ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

આપણી યાદગાર ગઝલો : ૧૩ : આઘાત ચાલે છે – મનહર મોદી

ગયાં વર્ષો હવે આવ્યાંઅને આઘાત ચાલે છે,
સવારે કોણ જાણે કેમ એવી વાત ચાલે છે.

ઘણી વેળા મને થઇ જાય કે મારા ઉપર પડશે,
અચાનક આંખમાં ઊગીને કેવી રાત ચાલે છે !

બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે,
બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે.

હકીકતના બધા દરવાજા તાળું શોધવા લાગ્યા,
કોઇ ઊંઘી ગયું છે એનો પ્રત્યાઘાત ચાલે છે.

સમયનું નામ મઠ્ઠી હોય તો ખોલવી પડશે,
-અને ઘડિયાળમાં કાંટા દિવસ ને રાત ચાલે છે. 

-મનહર મોદી

(જન્મ: 15-4-1937 – મૃત્યુ: 23-3-2003)

ગુજરાતી ગઝલ ‘ગુજરાતી’ બની એ પછી લાંબો સમય નકરી પરંપરાની ગઝલ બની રહી. પરંપરાની ગુજરાતી ગઝલને નવો વળાંક આપવામાં જે થોડા નામોનું નોંધનીય યોગદાન છે એમાં મનહર મોદીનું નામ ભૂલી ન શકાય. પરંપરાની ગઝલો અને પછીથી આધુનિક ગઝલ અને છે…ક એબ્સર્ડ ગઝલો સુધી એમણે નોંધપાત્ર પદાર્પણ કર્યું. એમની ગઝલોનું ભાવજગત ક્યારેક અટપટું અને અસંદિગ્ધ પણ લાગે છે છતાં ચુસ્ત છંદ અને કાફિયા-રદીફની અવનવી રવાની વડે શેરિયત સિદ્ધ કરવામાં એ પાછા નથી પડ્યા. મનહર મોદી વિના યાદગાર ગઝલોની વાત અધૂરી જ ગણાય…

‘બગીચામાં ફૂલોની ઘાત ચાલે છે’ વાળો શેર મ.મો.નો બ્રાન્ડ-એમ્બેસડર શેર ગણી શકાય. ખુશબૂ જેવા અદેહી તત્ત્વને મ્યાન જેવી સાકાર સંજ્ઞા સાથે પ્રયોજવામાં કેવું અદભુત કવિકર્મ થયું છે ! અહીં આ શેરને આપ ફૂલ અને ફોરમના સંદર્ભે તો માણી જ શકો છો, સુરભિત જીવો સાથે પણ સાંકળી શકો છો. સત્કાર્યની સુવાસ ફેલાવતા જીવોને કળિયુગની ચેતવણી પણ ગણી શકાય. સજ્જન થવામાં બહુ સાર નથી એવી ચેતવણી પણ અહીં સંભળાય છે.

4 Comments »

 1. Jina said,

  December 11, 2008 @ 1:18 am

  બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે,
  બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે.

  મારો અતિપ્રિય શેર… પોતાનામાં જ એટલો સંપૂર્ણ કે ક્યારેય આખી ગઝલ વિશે જાણવાની ઈચ્છા જ ન થઈ… છતાં આજે જ્યારે આખી ગઝલ અહીં વાંચવા મળી ગઈ છે ત્યારે આપનો આભાર માન્યા વિના રહી શકાતું નથી…

 2. અનામી said,

  December 11, 2008 @ 3:18 am

  મનહર મોદી નામ કાને પડે એટલે સૌપ્રથમ યાદ આવતો શેરઃ
  બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે,
  બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે.

 3. ઊર્મિ said,

  December 11, 2008 @ 8:54 am

  ખુશબોને મ્યાનમાં રાખવાની વાત તો ભાઈ વાહ…! મારો પણ અતિપ્રિય શેર…! ગઝલ તો ઘણીવાર વાંચી પણ આ એક જ શેર સ્મૃતિમાં કાયમ રહે છે…!

 4. ડૉ. મહેશ રાવલ said,

  December 11, 2008 @ 12:53 pm

  આખેઆખી ગઝલ જ સત્કાર્યની સુવાસ ફેલાવતા જીવોને કળિયુગની ચેતવણી ગણી શકાય. એવી નથી લાગતી….!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment