મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !
બેફામ

ભક્તિ શૂરવીરની સાચી – ભોજો

ભક્તિ  શૂરવીરની સાચી રે, લીધા  પછી  નહીં  મેલે પાછી. (ટેક)

મન   તણો   જેણે   મોરચો   કરીને;  વઢિયા  વિશ્વાસી  રે;
કામ-ક્રોધ-મદ-લોભ   તણે   જેણે   ગળે   દીધી   ફાંસી  રે.
.                                                          ભક્તિ0

શબ્દના ગોળા જ્યારે છૂટવા લાગ્યા, મામલો ગઢ માચી  રે;
કાયર  હતા  તે  કંપવા લાગ્યા, એ તો નિશ્ચે ગયા નાસી  રે.
.                                                          ભક્તિ0

સાચા  હતા  તે  સન્મુખ  ચડ્યા  ને,  હરિસંગે  રહ્યા   રાચી;
પાંચ  પચીસથી  પરા  થયા,  એક   બ્રહ્મ  રહ્યા   ભાસી  રે.
.                                                         ભક્તિ0

કર્મના  પાસલા  કાપી  નાખ્યા, ભાઈ ઓળખ્યા અવિનાશી,
અષ્ટ  સિદ્ધિને  ઈચ્છી  નહીં,  ભાઈ,  મુક્તિ  તેની  દાસી રે.
.                                                         ભક્તિ0

તન-મન-ધન જેણે તુચ્છ કરી જાણ્યાં, અહોનિશ રહ્યા ઉદાસી;
ભોજો  ભગત  કહે  ભડ  થયા,  એ  તો  વૈકુંઠના   વાસી  રે.
.                                                           ભક્તિ0

-ભોજો

જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ એમ હિંદુ ધર્મની બે અલગ વિચારધારાઓમાં ભક્તિમાર્ગને વરેલા ભોજા ભગત એને શૂરવીરોનો માર્ગ લેખાવી એ માર્ગે ચડ્યા પછી પાછી પાની ન કરવાની આહલેક આપે છે. ભક્તિ તો એક યુદ્ધ છે જેમાં કામક્રોધાદિ શત્રુઓનો સંહાર કરવાનો છે. ભક્તિયુદ્ધનું વીરરસપૂર્ણ શબ્દચિત્ર આલેખી કવિ કહે છે કે જે સાચા હતા તે જ સામા રહી હરિસંગે રાચી રહ્યા, બાકી કાયરો તો ગઢ ત્યજી ભાગી જ છૂટે છે. પંચ મહાભૂતોના બનેલા આ માટીના શરીરથી પર થઈ જે બ્રહ્મને પામે છે, કર્મના બંધન તોડી નાંખી અવિનાશને ઓળખે છે, કોઈ પ્રકારની સિદ્ધિઓની કામના કરતા નથી  એમના માટે મુક્તિ પણ દાસી સમાન સહજ સાધ્ય બની રહે છે. જે સાંસારિક બંધનોને તુચ્છ ગણી અનાસક્ત બની રહે છે તેજ ભડવીર વૈકુંઠ પામે છે.
‘શબ્દના ગોળા’, ‘પાંચ  પચીસથી  પરા  થયા’,  ‘કર્મના  પાસલા  કાપી  નાખ્યા’ – જેવા શબ્દપ્રયોગમાં ભોજા ભગતની કાવ્યશક્તિ ઊડીને આંખે વળગે છે.

2 Comments »

 1. pragnaju said,

  July 3, 2008 @ 10:59 am

  ભોજા ભગતની સચોટ વાણી
  તન-મન-ધન જેણે તુચ્છ કરી જાણ્યાં, અહોનિશ રહ્યા ઉદાસી;
  ભોજો ભગત કહે ભડ થયા, એ તો વૈકુંઠના વાસી રે.
  આ તરફ ગતી કરવાની પ્રભુ શક્તી આપે તેવી પ્રાર્થના

 2. ધવલ said,

  July 3, 2008 @ 8:11 pm

  સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment