કાશ થોડી લેતી-દેતી હોત તો મળતાં રહેત,
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે.
હિતેન આનંદપરા

ક્યાં ક્યાંથી મળી છે ગઝલો… – મનહરલાલ ચોક્સી (કડી-૨)

‘લયસ્તરો’ના માધ્યમ દ્વારા ‘ક્યાં ક્યાંથી મળી છે ગઝલો… ‘ના વૈશ્વિક લોકાર્પણને મિત્રોએ અનન્ય અભૂતપૂર્વ સ્નેહથી વધાવી લીધું એ ગુજરાતી સાહિત્ય માટે આનંદની અને ગૌરવની વાત છે. કોઈપણ કળાકારને આપવામાં આવેલી મોટામાં મોટી શ્રદ્ધાંજલિ એ એની કળાનું સાચું મૂલ્યાંકન જ હોઈ શકે. મનહરલાલ ચોક્સીની ત્રીજી પુણ્યતિથિએ પ્રકાશિત એમના પ્રતિનિધિ ગઝલ સંગ્રહમાંથી ચુનેલી ચુનંદી સ્વર્ણકણિકાઓની બીજી અને અંતિમ કડી આપ સૌ માટે….

વિચારો બધા સાવ સામાન્ય છે,
વસંતો ગમે, પાનખર ના ગમે.

જોઈને મારી ગઝલ ‘મનહર’ કહેશે એ મને,
એક છાનું દર્દ પણ તારાથી સચવાયું નહીં ?

સવાલ લાખ ઊઠે જો જવાબ આપું તો,
તમે ય વાત ન માનો, જવાબ શું આપું ?

બધા પ્રશ્ન હલ થૈ જશે ક્ષણ મહીં,
બની જા ફરી અજનબી, વાત કર.

સૌ સમસ્યાઓ ઉકેલાઈ જશે !
ફિલસૂફોને લાગશે ચર્ચાનો થાક !

શ્વાસમાં પણ બોજ છે અસ્તિત્વનો;
તીવ્ર છે, ‘મનહર’ અહીં હોવાનો થાક.

દુનિયાની આંખમાં તો હું ઉપયોગી વૃક્ષ છું;
ઊડી શકું હું એટલો આઝાદ પણ નથી.

બે હાથ ભેગા થાય નહીં આપોઆપ આ,
આંખોની સામે જોઈએ આકાર કોઈ પણ.

એ વાત છે અલગ કે તમે ચાહતા નથી,
તૂટી શકે છે આમ તો કોઈ દીવાર પણ.

માનવ બધાય એક છે એની નજર મહીં,
તસ્બીએ કંઈ દીવાલ ચણી, કંઈ જનોઈએ !

લાગણીની વાત પૂરી ના થઈ,
એટલે મેં સ્હેજ વિસ્તારી ગઝલ.

આંખ મીંચો તમે તે છતાં
આંખ સામે સનમ આવશે.

મારે તો તારા શબ્દ લઈ જીવવું પડ્યું,
હારી ગયો, તો તારા વિજયની ગઝલ લખી.

તારો અવાજ એક વખત સાંભળ્યો હતો,
માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે.

હુંય રક્ષા કરીશ જીવનભર,
શબ્દની આ ધજા મને આપો.

ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.

એક પ્રેમીથી હૃદયની વેદના,
વાદળીના દેહ પર અંકાઈ ગઈ;
પત્ર વાંચીને ગગન રોઈ પડ્યું
ને ધરાની ચુંદડી ભીંજાઈ ગઈ.

એકધારો સો વરસ ગાતો રહ્યો,
જિંદગીની હું તરસ ગાતો રહ્યો;
વેદનાની ચીસને મેં જાળવી,
લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો.

-મનહરલાલ ચોક્સી

5 Comments »

 1. ધવલ said,

  May 10, 2008 @ 5:11 pm

  તારો અવાજ એક વખત સાંભળ્યો હતો,
  માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે.

  એકધારો સો વરસ ગાતો રહ્યો,
  જિંદગીની હું તરસ ગાતો રહ્યો;
  વેદનાની ચીસને મેં જાળવી,
  લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો.

  એમની શ્રેષ્ઠ પંક્તિઓ !

 2. Bharat said,

  May 10, 2008 @ 6:06 pm

  એક છાનુ દર્દ પણ તારાથી સચવાયુ નહી !!!!! અદભુત પંક્તિઑ છે !!!!

 3. pragnajuvyas said,

  May 10, 2008 @ 7:07 pm

  એક પ્રેમીથી હૃદયની વેદના,
  વાદળીના દેહ પર અંકાઈ ગઈ;
  પત્ર વાંચીને ગગન રોઈ પડ્યું
  ને ધરાની ચુંદડી ભીંજાઈ ગઈ.
  સુંદર

 4. RAZIA MIRZA said,

  May 12, 2008 @ 6:46 am

  એક ધારો સો વરસ ગાતો રહ્યો…….

  લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો….
  વાહ ક્યા ખુબ કહા!

 5. ઊર્મિ said,

  May 13, 2008 @ 9:15 am

  વાહ ભાઈ વાહ… ફરી એકવાર બધા જ અશઆરની સુંદર પસંદગી… લાજવાબ…
  થોડીવાર માટે તો થયું કે બધું જ અહીં ફરી કટ/પેસ્ટ કરી દઉં…!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment