કોનામાં લીલો મોલ લચી પડશે - શી ખબર !
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં.
રમેશ પારેખ

ગઝલ – મરીઝ

સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે,
આ દુનિયા  મને  એકીટશે  જોઈ  રહી છે.

આગળ તો જવા દે આ જીવનને પછી જોજે,
હમણાં  શું  જુએ  છે એ સુખી છે કે દુ:ખી છે.

સજદામાં  પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ   તરફ  મારી  કમર સહેજ ઝૂકી છે.

સૌ  પાકા  ગુનેગાર  સુખી  છે,  હું દુ:ખી છું,
શું  મારા   ગુનાહોમાં   કોઈ   ચૂક થઈ છે ?

અલ્લાહ   મને  આપ  ફકીરીની  એ  હાલત,
કે  કોઈ ન સમજે, આ સુખી છે કે દુ:ખી છે.

– મરીઝ

મરીઝની ગઝલને વળી સમજાવવી પડે ? સાદા શબ્દોમાં મરીઝ કેટલી બારીક વાત વણે છે એનું આ ઉદાહરણ છે. જાત તરફ કટાક્ષ કરતા કરતા મરીઝ બહુ ઊંચી વાત કહી દે છે. શું મારા ગુનાહોમાં કોઈ ચૂક થઈ છે?  મારો પ્રિય શેર છે.

(સજદા=પ્રાર્થના)

6 Comments »

  1. pragnaju said,

    May 7, 2008 @ 8:43 PM

    મરીઝની મઝાની મઝાની ગઝલ
    સજદામાં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
    અલ્લાહ તરફ મારી કમર સહેજ ઝૂકી છે.
    વાહ્-યાદ આવી
    ઢકી છૂપી હૂઇ બેવા જમીં કે દામન પર
    પઢે નમાજ ખુદા જાને કિસ કી સિજદા કરે.’
    આગળ તો જવા દે આ જીવનને પછી જોજે,
    હમણાં શું જુએ છે એ સુખી છે કે દુ:ખી છે.
    મન ગણગણ્યુ
    ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
    કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.
    શિરમોર શેર
    સૌ પાકા ગુનેગાર સુખી છે, હું દુ:ખી છું,
    શું મારા ગુનાહોમાં કોઈ ચૂક થઈ છે ?
    જાણે
    કે દીઠો દંભ ભક્તિમાં ને સાદાઇ ગુનાહોમાં,
    કુરૂપ છે પુણ્ય,એ મારા રુપાળા પાપને નહીં કહું.

  2. RAZIA said,

    May 8, 2008 @ 1:02 AM

    સજદા માં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા
    અલ્લાહ તરફ મારી કમર સહેજ ઝુકી છે.
    જીવન ની ડુબતી સંધ્યા એ અલ્લાહ તરફ ના ઝુકાવ ને
    ‘મરીઝ’સાહેબે ઘણાજ સુંદર શબ્દો માં વ્યક્ત કર્યો છે.

  3. ડો.મહેશ રાવલ said,

    May 8, 2008 @ 1:31 AM

    મરીઝસાહેબની સુંદર ગઝલ લઈ આવવા બદલ આભાર-લયસ્તરો !
    સરળ શબ્દોમાં અત્યંત નાજુક વાતની ગુંથણી,મરીઝ કેવી સહજ રીતે કરી શકે છે એ,આપણે શીખવા જેવુ છે.

  4. Ramesh Patel said,

    May 9, 2008 @ 11:28 AM

    કોને કેવું વાહ,ગઝલને, ગઝલકારને કે લયસ્તરોને. મન અને હાથ તાલી પાડી બેઠા. અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

  5. વિવેક said,

    May 9, 2008 @ 12:40 PM

    સાદ્યંત સુંદર ગઝલ… બધા શેરોમાંથી છલોછલ જીવન ટપકી રહ્યું છે. બુઢાપા અને સજદાની વાત મરીઝે કેટલી સરસ રીતે કરી છે. દુષ્યંતકુમારે પણ હિંદીમાં આવું જ કંઈક કહ્યું છે-

    ये सारा जिस्म बोझ से दुहरा हुआ होगा,
    मैं सज़दे में नहीं था, आपको धोखा हुआ होगा ।

  6. anil parikh said,

    May 11, 2008 @ 1:11 AM

    કે કોઈ ન સમજે, આ સુખી છે કે દુ:ખી છે.

    -જીન્દગી માટે નવી સમજ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment