તરે છે.”
  ખુબ સરસ ગઝલ
  -ભરત જોશી

 7. ઊર્મિ said,

  January 22, 2009 @ 1:01 pm

  અરે વાહ… ‘બારડોલીની કોલેજ’ વાંચીને મન ફટાક દઈને કોલેજનાં પ્રાંગણમાં હાજર થઈ ગયું…! 🙂 એટલે જ તો કવિતાને અમારા સુધી પહોંચાડનાર મિત્રનો અને કવિનો ખાસમખાસ આભાર…!

  એક દરિયો આંખની અંદર હશે ને !
  આંસુ એમાંથી જ તો છૂટાં પડે છે.

  મજાની ગઝલ… આ શે’ર તો ખૂબ જ ગમી ગયો…!

 8. Kavita said,

  January 22, 2009 @ 2:57 pm

  સરસ ગઝલ સંધ્યાબેન.

 9. ધવલ said,

  January 22, 2009 @ 7:26 pm

  નાવનું અસ્તિત્વ દરિયાથી સભર છે,
  ને દરિયો નાવથી શું સૂચવે છે !

  – સરસ !

 10. પ્રતિક મોર said,

  January 22, 2009 @ 11:31 pm

  કોઇ કિનારે બેસી હવા જ માણે છે
  કોઇ દરિયાથી દુર રહી ને વાત કરે છે.
  મરે છે દરિયામાં એ જે દરિયા મા તરે છે.
  મરવાના દર વિના એ દરિયો સર કરે છે.

  પ્રતિક મોર
  pratiknp@live.com

 11. પ્રતિક મોર said,

  January 22, 2009 @ 11:39 pm

  કે હે આંસુ તારો સ્વાદ દરિયાના પાણી જેવો કેમ લાગે છે.
  ને વળી ઉછદતા નાના મોજા મને દિલ પર કેમ વાગે છે.
  કહેવાય છે કે દરિયો છે ત્યાગનુ પ્રતિક ધરતી સમ
  તો પછી હિરા પેટ મા રાખી કચરો બહાર કેમ ત્યાગે છે.

  પ્રતિક મોર
  pratiknp@live.com

 12. Pinki said,

  January 23, 2009 @ 12:14 am

  વાહ્… બહુત ખૂબ
  દરેક શેર ખૂબ સુંદર !!

  મજા આવી ગઈ સંધ્યાબેન ….

 13. Niral said,

  January 23, 2009 @ 3:57 pm

  Guys,

  this is Excellent (Kavita & couple of Sher)

  I m not into Kavita too much but when I read this on Saturday early morning and just think on it for a while then I realize that it make lot of sense

  Specially

  હર ક્ષણે દરિયો કિનારાને મળે છે,
  ને કિનારાને પ્રતીક્ષા હર ક્ષણે છે.
  Excellent definition of Pratiksha

  I heard almost same kind of definition for સુખી લગ્ન a while ago
  જો લગ્ન કરેલ માણસ ફરીથી એના એ જ જીવનસાથી જોડૅ લગ્ન કરવાનુ પસન્દ કરે તો તેને સાચા અર્થમા સુખી લગ્ન જીવન કહી શકાય

  the other kadi has also lot to say
  એક દરિયો આંખની અંદર હશે ને !
  આંસુ એમાંથી જ તો છૂટાં પડે છે.

  fabulous poem

  Thanks for posting this kind of poem
  Please keep it up

  Niral

 14. Dilipkumar Bhatt said,

  January 25, 2009 @ 2:17 am

  સન્ધ્યાબહેનનુ નામ ઉશાબેન હોવુ જોઈએ કારણકે હજુ તો તે ટ્ગ ઉગી રહી છ સારુ કાઠુ કાઠુ કાઢયુ ! ખુબ ખુબ અભીનન્દન.

 15. raxa patel said,

  February 25, 2010 @ 4:09 pm

  સન્ધાબેન ગઝલ ખુબ સરસ છૅ.
  ‘શાંત ને ધ્યાનસ્થ મુદ્રામાં કદી એ,
  તો કદી એ ખૂબ તોફાને ચઢે છે’
  આ શબ્દો ક્યાક પુત્ર વિયોગ મા તડપતી માતાની જ બન્ને અવસ્થા ઓ તો નથી ? મૂક બની મન ની અવસ્થા નૅ ગઝ્લ માધ્યમ દ્વારા કવિયત્રિ એ પોતની વ્યથા વ્યક્ત કરી છે. ગઝલ ખુબ હદય સ્પશી રહી .
  રક્ષા પટેલ.
  કેનેડા.

 16. વિવેક said,

  February 26, 2010 @ 7:25 am

  પ્રિય રક્ષાબેન,

  આ ગઝલ એમના દીકરાને થયેલા અકસ્માત પહેલાંના સમયમાં લખાયેલી છે એટલું આપની જાણ ખાતર…

  પણ આવા લાડકા અને મીઠા દીકરાના વિયોગમાં કવિનું હૈયું ખૂબ જ નિચોવાયું હશે એ નક્કી… પ્રભુ એના આત્માને ચિર શાંતિ બક્ષે એ જ પ્રાર્થના…

 17. Sandhya Bhatt said,

  March 18, 2010 @ 9:00 am

  રક્ષા, સારું થયું કે આજે મેં મારી ફાઈલ ખોલી.. તારો પ્રતિભાવ વાંચીને આનંદ થયો. વિવેકભાઈ,
  ખરું કહીએ તો આપણી અભિવ્યક્તિમાં આપણું શુભ ચાહનારાઓનો બહુ મોટો ફાળો હોય.
  તમારી વેબસાઈટનું સરનામુ રક્ષા જેવી સાહિત્યપ્રિય વ્યક્તિ માટે ફળદાયી બનવાનુ.પહેલા અમે
  કોલેજના સ્ટાફરુમમાં સાથે બેસતા હતા, હવે અહીં સાથે બેસીશું.

 18. kanchankumari parmar said,

  March 19, 2010 @ 2:01 am

  ભરતિ હૈયે એવિ ચડિ છે કે મઝધારે અટવાયેલિ નાવ ને બસ એક મોતિ નિ જ પડિ છે…..

 19. raxa patel said,

  March 23, 2010 @ 4:05 pm

  સન્ધ્યાબેન.તમારી ગઝલ ની હુ આતુરતા થી રાહ જોઈ રહી છુ.વિવેકભાઈ ને વિનંતિ કે અમારા માટે સંધ્યાબેન ની ગઝલો પોસ્ટ કરતા રહો જેથી અમે એનો આસ્વાદ માણી શકીએ. એક નિકટ ની મિત્ર તરીકે હુ એમને ખુબ સારી રીતે જાણુ છુ.એઓ સ્વભાવે પણ ખુબ પારદર્શી અને કોમળ હ્ર્દયી છે.અને એટલા માટેજ ગઝલ ના શબ્દો એમને શોધવા પડતા નથી શબ્દ ખુદ બ ખુદ એમની ગઝલમાળા માં ગુથાઈ જતા હોઈ છે.
  આ વેબ સાઈટ માટે વિવેકભાઈ નો ખુબ ખુબ આભાર. જેના દ્વારા અમે પરદેશીઓ માતૃભાષા તેમજ માતૃભૂમિ ની સુગંધ ને માણી શકીએ.
  રક્ષા પટેલ.
  કેનેડા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment