નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
બરકત વિરાણી 'બેફામ'

આપણી યાદગાર ગઝલો : ૦૬ : આવ્યો ન ખુદા યાદ – મરીઝ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

– મરીઝ
(1917 – 1983) 

સ્વર: મન્ના ડે

[audio:http://tahuko.com/gaagar/layastaro/Mariz-Raheshe aa mane mari.mp3]

મરીઝની ઓછામાં ઓછી પાંચ ગઝલો આ યાદીમાં લઈ શકાય એવી છે. મરીઝે પોતાના ‘ગળતા જામ’ જેવા જીવનને હંમેશા ગઝલથી છલકતું રાખ્યું. ગઝલની ગુણવત્તામાં એમની સરખામણી હંમેશા ગાલિબ સાથે થાય છે. અને ગાલિબનો એમની રચનાઓ પર પ્રભાવ પણ દેખાઈ જ આવે છે. જીવનના કડવા સત્યોને બે લીટીમાં બયાન કરી દેવાની એમને ઈશ્વરી દેન હતી. એમને ગુજરાતી ગઝલના શ્રેષ્ઠ ગઝલકાર કહેવામા કોઈ અતિશયોક્તિ નથી.

7 Comments »

  1. અનામી said,

    December 7, 2008 @ 6:37 AM

    ગુજરાતી યાદગાર ગઝલોમાં મરીઝની કદાચ પાંચ ગઝલોનો સમાવેશ કરી શકાય પણ લોકપ્રિય ગઝલોની વાત કરીએ તો આ આંક ઘણો વધી જાય.

    એક વાત એ જ્ણાવવાની કે બે યાદગાર ગઝલો પછી આ એક દિવસનો વિરહ જીરવાતો નથી.

  2. m said,

    December 7, 2008 @ 8:09 AM

    સ્વર: મન્ના ડે..

  3. kantilalkallaiwalla said,

    December 7, 2008 @ 12:36 PM

    I like this and I love this Ghazal

  4. ઊર્મિ said,

    December 7, 2008 @ 9:42 PM

    thanks ‘m’ 🙂

  5. વિવેક said,

    December 10, 2008 @ 6:20 AM

    મરીઝની ઉત્તમોત્તમ ગઝલોની યાદી કદાચ પાંચથી પણ વધી જાય. મરીઝની ઢગલાબંધ ગઝલો એવી છે જેમાં અકસાથે ચાર-પાંચથી વધુ નોંધપાત્ર શેર જોવા મળે. આ સિદ્ધિ મરીઝ પહેલાં અને પછી ભાગ્યે જ કોઈ ગુજરાતી ગઝલકારને હાંસિલ થઈ હશે. સરળ ભાષાના શેરોમાં અર્થનું આટલું ઊંડાણ ગુજરાતી ગઝલને ભાગ્યે જ કોઈ ગઝલકારે આપ્યું હશે…

  6. vishnu joshi said,

    October 25, 2009 @ 10:21 AM

    મરીઝ વગર ગુજરાતી સાહિત્ય અધૂરુ છે.

  7. yogesh shukla said,

    September 29, 2015 @ 10:21 PM

    આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
    ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

    બહુજ સુંદર પંક્તિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment