કરે છે એક ને પીડાય છે બીજો જ સતત
પુરુ છે દેહ ને મન આપણું યયાતિ છે.
ડેનિશ જરીવાલા

પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

– રમેશ પારેખ

ઉતરાણ વિશેની બધી પ્રચલિત માન્યતાઓને ‘કાઈપોચ’ કરીને કવિ ઉતરાણનો તદ્દન નવો અર્થ બતાવે છે.

15 Comments »

 1. Jayshree said,

  January 12, 2009 @ 11:27 pm

  અરે વાહ… રમેશ પારેખનું ‘છ અક્ષરનું નામ’ તો છે મારી પાસે – પણ આ કવિતા તો નજર બહાર રહી ગઇ હતી..!

  ખરેખર મઝા આવી જાય એવું ગીત છે..!

  ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
  આભ, તું જરાક નીચે આવ…

 2. પ્રતિક મોર said,

  January 13, 2009 @ 5:58 am

  જોને મારી પતંગ લહેરાઈ છે નભ મા.
  જાને કે તિરંગો ફરકાઇ છે આભ મા.

  જાતિ ભેદ ને એ જોતો નથી.
  રસ્તે આવે તેને છોદતો નથી.
  ઉડે છે ઉગતા સુરજ જેમ
  પણ પાછો ક્યારે આવતો નથી,

  જોને મારી પતંગ લહેરાઈ છે નભ મા.
  જાને કે તિરંગો ફરકાઇ છે આભ મા.

  રંગ ભેદ એ કોઇ જોતો નથી
  ફાતે તોય એ ક્યારે રોતો નથી
  ગતિ એની છે સમડી ની જેમ
  પણ પાછો ક્યારે આવતો નથી,

  જોને મારી પતંગ લહેરાઈ છે નભ મા.
  જાને કે તિરંગો ફરકાઇ છે આભ મા.

  પ્રતિક મોર
  pratiknp@live.com

 3. વિવેક said,

  January 13, 2009 @ 8:29 am

  સુંદર કાવ્ય… ર.પા.ના એક ઓર પતંગ કાવ્ય માટે થોડી રાહ જોઈશું?

 4. ઊર્મિ said,

  January 13, 2009 @ 9:03 am

  અરે વાહ મજા આવી ગઈ આ તો… મસ્ત ગીત શોધી લાવ્યા હોં ધવલભાઈ !

  અને તમારું આ ‘કાઈપોચ’ વાંચીને તો મન અગાસીમાં પહોંચી ગયું… અને અગાસીમાં જવું હોય તો દેશમાં જ પહોંચવું પડે ને… કારણ કે અહીં તો હારી અગાસીની બી નથી… 🙂

  બધા મિત્રોને ઉત્તરાયણની આગોતરી શુભેચ્છાઓ…!

 5. Bharat Atos said,

  January 13, 2009 @ 10:31 am

  આ પંક્તિઓમાં સુન્દર કલ્પના દેખાઇ આવે છે…
  “જુઓ, મનુષ્યો-
  ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
  પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

  મને પણ કંઇક યાદ આવે છે…

  મસ્ત બની પતંગ ઉડવું છે આકાશમાં
  ત્યાં લગી જવું,જ્યાં કોઇ ના હોય આસ-પાસમાં

  -ભરત અટોસ

 6. preetam lakhlani said,

  January 13, 2009 @ 11:47 am

  પ્રિય ધવલ ભાઈ,
  કોણ માનશે કે આ કવિતા ર્.પા. એ અમરેલી મા સુખ નિવાસ ના ભોયતરિયા ના નિવાસ મા લખી હતી…..બાકી અમેરિકા મા આગાશી નથી તો હમે શુ કરિએ, કારણ વગર હમારો જીવ ન ખાવ્ બસ કવિતા નો જલ્શો કરો એ જ મોટિ વાત છે.

 7. pragnaju said,

  January 13, 2009 @ 12:06 pm

  આ પતંગ રૂપે છે નિમંત્રણ-
  નીચે આવી ચાખ ઉમળકો,
  ચાખ જુવાની, ચાખ લાગણી
  ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
  આભ, તું જરાક નીચે આવ…
  કેટલું હ્રુદયસ્પર્શી !
  મારી ભીતર ઉડે છે એક પ્રેમ ની પતંગ
  અમી-ઉલ્લાસની છોળો ઉડાવતી એ પતંગ,
  કપાઈ ને પણ આનંદ રેલાવતી એ પતંગ

 8. Ramesh Patel said,

  January 13, 2009 @ 12:33 pm

  ચાલો ચગાવીએ ગીતના પતંગ
  પતંગ પર્વે મસ્ત ઉમંગે, હવામાં હરખના જંગ
  પવન સપાટે આકાશે મલકે,ફુલ ગુલાબી રંગ

  ઉત્તરાયણે સૌને વહાલી જલેબી ઊંધીયા ઉજાણી
  સર્વધર્મનું સહિયારું પતગ પર્વ,લાગ્યું રે ગુજરાતી
  રમેશ પટેલ ‘આકાશદીપ’

 9. Jayshree said,

  January 13, 2009 @ 9:03 pm

  વિવેક,
  થઇ ગઇ ૧૪મી… લાવો રમેશ પારેખનું બીજું પતંગ-ગીત..! 🙂

 10. shriya said,

  January 13, 2009 @ 11:17 pm

  ઉજ્જડ નભને નમણું નજરાણું
  ઉર્ફે આ પતંગ !
  કેટલી સરસ વાત!! 🙂

 11. Pinki said,

  January 14, 2009 @ 1:09 am

  Sky is the limit but sky has no limit ?!!

  પણ ર.પા.એ તો આખા આભને જ જમીન પર લાવી દીધું છે.
  વાહ્… !!

  ઉજ્જડ નભને નમણું નજરાણું
  ઉર્ફે આ પતંગ !

 12. kanchankumari parmar said,

  January 5, 2010 @ 2:49 am

  જોવુ હોય તો નિચે આવિ ને જો;કેવિ કાપાકાપિ ને મહા મારિ ….અને તુ પણ રહ્યો એમા કિયા બાકિ?

 13. Rahul Tank said,

  March 19, 2010 @ 8:21 am

  I m not capable, for give comment.

 14. …પતંગ થઇને આખો દિવસ ઊડે સૌ ગુજરાતી! - જય વસાવડા | ટહુકો.કોમ said,

  January 13, 2011 @ 9:17 pm

  […] રમેશ પારેખની આ કવિતા (કવિના, જગતના) કમનસીબે ગુજરાતીમાં લખાઇ છે. બાકી અંગ્રેજીમાં હોત તો ‘મોસ્ટ ક્લિક્ડ કાઈટ પૉએમ’ તરીકે સર્ચ ‘એન્જીન’ની સિસોટી વગાડતી હોત! વૉટ અ ફેન્ટાસ્ટિક ફેન્ટેસી! મોટાભાગની પતંગ કવિતાઓ માણસની કે પતંગની ઉડાનની વાત કરે છે. અને આ કવિતા વાત કરે છે, આકાશકુમારની! જી હા, આસમાન કેટલું વિશાળ છે, વિરાટ છે, ગ્રેટ એન્ડ ગ્રાન્ડ સ્કાય. ટોપ ઓફ ધ વર્લ્ડ! […]

 15. પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ | ટહુકો.કોમ said,

  January 14, 2013 @ 12:54 pm

  […] – રમેશ પારેખ Leave a reply EmailPrintચાર વર્ષ પહેલા લયસ્તરો પર ધવલભાઇએ આપેલું આ મઝાનું પત…- આજે સીધેસીધું ત્યાંથી અહીં ટહુકો […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment