ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

સુન્દરમ્-સુધા : બુંદ-૦૬ : ગાંધી – સુન્દરમ

Sundaram

પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને,
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળ તણા,
રચ્યાં ત્યાં ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.

ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધી રૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ,
વહેતી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન કરવા વાચ પ્રગટી :

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.

પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !

-‘સુન્દરમ્’

દશાવતારની કથાઓ વાંચતા હોઈએ અને એમાં જે રીતે પૃથ્વી પર કોઈના પાપનો ઘડો ભરાઈ જાય પછી વિષ્ણુ અવતાર લઈને પૃથ્વી પર એનો નાશ કરવા પધારે એજ શૈલીમાં કવિએ અહીં ગાંધીકથા આલેખી છે. નિર્બળ લોકોનો મદભર્યા લોકો શિકાર ખેલતા હોય, જલિયાવાલાં જેવા સભાગૃહો લોકોના શોણિતથી રંગાતા હોય અને પૃથ્વી ત્રાસી જાય ત્યારે એનું રુદન લોહવા જાણે ગાંધી પ્રગટ થયા.

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી“- આ બે પંક્તિઓ જાણે કે આ યુગની વેદવાણી છે પણ કેટલાએ જાણી છે ?!

(પ્રગલ્ભા=પ્રૌઢા, નિર્ભય)

7 Comments »

 1. pragnaju said,

  March 27, 2008 @ 8:51 am

  સુંદરમનું આ સોનેટ તો બાળપણથી માણતા આવેલા
  તેમાં ગાંધીજીની વાત સમજવા-સમજાવવા આ પંક્તીઓ તો તકીઆ કલામ જેમ વાપરતા.
  હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
  લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
  પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
  પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.
  છતાં આજે પણ બેકટેરીઆ-વાયરસને નામે
  કેટલા માનવ-પશુ-પંખીનો
  ખાત્મો બોલાવીએ છીએ?

 2. Vijay Bhatt said,

  March 27, 2008 @ 2:00 pm

  Vivek bhai,

  I really appreciate this Sundaram series. You are doing a great service.
  It is my impression that Sundaram is not as loudly praised as Umashankar. In my judgment, they both have pretty much at the same level of contribution in Gujarati literature, Of course Umashankar had other achievements in other areas of life. Sundaram has been quiet and stayed on Arvindo’s spiritual path

  Thanks again

 3. હેમંત પુણેકર said,

  March 27, 2008 @ 10:42 pm

  હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
  લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,

  ગાંધીજીની વિચારધારા ખૂબ સુંદર શબ્દોમાં અહીં મૂકાઈ છે. આપણા સાહિત્યની અમર પંક્તિઓ છે.

  અહીં એક આડવાત કરી લઉં. ક્યારેક હણવા સિવાય છૂટકો હોતો નથી. હું ઘણીવાર વિચારું છું કે જો ગાંધીજી હિટલર સામે લડવા ગયા હોત તો શક્ય છે કે આપણે એમનું નામ જ ન સાંભળ્યું હોત! ૧૯૩૮માં ઑસ્ટ્રિયાના મુદ્દે હિટલર અને બ્રીટનના તત્કાલીન પ્રધાનમંત્રી ચેમ્બરલીન વચ્ચે કરાર થયા ત્યારે હિટલરે “Indian problem”નો ઉપાય સુચવતા કહ્યું હતું કે ગાંધીને ગોળી મારી દો અને તમામ કૉંગ્રેસીઓને જેલમાં ભરી દો. પાપો સામે “મળ દિલના ગુપ્ત બળથી” લડવા માટે પણ જીવતા રહેવું પડે. અને જો કોઈ તમારા જીવતા રહેવાના મૂળભૂત હક પર જ તરાપ મારતો હોય તો? તો હું માનું છું એને હણવો જ રહ્યો.

  આપણી હજારો વર્ષ જૂની પરંપરા પણ આપણને શીખવાડે છે કે આતતાયીઓ ને જોતાની સાથે મારી નાખવામાં કોઈ પાપ નથી. કોઈ પણ ગુણનો અતિરેક સારો નથી, ભલે ને એ અહિંસા કેમ ન હોય.

 4. ધવલ said,

  March 28, 2008 @ 12:35 am

  ગાંધીજી હિટલર સામે શું કરત એ બહુ રસપ્રદ પ્રશ્ન છે. ગાંધીજીને મારી શકે એવી હજારો ગોળીઓ હિટલર પાસે, અને બ્રિટન પાસે હતી. પણ, ગાંધીજીની વિચારધારાને મારી શકે એવી ગોળી કોઈનીય પાસે નહોતી. એક ગોળીથી ગાંધી તો ઢળી પડત એ સાચું પણ એના મોતનું વ્યાજ સહિત વળતર માંગવા લાખો લોકો ઉભા થઈને રહેત એ વાતમાં કોઈ શંકા નથી. ગાંધીજીએ જે ‘હથિયાર’થી અંગ્રેજોને હટાવ્યા એ પુનિત હથિયાર -અહિંસા-ના પ્રતાપ્રે અંગ્રેજોની સાથે સાથે આ દેશમાંથી બીજા કેટલાય દુષણો પણ વિદાય થઈ ગયા એ આપણે ભૂલવું ન જોઈએ. ( એક કાંકરે એક જ પક્ષી મારે એ ‘વાણિયો’ શાનો ?!! ) ગાંધીજીની અહિંસા ગભરુ અહિંસા નહોતી, એ એક મરદની અહિંસા હતી. અહિંસા અને અભયનું જે અદભૂત સંમિશ્રણ ગાંધીજીએ તૈયાર કરેલું એનાથીં હિટલરે પણ છેવટે તો નમવું જ પડત એ વાતમાં મને તો કોઈ શંકા નથી લાગતી.

  ગોળી ખાઈને પણ કઈ રીતે જીવતા રહી શકાય એ ગાંધીજી કરી બતાવેલું છે. જીવવાને બદલે ગોળીના શરણે જવું પડે એ હિટલરે કરી બતાવેલું છે.

  લાંબે ગાળે તો તમે જે વાવો એ જ તમારે લણવાનું હોય છે – જો તમારે હિંસા વાવવી હોય તો એ તમારી મરજી !

 5. વિવેક said,

  March 28, 2008 @ 8:46 am

  ધવલની વાત સાચી છે…

  ગોળી વ્યક્તિને મારી શકે છે, એની વિચારધારાને નહીં…. ઢગલાબંધ ક્રાંતિકારીઓને જાહેરમાં ફાંસી આપનાર કે ગોળીએ દેનાર અંગ્રેજ સરકારને એક મુઠ્ઠીભર હાડકાંના માલિક ગાંધીજીને મારવામાં શું તકલીફ થવાની હતી? કોઈ એમનું કશું બગાડી શક્વાનું હતું? આખા દેશના કરોડો લોકો પર અમાનુષી દમન અને અત્યાચાર ગુજારનાર, જલિયાંવાલા બાગ જેવો નિર્મમ નરસંહાર આચરનાર બર્બર બ્રિટીશરો કયા કારણોસર ગાંધીજી જેવા નિહત્થા માણસ સામે આંખ પણ મેળવી શકતા નહોતા?

  શું હતું એ માણસમાં જેને અંગ્રેજો બળથી ડામી શક્તા નહોતા? શું હતું?

  મારું દૃઢપણે એમ માનવું છે કે જો હિટલરને એકાદો ગાંધી મળ્યો હોત તો કદાચ જર્મનીનો, વિશ્વયુદ્ધનો અને કદાચ આખા ત્રીજા વિશ્વનો નક્શો જ અલગ હોત…

  The generations to come will scarce believe that such a man like this in flash & blood has ever walked upon this earth ! (Albert Einstein)

 6. હેમંત પુણેકર said,

  March 29, 2008 @ 2:46 pm

  થોડા વર્ષ પુર્વે ભારત સરકારે આફ્રિકાના નેતા નેલ્સન મંડેલાને ગાંધી પુરસ્કાર (પુરસ્કારનું નામ ચોક્કસ યાદ આવતું નથી)થી નવાજ્યા ત્યારે એમણે એક સરસ વાત કહી હતી. અહિંસાનું શસ્ત્ર ત્યાં જ કામ લાગે છે જ્યાં આપના શત્રુમાં માનવતાનો થોડોક અંશ હોય. માનવતાહીન શત્રુ સામે શસ્ત્ર વાપર્યા વગર છુટકો નથી.

  અંગ્રેજો સામે ગાંધીજી ચાલ્યા એનું એક મહત્વનું કારણ એ જ હતું કે અંગ્રેજો ભારતને પોતાના દેશના એક ભાગની જેમ જોતા હતા. ભલે ગમે તેટલી ગોલમાલ હોય, તેમ છતાં અહીં એક રાજકીય, ન્યાયીક વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. બ્રિટનમાં લોકશાહી હતી, સંસદ હતી અને એમાં ભારત વિશે લોકશાહી ઢબે ચર્ચા પણ થતી હતી. આ વાતો ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછીના અંગ્રેજ શાસનને લાગુ પડે છે. આમ જોતા, અંગ્રેજોમાં થોડોક માનવતાનો અંશ હતો. ગાંધીજીએ પણ સંપૂર્ણ સ્વરાજની વાત કરી એ પહેલા તેઓએ આ જ વ્યવસ્થાનો એક ભાગ બનીને અંગ્રેજો સામે લડવાનો વ્યુહ અપનાવ્યો અને એટલા માટે જ તેઓ જીવતા રહી શક્યા એમની વિચારધારા જન્મી અને તેઓ સફળ થઈ શક્યા. બાકી અંગ્રેજોની વિરુદ્ધ સશસ્ત્ર ક્રાંતિની વાત કરનારા સાવરકરની હાલત જુઓ શું થઈ? અંગ્રેજો વિરુદ્ધ એક પોસ્ટર છાપીને સભા ભરવાના આરોપસર એમને કાળાપાણીની સજા કરવામાં આવી. અને છૂટ્યા તો પણ દાયકાઓ માટે રત્નાગીરીની બહાર નીકળી ન શક્યા.

  ગાંધીજીની વિચારધારા જન્મે એ માટે ગાંધીજીએ જીવતા રહેવું પડે. જીવન જીવે તો વિચારધારા બને. અંગ્રેજોના રાજ્યમાં એમ કરવામાં તેઓ સફળ થયા. પણ હિટ્લર અલગ ચીજ છે. હિટલરને તમે નડો તો એ તમને જીવતા જ ન છોડે પછી વિચારધારા ક્યાંથી આવવાની?

  હું ગાંધીજીનો વિરોધી નથી તો આંધળો ભક્ત પણ નથી. અહિંસાનો અતિરેક માણસને કયા અતર્ક્ય, અવ્યવહારુ અને અસ્વિકાર્ય સ્તર સુધી લઈ જઈ શકે એનું ઉદાહરણ છે જુઓ.

  In mid 1940, when Great Britain braced itself to face a German invasion, Gandhi published an open letter to every Briton urging cessation of hostilities. Part of that letter of his said, I want you to fight Nazism without arms I would like you to lay down the arms as being useless for saving you or humanity. You will invite Herr Hitler and Signor Mussolini to take what they want of the countries you call your possessions. Let them take possession of your beautiful island, with your many beautiful buildings. You will give all these, but neither your souls, nor your minds. If these gentlemen choose to occupy your homes, you will vacate them. If they do not give you free passage out, you will allow yourself, man, woman and child, to be slaughtered, but you will refuse to owe allegiance to them.

  Gandhi gave identical advice to the Jews. When Louis Fisher, Gandhi’s biographer, asked him: “You mean that the Jews should have committed collective suicide?” Gandhi responded, “Yes, that would have been heroism.”

  આખો લેખ અહીં વાંચી શકો છોઃ http://sify.com/news/fullstory.php?id=14607436

  હેમંત

 7. Pinki said,

  March 30, 2008 @ 9:30 am

  ગાંધીજી આપણા માટે ખૂબ જ સન્માનીય અને આદરણીય વ્યક્તિ છે,
  હેમંતભાઈએ કહેલ વાત-
  અહિંસાનું શસ્ત્ર ત્યાં જ કામ લાગે છે જ્યાં આપના શત્રુમાં માનવતાનો થોડોક અંશ હોય. માનવતાહીન શત્રુ સામે શસ્ત્ર વાપર્યા વગર છુટકો નથી.
  યોગ્ય તો છે જ…… વેદમાં પણ લખ્યું જ છે સામ, દામ, દંડ, ભેદનો જરુર પડે યોગ્ય રીતે ઉપયોગ કરવો.
  આજે આઝાદીના ૬૦ વર્ષ પૂરા થયા પછી –
  એ ભૂલી જવું યોગ્ય નથી કે ગાંધીજી એ અહિંસાનું શસ્ત્ર વાપરીને જ
  આપણને સ્વતંત્રતા બક્ષી છે .
  અને સાથે એ પણ સાચું જ છે કે હવે ૬૦ વર્ષો પછી એમની જીવનશૈલી
  જીવવી કેટલા અવરોધ સાથે આપણે જીવવી પડે છે, અથવા તો અન્ય વ્યક્તિ આપણી ઉદારતાને નિર્બળતા ગણી દુરપયોગ પણ કરે છે

  બાકી ગાંધીજી ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ –
  વિવેકભાઈએ આઈન્સ્ટાઈનને ઉલ્લેખ કર્યો છે તે સાચુ પડવા લાગ્યું છે:

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment