એક નેમ છે અને એને વિસરવાનું નહીં
બીજી ભણી માથાને વિહાવાનું નહીં
મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં
મરીઝ

તે ગઝલ – ઘાયલ

ચોતરફ મૌન મૌનની વચ્ચે,
એક તલસાટ કાયમી તે ગઝલ.

તેજ રૂપે કદી તિમિર રૂપે,
મેધલી મીટથી ઝમી તે ગઝલ.

નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.

દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ.

જિન્દગાની કે જાંફિશાનીની,
હોય જે વાટ જોખમી તે  ગઝલ.

એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી એ ગઝલ.

માલમીને ય એ તો પાર કરે,
માલમીની ય માલમી તે ગઝલ.

લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.

– ઘાયલ

ઘાયલની ગઝલની વ્યાખ્યા કરતી ગઝલ. કલ્પનો એ યુગના છે એટલે થોડા અલગ લાગી આવે છે. સમય સાથે ગુજરાતી ગઝલ કેટલી બદલાઈ છે એનો ખ્યાલ આ ગઝલ વાંચતા આવે છે. પહેલો અને છેલ્લો શેરનો અવારનવાર જોવામાં આવે છે પણ આખી ગઝલ ઘણા વખતે જોવામાં આવી.

(માલમી=નાવિક, navigator)

9 Comments »

  1. વિવેક said,

    April 8, 2008 @ 1:34 AM

    ગઝલ વિશેની સુંદર મર્માળી ગઝલ… વાહ !

  2. pratik said,

    April 8, 2008 @ 3:28 AM

    આ ગઝલ નુ છંદવિધાન શું છે ?

    સરસ ગઝલ છે.

  3. વિવેક said,

    April 8, 2008 @ 4:22 AM

    છંદ-વિધાન: ગાલગા | ગાલગા | લગાગાગા (લગાલલગા)

  4. Pinki said,

    April 8, 2008 @ 7:36 AM

    ચોતરફ મૌન મૌનની વચ્ચે, એક તલસાટ કાયમી તે ગઝલ.

    દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,ઊગે સંબંધ રેશમી તે ગઝલ.

    એમની એ જ છે કસોટી ખરી,દિલને લાગે જે લાજમી એ ગઝલ.

    લીટી એકાદ નીરખી ‘ઘાયલ’,હલબલી જાય આદમી તે ગઝલ.

    ગઝલે ‘ગઝલ’ને સુંદર અભિવ્યકતિ આપી…..!

  5. pragnaju said,

    April 8, 2008 @ 9:32 AM

    ઘાયલ જેવા સિધ્ધહસ્ત ગઝલ વિષે કહે
    પછી કાંઈ કહેવાનું નથી રહેતું.
    આ પંક્તીઓ ખૂબ ગમી-
    જિન્દગાની કે જાંફિશાનીની,
    હોય જે વાટ જોખમી તે ગઝલ.
    મારા જેવા અનેકને તો પ્રતિમાએ કહ્યું
    તે જ ગઝલનું કારણ અનુભવાયું છે!
    શ્વાસને અજવાળવાનું એક કારણ તું જ છે
    જીવવાનાઓરતાનું એક કારણ તું જ છે
    કોઈ ઢળતી સાંજનો સૂરજ ભલે થીજી ગયો
    રાત ટહુકો થઈ ખર્યાનું એક કારણ તું જ છે
    કયાંક પડઘા યે નથી પડતા હજી સંબંધના
    મૌન વૈભવ વિસર્યાનું એક કારણ તું જ છે
    થાય શંકાઓ ઘણીયે રામ ને શબરી વિષે
    તોય શ્રધ્ધા વાવવાનું એક કારણ તું …

  6. jayshree said,

    April 8, 2008 @ 9:54 PM

    જાંફિશાની એટલે ?

    એકદમ મઝાની ગઝલ..

    એમની એ જ છે કસોટી ખરી,
    દિલને લાગે જે લાજમી એ ગઝલ.

    લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
    હલબલી જાય આદમી તે ગઝલ.

    આ બે શેર ઘણા ગમ્યા..!!

  7. ભાવના શુક્લ said,

    April 9, 2008 @ 10:54 AM

    એમની એ જ છે કસોટી ખરી,
    દિલને લાગે જે લાજમી એ ગઝલ

    ભૈ વાહ!!!

  8. Niraj said,

    April 14, 2008 @ 4:34 AM

    આજ ગઝલનાં બીજા ત્રણ શેર મળ્યા છે.

    લાજનાં ભાવથી નમી તે ગઝલ,
    જે પ્રથમ દ્રષ્ટિએ ગમી તે ગઝલ.

    આંખમાં આંજીને સ્નેહનો સુરમો,
    રાતભર સોગઠે રમી તે ગઝલ.

    એતો છે ચીજ સર્વ મોસમની,
    નિત્ય લાગે જે મોસમી તે ગઝલ.

    મનહર ઉધાસનાં સ્વરમાં સાંભળ્યાનું યાદ આવે છે.

  9. Pinki said,

    April 14, 2008 @ 6:39 AM

    આંખમાં આંજીને સ્નેહનો સુરમો,
    રાતભર સોગઠે રમી તે ગઝલ.

    એતો છે ચીજ સર્વ મોસમની,
    નિત્ય લાગે જે મોસમી તે ગઝલ.

    વાહ્… નીરજ ,
    સરસ શેર શોધ્યાં ……! !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment