હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,
છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

આકડે ય મધુ – ભાનુપ્રસાદ ત્રિવેદી

(વસંતતિલકા)

મેં આકડે ભ્રમર ગુંજરતો ય દીઠો,
ને ઊર્વિનો અમલ નેહ મળ્યો અદીઠો !

આ ભૂમિમાંથી પ્રગટે રૂપ ભિન્નભિન્ન,
ઝેરી ક્યહીંક, ક્યહિ અમૃત, તો ય છન્ન
એની સુધા વિલસતી સહુમાં પ્રસન્ન !

હું તાહરા પ્રણયપદ્મપરે ભમેલ
ત્યારે ન જાણ, પ્રિય હે ! તુજમાં વસેલ
આ પૃથ્વીના રસ ચિરંતનની; પરંતુ
તારું મળ્યું વિષ જ્યહીં અવહેલનાનું –
એ આકડે ય મધુ હું ભમરો લહંત !

-ભાનુપ્રસાદ ત્રિવેદી

કુમાર, જુન-૧૯૫૨ના અંકમાં પ્રગટ થયેલું આ કાવ્ય. શ્રી બચુભાઈ પોપટભાઈ રાવતના તંત્રીપદે પ્રગટ થતા કુમારના રંગ-રૂપ જ કંઈ ઓર હતા. એ જમાનામાં કુમારમાં કવિતા છપાય એટલે કવિને કવિ હોવાનું પ્રમાણપત્ર મળેલું ગણાતું. કુમારના એ અંકોમાં કવિતાની સાથે ટૂંકાણમાં કાવ્યાસ્વાદ પણ કરાવાતો (લયસ્તરોની જેમ જ સ્તો!). આ કવિતાની સાથે કુમારના ૫૬ વર્ષ જૂના અંકમાં કરાવાયેલો આસ્વાદ શબ્દશઃ કુમારમાંથી આજે સાભાર:

“વિરોધી ભાવોમાંથી રસનિષ્પત્તિ એ પણ કવિતામાં સૌંદર્ય લાવવાની એક રીત છે. આ કાવ્ય એનું ઉદાહરણ છે: અહીં કવિએ આકડામાં મધુનું દર્શન કરાવ્યું છે! આકડાનો તો ખ્યાલ જ નવો છે. એ કાવ્યમાં કવિના હૃદયસંક્ષોભનું કારણ તો ભલે નિષ્ફળ ગએલા પ્રેમમાં છે, (જેને પ્રણયપદ્મ માન્યું તે આકડો નીકળ્યો,) પણ પછી પ્રિયતમાની એ અવહેલનામાં પણ તે મધુરતા શોધી રહે છે. ઝેરી મનાતા આકડા જેવા પુષ્પમાં પણ પૃથ્વીના અમૃતરસનો અંશ હોવો જોઈએ, નહિતર ભમરો ત્યાં ગુંજે નહિ; તદનુસાર માનવતાની ભૂમિમાંથી પાકેલા માણસમાં યે થોડો પણ સુભગ અંશ હોવાનો જ. એટલે આકડે પણ ભ્રમરને જવું રહ્યું જ; તેમાંથી યે મધ તો મળવાનું જ”.

(ઊર્વિ=પૃથ્વી, છન્ન=ઢંકાયેલું, સુધા=અમૃત)

4 Comments »

 1. પંચમ શુક્લ said,

  July 31, 2008 @ 3:54 am

  ધરબાયેલું ગોતીને લોકો સામે મુકવા બદલ ખૂબ ખૂબ આભાર.

 2. pragnaju said,

  July 31, 2008 @ 9:47 am

  સુંદર કાવ્ય અને તે માણવાની વધુ મઝા આવે તેવું રસદર્શન્
  ત્યારે ન જાણ, પ્રિય હે ! તુજમાં વસેલ
  આ પૃથ્વીના રસ ચિરંતનની; પરંતુ
  તારું મળ્યું વિષ જ્યહીં અવહેલનાનું –
  એ આકડે ય મધુ હું ભમરો લહંત !
  વિચારતાં કરી દે તેવી પંક્તીઓ…
  આ સરળ કહેવાતા શબ્‍દોમાં ગહનતા અને ગાંભીર્યની સહજતામાં તેઓના સરળતા અને મૌલિક વિચારણાની સાથોસાથ ઈશ્વર તરફનો પ્રેમ, સંદેશ પ્રતિપાદિત થતો રહે છે.

 3. ધવલ said,

  July 31, 2008 @ 9:42 pm

  બહુ સરસ ગીત !

 4. Pravin Shah said,

  July 31, 2008 @ 11:44 pm

  મેં આકડે ભ્રમર ગુંજરતો ય દીઠો,
  ને ઊર્વિનો અમલ નેહ મળ્યો અદીઠો !

  સુંદર રચના!
  http://www.aasvad.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment