મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મહોબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઉતારો ન આવે.
ગની દહીંવાળા

એક પંખીને કંઈક – ઉમાશંકર જોષી

એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઓથાર નીચે
કંઈક બબડી નાંખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, ‘હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચને !’ ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદબુદરવે કંઈક
કહેવા કરતી. ‘કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારા પર
પહોંચાડીશ.’ કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું…

-ઉમાશંકર જોષી

હાથ છોડીને સાઈકલ ચલાવવી હોય તો પહેલાં હેંડલ હાથમાં પકડીને જ શીખવું પડે. ઈંટ-રેતીથી મકાન બાંધતા આવડે તોજ અનિયમિત આકારના ઢેફા વાપરીને કળાકૃતિ બનાવવાનો વિચાર કરી શકાય. છાંદસ કાવ્ય સિદ્ધ ન કર્યું હોય એવા લોકો અછાંદસમાં સીધી ડૂબકી મારે તો ડૂબી જવાનો ગળાબૂડ ભય રહેલો છે. છંદ કે લયની હથોટી જેને હોય એ જ કવિ અછાંદસના ભયસ્થાનો પારખીને ચાલી શકે છે કેમકે અછાંદસ એ આખરે તો કવિનો પોતીકો છંદ છે. ઉમાશંકર જોષીનું આ અછાંદસ કાવ્ય અછાંદસ કવિતાના સ્વરૂપને સમજવામાં મદદરૂપ થઈ શકે છે.

કવિતાની પહેલી કડી છાંદસ છે (ગાલગાગા ગાલગાગા ગાલગા). અછાંદસ કવિતામાં કોઈપણ કડીનું છંદમાં હોવું જરૂરી નથી તો પછી કવિએ અહીં પહેલી કડીમાં છંદ કેમ સિદ્ધ કર્યો હશે? પંખીને કહેવાની વાતો તરન્નુમમાં જ આવે માટે?

અહીં પંખીને કંઈક કહેવું છે પણ એ માણસ પાસે આવતાં ખમચાય છે એ બે જ વાક્યમાં કવિએ નગરજીવનના મનુષ્યની સંકીર્ણ અને અવિશ્વાસપાત્ર માનસિક્તા તરફ ઈંગિત કરી કવિતામાં પ્રવેશવાનો દરવાજો રચી દીધો છે. ત્રીજી કડીમાં પંખીના દૂ…ર ઊડી જવાની ક્રિયા સાથે પર્વતનો ઉલ્લેખ અંતર અને ઊંચાઈ – બંને સ્થાપિત કરે છે. ટેકરી પરનું ઊંચું વૃક્ષ અને પાછી એના પરની ટગડાળ-ઊંચી ડાળ એ ઊંચાઈનો વ્યાપ વધુ દીર્ઘ બનાવે છે. કવિતામાં જ્યાં છંદની ઉપસ્થિતિ ન હોય ત્યાં શબ્દ-ચિત્ર આલેખવામાં ક્યારેક બિનજરૂરી લંબાણ કવિતાની ગતિને વ્યવધાનરૂપ બનતું હોય છે. અહીં આ એક જ લીટી ઓછા શબ્દોથી મોટું ચિત્ર શી રીતે આલેખી શકાય એ સમજાવે છે.

થાકેલું-હારેલું પંખી શારીરિક વિટંબણાઓથી ગ્રસ્ત-ત્રસ્ત થઈ કહેવાની વાત અંતે બબડી નાંખે છે અને કવિ ત્યાં કવિતાનું પહેલું પૂર્ણવિરામ મૂકે છે પણ કવિતાની કડી ત્યાં બદલાતી નથી, આગળ ચાલે છે. કવિની વાત અને એમ પંખીની વાત હજી પૂરી નથી થઈ એનું ચાક્ષુષ અનુસંધાન સાધતું હોય એમ આગળનું વાક્ય પૂર્ણવિરામ સાથે જોડાઈને કવિતાની ગતિને અનવરત આગળ વધારે છે. કવિતાના આ નવા ખંડની શરૂઆત થાય છે નદીના સાંભળી જવાથી. પણ ફક્ત ‘સરતી સરિતા’ એમ બે જ શબ્દો વાપરીને કવિ પુનઃ કવિતાના શબ્દને ગતિનો બોધ અર્પે છે. અને કાવ્ય આગળ વધતું નથી, સરસર વહી નીકળે છે. નદી પણ ગબડતી, રસળતી થાકીને સમુદ્રમાં પરપોટાના અવાજોમાં કંઈક કહેવા મથતી ભળી જાય છે એ ઘટના પર કવિ બીજું પૂર્ણવિરામ મૂકે છે. અને અપેક્ષિતરીતે જ કવિતાનો આ ત્રીજો ખંડ પણ પૂર્ણવિરામ બાદ એ જ કડીમાં શરૂ થઈ કવિતાની ગતિ ચાલુ રાખે છે. સમુદ્ર પણ ખડકો પર અનવરત માથાં પછાડતાં-પછાડતાં કહેવાની વાત ભૂલી જાય છે ત્યારે કવિ પ્રથમ કડીની પુનરોક્તિ કરે છે પણ આ વખતે સાયાસ પંક્તિના અંતને અધૂરો છોડી દઈ ઘટનાક્રમનું પુનરાવર્તન ભાવકના ચિત્તમાં સતત થતું રહે એવી ગોઠવણ કરે છે…

મારી દૃષ્ટિએ અછાંદસ કાવ્યસ્વરૂપને પામવા મથતા સાચા તપસ્વી માટે આ કવિતા ઉદાહરણરૂપ છે.

(ચંદ્રકાંત ટોપીવાળા કૃત ‘અછાંદસ મીંમાસા’ના આધારે)

13 Comments »

  1. pragnaju said,

    April 5, 2008 @ 9:12 AM

    અદભૂત અછાંદસ
    “દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
    સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
    એક પંખીને કંઈક કહેવું હતું…”
    … કદાચ મોટા ગજાનાં ઉમાશંકર જોષી જ વિચારી શકે!

  2. Pinki said,

    April 5, 2008 @ 10:40 PM

    એક પંખીને કંઈક કહેવું હતું,
    માનવીની પાસે આવતાં ખમચાતું હતું;

    આમ તો, આપણે મનુષ્ય સ્વીકારીએ તો,
    કાવ્ય તો પ્રથમ બે પંક્તિમાં જ પૂર્ણતા પામે છે.

    પંખીની પારાવાર વ્યથાને ખૂબ સુંદર આલેખી છે
    જે નદી અને સમંદરને પણ વ્યથિત કરી દે છે.
    પંખીનું બબડી જવું,નદીનું ઢબૂરાઈ જવું,સમંદરનું
    સંદેશના મૂળાક્ષર ભૂલી જવું-

    મનુષ્યની જેમ જીવન ઉદ્દેશ ભૂલી જાય છે……?!!

  3. ધવલ said,

    April 5, 2008 @ 10:53 PM

    માણસને નાનો સરખો સંદેશ પહોંચાડવામાં આખી કુદરત પણ હેઠી પડે છે… માણસ આખી સૃષ્ટિમાં સૌથી સમજદાર પણ સૌથી બહેરું પ્રાણી છે.

    એક કવિતામાં અર્થના કેટલા વલયો છૂપાવી શકાય ?!! 🙂

  4. Harikrishna Patel (London) said,

    April 6, 2008 @ 12:34 PM

    અતિ સુન્દર રચના !!
    Typical Umashanker Joshijee

  5. nilam doshi said,

    April 7, 2008 @ 7:14 AM

    nicely expressed….

    કાવ્યને પણ સરસ રીતે ઉઘાડી આપ્યુ..વિવેકભાઇ…અભિનન્દન

  6. MAHESHCHANDRA NAIK said,

    April 7, 2008 @ 8:25 AM

    Shri Umashankar Joshi was a legend and it is very nice of you for remembering him in “LAYSTARO”. I was very happy when you remember Shri Sundaram. Congratulations for your good efforts.
    I understand that he has rightly conveyed the message of birds, to humen being.I am only BHAVUK and fond of reading gujarati geet,,gazals songs etc., hence unable to opine about writing of poetry.
    Thank you once again,

  7. hameed said,

    April 7, 2008 @ 11:15 AM

    ભાઈ સાહેબ્,
    ઉપ્ર્ર્ર્ર્ર જે
    લયસ્તરોમાં શોધો લ્ખેલ તે બરોબ્ર્ર્ર્ર્ર કામ્
    ન્થિ કર્તો..
    મેર્બાનિ ક્ર્ર્ર્ર્રિ કેઈ મ દ્દ્દ ક્ર્ર્ર્ર્ર્શો.
    આ ભાર્
    હ્મ્મિદ્

  8. Patel Hema. said,

    April 7, 2008 @ 2:30 PM

    THOSE LOST WORDS…REALLY UMASHANKARJI SAID SO…MUCH WITHOUT A SINGLE WORD.

  9. Mehul Shrimali said,

    April 12, 2008 @ 10:53 AM

    What a spellbound poem from gr8 Sri Umashankar joshi.I think we should put “so called critial analysis” on the back burner so far as the main goal of any poem that is direct connection to hearts of thousands of readers achieved.Any analogy can’t really explain power & passion of words.It might possible u came with a poem which has all the technical perfection but no soul or apeal. and vice versa.but i must say “I agree on ur right to disagree”

  10. satish said,

    April 19, 2008 @ 8:01 PM

    આ તો ફ્ક્ત ઉમશક્ર્ર જ કહિ શકે બિજા કોઇના ગજ્આ બહ્ર્ર

  11. rajgururk said,

    August 4, 2008 @ 6:20 AM

    ઘનુ સરસ્ tamone dhanya vad

  12. વિશ્વ શાંતિદિન…એક પંખીને કંઈક કહેવું હતું…..ઉમાશંકર જોષી | સુલભ ગુર્જરી said,

    September 22, 2008 @ 7:09 AM

    […] આભાર લયસ્તરો. if(typeof(hyperweb_adcount)==”undefined”) hyperweb_adcount =1; Posted in ઉમાશંકર જોષી RSS 2.0 | Trackback | Comment […]

  13. Manish Parekh said,

    December 29, 2010 @ 2:07 PM

    umashankar joshi trailer1 ઃ http://www.youtube.com/watch?v=kXx1zPz0txM

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment