પ્રથમ તો નીવડે નહીં ઉપાય કોઈ કારગત,
પછી કદાચ શક્ય છે કે દ્વાર ઊઘડે તરત.
વિહંગ વ્યાસ

આપણી યાદગાર ગઝલો : ૧૫ : હસ્તાયણ – રમેશ પારેખ

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંને,
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.

આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ,
સળંગ હાથને બેઆબરૂ કરેલા છે.

કોઈના હાથને પસવારે હાથ કોઈનો,
તો થાય: મારા હાથ આ જ છે કે પેલા છે?

એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી,
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.

‘રમેશ’, હાથતાળી દઈ ગયો ભીનો સાબુ,
ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

-રમેશ પારેખ

રમેશ પારેખની ગઝલોમાંથી એક જ ગઝલની પસંદ કરવાનું કોઈ કહે એ તો સ્વર્ગમાં જાવ ને ઈન્દ્ર તમને એક જ અપ્સરા પસંદ કરવાનું કહે એવી વાત છે 🙂 ખેર, આ ‘અન્યાય’ની વાત જવા દઈને આપણે ગઝલની વાત કરીએ.

દેવોનું રામાયણ હોય, માનવીઓનું હસ્તાયણ હોય. રામાયણ એ આદર્શની કથા છે; હસ્તાયણ એ વાસ્તવની વ્યથા છે.

ર.પા. આ ગઝલમાં હાથના રૂપકનો ઉપયોગ કરીને જે રીતે માનવ સ્વભાવની બારીકીઓનું ચિત્રણ કરે છે એ ગઝલને અનેક સ્તરે જુદા જુદા અર્થઆયામો પ્રદાન કરે છે. (વિજ્ઞાનની નજરે જુઓ તો ઉત્ક્રાંતિમાં સૌથી છેલ્લે જ્યારે હાથનો વિકાસ થયૌ ત્યારે જ વાનરમાંથી માણસ બન્યો. હાથ એ રીતે માણસ માટે બહુ ઉપયુક્ત રૂપક છે!)

ઝાંઝવાને સ્પર્શવા – એટલે કે અપ્રાપ્યની પાછળ દોડવા- થી થાકેલા, મેલા થયેલા માણસને તમે તમારી આજુબાજુ જોયો જ હશે. સપનાંને સપનાં રહેવા દેવાનુ માણસના સ્વભાવમાં નથી. સપનાંને વાસ્તવમાં ખેંચી લાવવની જીદને લીધે જ આપણે એમને ચારે તરફથી ઉઝરડી નાખીએ છીએ. ત્રીજા શેરમાં પાંચ છિનાળ પુત્રીઓ – એટલે કે આપણને પરવશ બનાવતી પાંચ ઈન્દ્રિયો – ને લીધે સતત બદનામ થયા કરવાના માનવજાતના શાપની વાત અદભૂત રીતે કરી છે. માણસના પોતાની બધી મર્યાદાઓને અતિક્રમિ જવાના એકમાત્ર રસ્તા – એટલે કે પ્રેમ – ની વાત એના પછીના શેરમાં બહુ નાજુક રીતે આવે છે. વારંવાર નસીબનો ટેકો લેવા દોડી જતા – હસ્તરેખા પરવશ – તકલાદી માણસો પ્રત્યે કવિએ જરા કટાક્ષ કરી લીધો છે. મેલા મનને સાફ કરવાનો રસ્તો ઝટ હાથ આવતો નથી એ તરફ ઈશારો કરીને કવિ ગઝલને સમેટી લે છે.

ર.પા.ની ગઝલોમાં આ ગઝલ એક સિમાચિહ્ન છે.

7 Comments »

 1. અનામી said,

  December 12, 2008 @ 3:25 am

  સરસ.

 2. વિવેક said,

  December 12, 2008 @ 6:43 am

  મેં વાંચેલા યાદગાર ગઝલ-આસ્વાદોમાંનો નિઃશંક એક….

 3. ઊર્મિ said,

  December 12, 2008 @ 7:51 am

  આ સુપર્બ ગઝલ વિશે કંઈ કહેવાનું ગજુ તો નથી મારું, પણ-
  અરે વાહ ડોક્ટરસાહેબ, શું મજાનો આસ્વાદ કરાવ્યો છે?!
  હાચ્ચે જ મજ્જા આવી ગઈ…

 4. Dr.Vinod said,

  December 12, 2008 @ 8:52 am

  અતિસુંદરગઝલ..!
  રમેશ પારેખ વિશે કાંઇ કહેનાનું નથી.. રમેશ્પારેખ એટલે રમેશ પારેખ

 5. "koik" said,

  December 12, 2008 @ 10:22 am

  મજા આવી ગઈ

 6. ડૉ. મહેશ રાવલ said,

  December 12, 2008 @ 12:40 pm

  ર.પા.એ જે રીતે આ ગઝલમાં “હાથ”ની વાત વણી છે,હું નથી માનતો કે ગુજરાતી કાવ્યવિશ્વમાં કોઇએ કરી હોય….જુઓ તો ખરા…!

  આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ,
  સળંગ હાથને બેઆબરૂ કરેલા છે.

  આ લેવલે નજીકના ભવિષ્યમાં મને નથી લાગતું કે કોઇ પ્હોંચી શકે….!!!!!!

 7. sagar said,

  April 11, 2013 @ 8:28 am

  વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment