વાંધો ક્યાં છે ખરબચડાંનો,
લીસ્સાં પ્રત્યાઘાત નડે છે.
સુરેશ ઝવેરી ‘બેફીકર’

નડે છે – ડૉ. મહેશ રાવલ

તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને, માત્ર મારી શરાફત નડે છે !

નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !

બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !

ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
કે સરવાળે, એકાદ અંગત નડે છે !

નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં
અને સ્વપ્નને, આ હકીકત નડે છે !

કરીલ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ
અને કાં કહી દ્યો કે, નિયત નડે છે !

ખબર છે કે, સોનું તપે એમ નિખરે
છતાં પણ, કશુંક વારસાગત નડે છે !

– ડૉ. મહેશ રાવલ

નેટ-ગુર્જરીના ચાહકો ડૉ. મહેશ રાવલના નામથી અજાણ્યા નહીં જ હોય. એમના ગઝલસંગ્રહને ઈ-સ્વરૂપ આપતા એમના નવેસર અને ગઝલોનો ગુલદસ્તો બ્લૉગ્સ ઓછા સમયમાં બહોળા લોકપ્રિય બની રહ્યા છે. રાજકોટના આ તબીબ-કવિ મિત્ર લાંબા સમયથી શબ્દોના શિલ્પ કોતરી રહ્યા છે. એમની ગઝલોમાં બહુધા જોવા મળે છે એ જ રીતે પ્રસ્તુત ગઝલમાં પણ મનુષ્યની પ્રકૃતિની વિસંગતતાની વેદના અને પૂર્ણતાના અભાવની વ્યથા સાંગોપાંગ નજરે ચડે છે. આપણી ગતિનો અને પ્રગતિનો મુખ્ય અવરોધક કોણ હોઈ શકે? દોસ્ત? દુશ્મન? કે દુનિયા? કવિ જુદી જ પણ સાવ સાચી વાત કરે છે. આપણી વિકાસયાત્રામાં અવર નહીં પણ પોતીકી જાત જ વિશેષતઃ વ્યવધાનરૂપ સાબિત થાય છે. આપણે આપણા અહમ્ ને વટાવી શકતા નથી. અહમ્ નો ઉંબરો વટાવે તે જ સોહમ્ ના વિશ્વમાં પ્રવેશે. જાત વળોટાતી નહીં હોવાની હકીકત જ અંતે તો સૌને નડે છે. ઈતિહાસની સચ્ચાઈ બે જ લીટીમાં આલેખતો શેર પણ એવો જ ચોટદાર થયો છે.

(લયસ્તરોને એમનો ગઝલસંગ્રહ ‘નવેસર’ ભેટ આપવા બદલ ડૉ. રાવલનો ખૂબ-ખૂબ આભાર…)

21 Comments »

 1. Pinki said,

  March 20, 2008 @ 3:01 am

  તબક્કે-તબક્કે તફાવત નડે છે
  મને, માત્ર મારી શરાફત નડે છે !

  પહેલા જ શૅરથી …..
  કત્લે આમ ચલાવતી એમની કલમ આજે મને
  મહેશ અંકલના બ્લૉગ પરની પહેલી મુલાકાત
  યાદ કરાવી ગઈ !!

  દરેક શેર/ગઝલ નખશિખ સુંદર,સહજ અને સ્પષ્ટ !!

  ‘અરે, આજ સુધી આ બ્લૉગ પર નજર જ ના પડી’નો
  અફસોસ આજે ખૂબ આનંદમાં ફેરવાયો જ્યારે એમની
  ગઝલો લયસ્તરો કે રીડગુજરાતીમાં વાંચવા મળે છે.

  મોહતાજ નથી એમની કલમ આપણી,
  પણ શબ્દો કદાચ એમની કલમના મોહતાજ ??!!!

 2. pragnaju said,

  March 20, 2008 @ 10:06 am

  મઝાની ગઝલ
  નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
  અને આખરે, એ જ બાબત નડે છે !
  વાહ
  બાકી કહેવાય છે કે –
  કુંડુ કથરોટને ન નડે
  ચાહવાનો વણલખ્યો એક જ નિયમ છે દોસ્તો !
  લાગણીના સાવ ચંચળ સ્તરને સહેવું પણ પડે.

 3. Dhwani joshi said,

  March 20, 2008 @ 3:51 pm

  ખુબ જ સરસ…સુંદર રચના…જેવા કોઇ પણ શબ્દો વામણા સાબિત થશે..!! મહેશભાઈ ની ગઝલ ના વખાણ કરવા એ શબ્દો ની તાકાતની બહાર ની વાત છે.

 4. Vijay Bhatt said,

  March 20, 2008 @ 6:44 pm

  રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
  મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

  Wah… I liked the Title lines on the Blog… Wah.. Vivek bhai… for sharing Mariz

 5. ધવલ said,

  March 20, 2008 @ 10:58 pm

  નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
  અને આખરે, એ જ બાબત નડે છે !

  બહોત ખૂબ !

  આ ગઝલ વાંચો અને હિમાંશુભાઈનો અમર શેર યાદ ન આવે એ કેમ બને ?

  ન હો જો કશું તો, અભાવો નડે છે,
  મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

  ( http://layastaro.com/?p=485 )

 6. ડો.મહેશ રાવલ said,

  March 21, 2008 @ 3:01 am

  આભાર વિવેકભાઈ !
  આભાર કોમેન્ટવિભાગના સહુ કદરદાન શબ્દસાધક મિત્રો!
  વિવેકભાઈ,ખરેખર મને તો એજ સમજાતું નથી કે સત્યને લોકો “કડવું”
  કહીને વગોવે છે શું કામ?
  મારી દ્રષ્ટિએ,સત્યથી સ્વાદીષ્ટ બીજું કંઇનથી-જો સ્વીકારી શકો તો !
  માણસનું તો એવું છે કે,

  સુગરકોટેડ હોવાથી નથી કડવાશ વરતાતી
  જરૂરતમાં પલાળી જો,બધા કડવા જ છે માણસ !
  -ડો.મહેશ રાવલ

 7. Chetan Framewala said,

  March 21, 2008 @ 3:20 am

  સીધી,સાદી ને સરળ છે એની ભાષા,
  મ્હેશ નામે છે જે, માણસ બહુ ગમે છે.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 8. vinod gundarwala said,

  March 21, 2008 @ 3:42 am

  કરિ દિધુ સગલુ તમારે નામ
  નથિ કાઇ હવે અમારે નામ
  ફક્ત આ યાદો નિ વણાઝારો
  રહિ ગઈ હવૅ તમારે નામ

  with regards Dr.vivekbhai
  & Dr. Maheshbhai Raval

 9. pragna said,

  March 21, 2008 @ 3:58 am

  કયો શેર વધુ ગમ્યો એ કહેવું હોય તો આખે આખી ગઝલ જ કોપી પેસ્ટ કરવી પડે.
  ખુબ ખુબ સુંદર !!!!

 10. સુનીલ શાહ said,

  March 21, 2008 @ 5:54 am

  નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
  અને આખરે, એ જ બાબત નડે છે !

  ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
  કે સરવાળે, એકાદ અંગત નડે છે !

  લયસ્તરો પર મહેશભાઈની ગઝલ જોઈ આનંદ થયો. શબ્દોના આ સાધકની ચોટદાર વાતો તેમના બંન્ને બ્લોગ પર અવારનવાર વાંચવા મળે છે અને તેમની ગઝલની ઉંચાઈનો અનુભવ થતો રહે છે. લયસ્તરોનો આભાર, મહેશભાઈને વંદન.

 11. rajgururk said,

  March 21, 2008 @ 6:23 am

  બહુજ સરસ ગજલ શ બ્દો નથી મરી પાસે

 12. kiran pandya said,

  March 21, 2008 @ 6:43 am

  ખાસ તો એ કહેવાનુ કે એમના વિચારો થિ ભાશા સમ્રુધ્ધ બનિ .

 13. chetu said,

  March 21, 2008 @ 7:19 am

  નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં
  અને સ્વપ્નને, આ હકીકત નડે છે !

  ખૂબ સરસ

 14. ઊર્મિસાગર.કૉમ said,

  March 21, 2008 @ 9:41 am

  આખી ગઝલમાંથી પસંદગીનાં શેર અહીં પેસ્ટ નથી કરતી… (તો તો આખી ગઝલ જ ફરી અહીં છપાઈ જશે!)

  મહેશભાઈની ગઝલ લયસ્તરો પર જોઈને ખૂબ આનંદ થયો…. એમની કલમમાં આવીને દરેક ‘કડવું’ સત્ય મધમીઠ્ઠા શેર બની જાય છે!

 15. Jayshree said,

  March 21, 2008 @ 10:03 am

  ખરેખર…. બધા જ શેર ગમી જાય એવા છે…
  આખી ગઝલ જ કોપી પેસ્ટ..!~

 16. raeesh maniar said,

  March 21, 2008 @ 10:30 am

  સુન્દર ગઝલ

 17. Gaurav From Jamnagar. said,

  March 21, 2008 @ 2:51 pm

  બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
  ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !

  વાહ …

 18. satish said,

  March 21, 2008 @ 9:11 pm

  આપ ને કહ્ વા શ બ દો શો ધ્ વા આ ખુ આકા શ ઓચુ

 19. "Rasik" Meghani said,

  March 26, 2008 @ 2:03 pm

  ડો.મહેશ રાવલની સર્વાંગ સંપૂર્ણ ગઝલ વાંચવા મલી.ઊચ્ચ કોટીના એક એક શેર માટે તેમને અભિનંદન.

 20. Sunil Parmar said,

  March 29, 2008 @ 7:20 pm

  મારી favorite ગઝલમાની એક…

  જો કે …મારી favorite ગઝલનુ list “નવેસર” ની અનુક્રમણિકા છે … 🙂

 21. neetakotecha said,

  March 31, 2008 @ 12:40 pm

  ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
  કે સરવાળે, એકાદ અંગત નડે છે …

  વાહ ખુબ સરસ ,,સાચ્ચે જ કયો શેર વધારે ગમ્યો એ કહેવુ બહુ મુશ્કેલ છે….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment