પગ ત્યજીને પગલાં ચાલી નીકળે,
માર્ગ પણ કેવા મવાલી નીકળે !
વિવેક મનહર ટેલર

આ વખતે નહીં – પ્રસૂન જોશી

 
( મૂળ કવિતા સાંભળો કવિના પોતાના જ અવાજમા. )

આ વખતે નહીં.
આ વખતે એ નાની છોકરી મારી પાસે ઘસરકો લઈને આવશે
તો હું ફૂંક મારીને એને ખુશ નહીં કરું,
એની પીડાને હું વધવા દઈશ.
આ વખતે નહીં.

આ વખતે જ્યારે ચહેરાઓ પર દર્દ લખાયેલા જોઈશ,
નહીં ગાઉં પીડા ભૂલાવી દે એવાં ગીત.
દર્દને પચવા દઈશ, અંદર ઊંડે ઊતરવા દઈશ.
આ વખતે નહીં.

આ વખતે હું મલમ નહીં લગાડું.
નહીં લઉં હાથમાં રૂના પૂમડાં
અને નહીં કહું કે તું આંખ મીચી લે,
જરા માથું એ તરફ કરી લે, હું દવા લગાડી આપું છું.
જોવા દઈશ બધ્ધાને, આપણા બધ્ધાને, ઉઘાડા નગ્ન ઘા.
આ વખતે નહીં.

આ વખતે તકલીફો જોઈશ. તડફડાટ જોઈશ. નહીં દોડું ગૂંચવાયેલી દોરીને ઉકેલવા.
ગૂંચવાવા દઈશ જેટલી ગૂંચવાઈ શકે.
આ વખતે નહીં.

આ વખતે કર્તવ્યની આણ આપીને હથિયાર નહીં ઉઠાવું.
નહીં કરું ફરીથી એક નવી શરૂઆત.
નહીં બનું એક કર્મયોગીનું ઉદાહરણ.
નહીં ચડવા દઉં જીંદગીને આટલી આસાનીથી પાટા પર.
એને કાદવમાં ઊતરી જવા દઈશ, વાંકા ચૂંકા રસ્તા પર.
નહીં સૂકાવા દઉં દિવાલ પરનું લોહી,
નહીં ઝાંખો થવા દઉં એનો રંગ.
આ વખતે એને એટલું લાચાર નહીં થઈ જવા દઉં
કે પાનની પિચકારી અને લોહીનો ફરક જ મટી જાય.
આ વખતે નહીં.

આ વખતે ઘાને જોવા છે,
ધ્યાનથી,
લાંબા સમય સુધી.
થોડા નિર્ણય
અને એના પછી હિંમત.
ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે
આ વખતે તો નક્કી કર્યું છે.

– પ્રસૂન જોશી

મુંબઈ આતંકકાંડનો ખરો જવાબ શું હોઈ શકે ?

આજે તો ગુસ્સો તમને છે એટલો મને પણ છે અને અકળામણ તમને છે એટલી મને પણ છે. પણ થોડા જ વખતમાં આપણે દર વખતની જેમ આપણે આ બધુ ભૂલી જઈશું.

વહેલા લોહીનું ઋણ ખરેખર ચૂકવવું હોય તો ચાલાક થવું પડશે. આ ઘા કદી ન ભૂલાય એની કાળજી લેવી પડશે. આ ભસ્મને રાષ્ટ્રના લલાટમાં એવી લગાડવી પડશે કે કેટલીય પેઢીઓ સુધી દેખાયા કરે. એક દેશના સ્વમાનને જગાડવું પડશે. એક પીડાને ઉછેરવી પડશે. એક પ્રજાની હિંમતને કંડારવી પડશે. ગમે તે કિંમત ચૂકવવાની તૈયારી કરવી પડશે.

આ બધુ કરવા માટે આપણે લાંબો વિચાર કરવો પડશે. આપણા ગુસ્સાને આપણે કાબૂમાં કરવો પડશે. અને પછી એને કેન્દ્રિત કરવો પડશે. એક દેશ તરીકે ને એક પ્રજા તરીકે આપણે આ અંગારને સતત હાથમાં રાખીને વિચારતા શીખવું પડશે. બલિદાન આપતા શીખવું પડશે. આટલું રાષ્ટ્રમંથન કરવું પડશે. આ રાષ્ટ્રમંથનમાંથી જે જ્વાળા નીકળશે એ જ આ હુમલાનો ખરો જવાબ હશે.

એરિસ્ટોટલે સદીઓ પહેલા કહેલી વાત આજે યાદ રાખવાની છે :

Anyone can become angry. That is easy. But to be angry with the right person, to the right degree, at the right time, for the right purpose and in the right way – that is not easy.

આ કવિતા જાણીતા ગીતકાર અને એડવર્ટાઈઝીગ-ગુરુ પ્રસૂન જોશીની હિન્દી કવિતાનો અનુવાદ છે.

13 Comments »

  1. Pinki said,

    December 16, 2008 @ 12:42 AM

    વિચારવાનું તો એ જ છે કે, આ એ જ પ્રસૂન જોષી છે જેણે મુન્નાભાઈને ગાંધીગીરી કરતા
    બતાવેલાં અને આપણા જાણીતા નાટ્.ય દિગ્દર્શક, ગઝલકાર, એવા સૌમ્ય જોષીનાં ભાઈ છે.

    પણ હવે તેઓ પણ સમજી ગયાં છે
    આ વખતે નહીં……..
    ગાંધીગીરી માણસો સમજી શકે.
    લયસ્તરો પર જ ગાંધીયન વિચારો પર કઈક ચર્ચા હેમંતભાઈએ કરેલી તે યોગ્ય જ હતીને ?!!

    મુન્નાભાઈએ કહેલું એમ,
    બીજો ગાલ ધરીએ અને એ લાફો મારી દે તો શું કરવું એવું ગાંધીજીએ નથી કહ્યું ……..!!

  2. વિવેક said,

    December 16, 2008 @ 2:09 AM

    હૃદયસ્પર્શી કાવ્ય અને એવો જ સરળ અને ભાવવાહી અનુવાદ…

  3. Dr. J.K.Nanavati said,

    December 16, 2008 @ 12:46 PM

    આ દેશનો તિરંગો સહુએ ઉંચકવો પડશે
    સરહદને તોડી ફોડી નક્શો બદલવો પડશે

    બાઈબલ, કુરાન, ગીતા, કહેતા નથી કશું, પણ
    આ માનવીનો આતમ, સરખો સમજવો પડશે

    ભુલી બધી કટુતા, ફેલાવ્યા બાહુ હરદમ
    જે હાથ ઝાલ્યો કાલે , આજે મરડવો પડશે

    નિયતને નામે આંતક, નેતા તમે કરો છો
    સમજી જજો સમયસર, રસ્તો પકડવો પડશે

    પ્રગટાવી મીણ બત્તી, દેશું સલામી કિંતુ
    વળતો જવાબ આપી, ઉત્સવ ઉજવવો પડશે

    ડો.જગદીપ નાણાવટી.

  4. heena said,

    December 17, 2008 @ 12:10 AM

    ખુબ જ સરસ.
    પણ અફસોસ, આજના માનવી પાસે આ કવિતા, આ ભાવ સમજવાનો સમય જ કયાં છે.

  5. deepak parmar said,

    December 17, 2008 @ 1:19 AM

    અમદાવાદ,
    તારીખ ૨૬/૭/૨૦૦૮,
    સમય સાંજના ૬.૪૬,
    એક નાનુ બાળક,
    રડી રહયું હતુ,
    એક લાશ આગળ,
    આજુ-બાજુની જમીન,
    લોહિથી લાલ હતી,
    ચીસો,ધક્કા-મુક્કી અને શોરબકોરથી,
    ભરેલા વાતાવરણમાં,
    આ બાળકનો અવાજ,
    કોણ સાંભણે ?
    ખૌફ અને મૌતનો નાગો નાચ,
    લોકોની આંખોમાં હતો,
    પણ! આ શુ?
    રડીને લાલ થયેલી,
    બાળકની આંખો જાણે,
    કાલી-કાલી બોલીમાં,
    પુછી રહી હતી,
    “અલે લે… આ છું છે?”
    હું બાળકને કહીના શક્યો,
    કે બેટા! આ “જેહાદ” છે…

    – દીપક પરમાર

  6. Mansi Shah said,

    December 17, 2008 @ 2:12 AM

    હિન્દી કવિતા જેટલી સરસ છે એટલો જ સરસ ગુજરાતી ભાવાનુવાદ છે.

  7. ઊર્મિ said,

    December 17, 2008 @ 10:13 AM

    ખરેખર ખૂબ જ હૃદયસ્પર્શી કવિતા… અને ભાવાનુવાદ પણ ખૂબ મજાનો !

    કાશ… કે આવી કવિતા કોઈ કવિએ કોઈ દિવસ લખવી જ ન પડે !

  8. "koik" said,

    December 17, 2008 @ 2:17 PM

    ખૂબ જ હૃદયસ્પર્શી કવિતા
    જાગવાનો સમય થઇ ગયો છે

  9. અનામી said,

    December 18, 2008 @ 3:18 AM

    હા આ એ જ પ્રશુન જોશી જે ગુજરાતી નાટય- દિગદર્શક -સૌમ્ય જોશી ના ભાઈ છે-કે જેમણે મુન્નાભાઈ માટે ગાંધીગીરીના સંવાદ લખેલા અને આ એ જ પ્રશુન જોશી જે ૨૦૦૧ ના કૉમવાદી દંગાઓથી દુઃખી થઈને, આવું બધુ મારા દેશ ને મારા રાજય ગુજરાતમાં થયુ એવી લાગણી સાથે ભારતથી દૂર અમેરિકા ભાગી ગયા હતા-જો એક માણસની લાગણીઓ પૂરેપૂરી યોગ્ય રીતે બાહર આવી શકે તો ભારત અને કદાચ દુનિયાનું નવનિર્માણ પણ મુશ્કેલ નથી.

  10. ધવલ said,

    December 18, 2008 @ 7:16 PM

    લગે રહો મુન્નાભાઈના સંવદ લેખક અને સૌમ્ય જોશીના ભાઈ અભિજાત જોશી છે… આ પ્રસૂન જોશી અલગ છે. અભિજાત જોશી વિશે હું ખાસ જાણતો ન હતો. આજે એમના વિશે વધારે વાંચ્યું… મળવા જેવા માણસ છે.

  11. Mansi Shah said,

    December 19, 2008 @ 3:17 AM

    પ્રસૂન જોશી એટલે મેક્કેન-એરીક્સન(એશિયા) એડવર્ટાઈઝિંગ એજન્સીના ક્રિએટીવ હેડ જેમણે કોકા-કોલા સિરીઝની તમામ એડ્સ બનાવી છે અને જેમણે ફના, હમતુમ, રંગ દે બસંતી વગેરે ફિલ્મ્સના ગીતો લખ્યા છે. એમની સુંદર લેખન શૈલીનો સૌથી તાજેતરનો નમુનો છે તારે જમીંન પરના યાદગાર ગીતો.

  12. P Shah said,

    December 19, 2008 @ 9:25 AM

    હૃદયસ્પર્શી કાવ્યનો ભાવવાહી અનુવાદ…

    ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે
    આ વખતે તો નક્કી કર્યું છે.

    ભારતના દરેક જાગરુક નાગરિકે એક લેવા જેવો નિર્ણય !

    પ્રશૂન જોશીને અભિનંદન !

  13. Narendra Chauhan said,

    October 22, 2009 @ 4:33 AM

    ..i have read the poem first time here on this platform only!
    i did not know Prasoon Joshi as he can write on such sensitive issues too!
    ..my hearty congratulations to him for wining the NATIONAL AWARD for BEST LYRICS for “maa” in Taare Jameen Par. we shoud proud of this!!

    (the award has been given just yesterday (21 Oct) in New Delhi, by our honourary president)

    …Narendra
    institute for Plasma research, Gandhinagar, Gujarat

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment