જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.
મુકુલ ચોક્સી

આપણે તો એટલામાં રાજી – રમણીક સોમેશ્વર

.             આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
.             ક્યાંક એક કૂંપળ તો તાજી
.             આપણે તો એટલામાં રાજી

એકાદું પંખી જો ડાળ ઉપર બેસે
.             તો થાય, મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
.             તોય રોમરોમ ફૂટે પલાશ
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે
.             ત્યાં રણઝણતી ઝાલરી બાજી
.             આપણે તો એટલામાં રાજી…

પાણીની એકાદી છાલકમાં હોય કદી
.             રીમઝીમ રેલાતો મલહાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
.             એકાદી ક્ષણનો વિસ્તાર
એક એક કૂંપળમાં જંગલ ઊભરાય ?
.             કોઈ પૂછે, તો કહીએ કે હાજી
.             આપણે તો એટલામાં રાજી

– રમણીક સોમેશ્વર

કેવું મજાનું સંતોષનું ગીત ! એક-એક પંક્તિ જાણે સામે ચાલીને આપણને વહાલ કરવા ન આવતી હોય ! ટોલ્સ્ટોયની વાર્તા How much land does a man need અને ‘રોજા’ ફિલ્મનું ‘દિલ હૈ છોટા સા, છોટી સી આશા’ યાદ ન આવે તો જ નવાઈ… સાવ સરળ ચાલમાં ચાલતા ગીતનો ખરો પંચ એની છેલ્લી ક્રોસ-લાઇનમાં છે… કાવ્યનાયકને જીવનના નાના સુખોથી કેટલો સંતોષ છે એના વિશે જ્યારે કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે કાવ્યનાયક જે રીતે ‘હાજી’ કહીને જવાબ વાળે છે એના પરથી એની અંતરતમ સંતુષ્ટિનું કેવું દૃઢીકરણ થાય છે ! આજ છે કવિતા!

7 Comments »

 1. Rina said,

  November 15, 2013 @ 2:26 am

  Awesome. ….

 2. ravindra Sankalia said,

  November 15, 2013 @ 7:17 am

  થોડામા સન્તોષ એ વાત કેવી સચોટ રીતે કવિએ વ્યક્ત કરી છે? અન્ગ્રેજી લેખક શુમાકર નુ પુસ્તક સ્મોલ ઇઝ બ્યુટીફુલ યાદ આવે. ગાન્ધીજીએ પણ કહ્યુ છે આ પ્રુથ્વી પર માણસની જરુરતૂ પુરતુ બધુ છે પણ એના લોભને સન્તોષે એટ્લુ નથી.

 3. perpoto said,

  November 15, 2013 @ 9:55 am

  વિચારો હંમેશા સુંદર હોય છે.
  અનુભુતી એથી વધુ ગહન હોય છે.

 4. Harshad Mistry said,

  November 15, 2013 @ 6:15 pm

  ખુબ જ સુન્દર્. વાહ વાહ કહેતા જ રહિએ એટ્લુ સુન્દર્.

 5. P. P. M A N K A D said,

  November 16, 2013 @ 12:31 am

  Aavun majanun geet vaanchvaa malyun

  Aapne to etlaa maa raaji !

 6. Vinod Dave said,

  November 16, 2013 @ 10:37 am

  મેવા મલિદા મીઠા નથી જોતા ભાઈ મને
  દે બસ છાશ રોટલો મરચુ ને ભાજી
  આપણે તો એટલામાં રાજી

 7. La' Kant said,

  December 7, 2013 @ 1:58 am

  રામ રામ રમણિક ભાઇ .
  એક શાળાકાળ ની કવિતા યાદ આવી :
  “એક વાર ,બસ એક વાર … મળીએ આપણે બેઉ એકલા ”
  કિશોર-કાળના પહેલ-વ્હેલાં સપનાંઓની વાતો …હતી પછી …

  “છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
  . એકાદી ક્ષણનો વિસ્તાર
  એક એક કૂંપળમાં જંગલ ઊભરાય ?”
  સંતુશ્ટ હોવાનું સુખ ઘણું-ળા ‘કંત /૭-૧૨-૧૩

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment