પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ !
હરીન્દ્ર દવે

એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? – રમેશ પારેખ

એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાંએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

-રમેશ પારેખ

ર.પા. એમના ભાષાવૈવિધ્ય અને લયની મૌલિક્તા માટે જાણીતા “સ-જાગ” કવિ છે. મોરારીબાપુએ કહ્યું હતું, ” આ કવિ કંઈક ભાળી ગયો છે. આ કવિ સતત સર્જન કરતો કવિ છે. તેને કદી કસુવાવડ થઈ નથી”. ર.પા.એ બે ડઝનથી વધુ હળવા મિજાજના ‘છોકરા-છોકરી ગીતો‘ લખ્યા છે જે બધા ઊર્મિ અને લયના નાવીન્યના કારણે સ્મરણીય બની રહ્યા છે. સાવ હળવા હલકાફુલકા મિજાજનું આ કાવ્ય વાંચીએ ત્યારે અહીં કોઈ કવિતા છે કે નહીં એવો પ્રશ્ન ઉદભવી શકે. પણ ર.પા. જેવો સજાગ કવિ કોઈ કાવ્ય અકારણ લખે એ વાત સહેલાઈથી ગળે ન ઉતરે એટલે આજે અહીં યથાશક્તિ આ સાવ સહેલાસટ્ટ ગીતનો તાગ મેળવવાનો ઈરાદો છે.

કવિતાનું શીર્ષક એ કવિતામાં પ્રવેશવાનો દરવાજો છે. અહીં એક છોકરો અને એક છોકરી એટલું વાંચતા એટલું સમજાઈ જાય છે કે આ પ્રણયોર્મિનું ગીત છે. પણ કવિએ પછી કંઈક બીજું કહીને પ્રશ્નાર્થ કેમ મૂક્યો હશે? આ પ્રશ્ન ચિહ્ન શું ઈશારો છે ભાવક માટે કે અહીં એક છોકરો અને એક છોકરીથી આગળ કંઈક બીજું પણ છે જે વળી મોઘમ રહેવાનું છે? અને આ ઘનમૂલક નિશાનીઓ… પ્રેમની વાત હોય ત્યાં તો કાયમ સરવાળો જ હોય ને! બાદબાકી કે ભાગાકાર હોય એ સંબંધને પ્રેમ શું કહી શકાય? શીર્ષક રચનામાં બે વાર સરવાળા કરીને કવિ પ્રેમના ઉંબરે આપણે આવી ઊભા હોવાના અહેસાસને વળી બેવડાવે છે…

ર.પા.નું શબ્દ-વિશ્વ અ-સીમ છે. બહુ જૂજ કવિઓ એવા હશે જેમના હાથે ખુદ શબ્દો મોક્ષ પામે છે ! સીટી વગાડવા જેવી કદાચ ઉતરતી કક્ષાની વાત પણ ર.પા. પાસે આવીને સાહિત્ય બની જાય, જ્યારે હોઠેથી વાગતી સીટી ઝૂલી શકાય એવો હિંચકો બની જાય છે ! સાવધ રહીએ… અહીં છોકરીની છેડતી કરનાર કોઈ રૉડ-સાઈડ રૉમિયોની વાત નથી. કાવ્યનાયક હિંમતવાન છે. સીટી વગાડીને એ પૂંઠ ફરી જતો નથી પણ પોતાના પ્રેમની દોર પર હિંચવા એ નાયિકાને ખુલ્લું આહ્વાન આપે છે જે ગીતને હલકું બનતું અટકાવે છે.

પ્રેમ એટલે સોનેરી સપનાં જોવાની ઉંમર. છોકરો પોતાના સોનેરી સપનાંમાં છોકરીને ભાગીદાર બનાવવા ઈચ્છે છે એટલે સપનાંઓને ફંફોસીને ખાસ એવા સોને મઢેલ શોણલાં કાઢે છે જે પાછાં ચોકલેટ જેવાં ગળચટ્ટા પણ હોય… અને છોકરીએ પણ હિંચકે ઝૂલી જ લીધું છે એની પ્રતીતિ પણ તુર્ત જ થઈ આવે છે. અહીં વાર્તાલાપ ખરો પણ એને શબ્દોનો ટેકો નથી… છોકરી પણ બોલવા માટે આંખોનો જ સહારો લે છે. પણ દુનિયાનો ડર હજી હૈયેથી ગયો નહીં હોય એટલે કવિ ગભરું સસલીઓના ટોળાંનો ઉલ્લેખ કરી કાકુ સાધે છે અને સ્વભાવિક રીતે જે સંકેતો આંખમાંથી ફેંકાય એ આષાઢી જ હોવાના. અને આવા નેહભીનાં નિમંત્રણ મળે પછી માણસ ચકરાવે ન ચડી જાય તો જ નવાઈ… પ્રેમમાં પડતા પહેલાં જે સીધોસટ ગણાતો હશે એ છોકરાને આ ચકરાવાઓમાંથી હવે કોણ બચાવે ?

કાચી વયના પ્રેમમાં છોકરીઓને ક્યારેક છોકરાંઓની ભાવના સાથે રમી લેવાનોય આનંદ હોય છે. પહેલી પંક્તિમાં કવિ છોકરીને આ છોકરાના પ્રેમની કંઈ પડી જ ન હોય એવો ઉપાલંભ કરી જાણે મફતનું ઝૂલી લીધું હોય એવો ભાસ કરે છે પણ વળતી જ કડીમાં એમાં યોગ્ય સુધારો પણ કરે છે. છોકરી પણ અહીં સંડોવાયેલી જ છે અને એટલે જ એને પણ ઘરે જતાં મોડું થાય છે. આ ઊભો થતો ભાસ અને તુર્ત જ આવતો યુ-ટર્ન જ કદાચ આ ગીતમાં કવિતાને સિદ્ધ કરે છે. પછી પ્રેમમાં પડેલો છોકરો જે કંઈ કરે છે એમાં શું કંઈ નવું છે? અને એ પછી શું થયું એ તો કવિ કહેતા જ નથી… એ તો કંઈક બીજું કહી પ્રશ્ન મૂકી ખસી જવામાં જ માને છે…

છોકરા-છોકરીનો ક્ષણાર્ધ માટે કદાચ ગામની ભાગોળે સામ-સામા થવાનો આવો પ્રસંગ તો કેટલો સામાન્ય છે ! સાવ સીધી ભાષામાં લખાયેલું આ નાનકડું પ્રસંગ-ગીત એવી સંજિદી હળવાશથી લખાયું છે કે વાંચતી વખતે એક આખું ભાવ-ચિત્ર આંખ સામે ઊભું થઈ જાય છે. એક પણ પીંછી કે એકપણ રંગ વાપર્યા વિના આખેઆખું ચિત્ર માત્ર શબ્દ અને લયના જોરે કેટલા કવિઓ દોરી શક્તા હશે, કહો જોઈએ?

17 Comments »

 1. દિલીપ પટેલ said,

  February 7, 2008 @ 2:50 am

  ‘એક પણ પીંછી કે એક પણ રંગ વાપર્યા વિના આખેઆખું ચિત્ર માત્ર શબ્દ અને લયના જોરે કેટલા કવિઓ દોરી શક્તા હશે, કહો જોઈએ?’ – શબ્દ અને લયના જોરે રમેશ પારેખ જેવા મૂર્ધન્ય ને પાકટ કવિ જ સામાન્ય લાગતા X અને Y શા છોકરા અને છોકરીના આ કથા આલેખ પર પ્રણયનું અસીમ વર્તુળ રચી શકે.. પણ એની સાથે સાથે વિવેક જેવા વિવેચક જ લયસ્તરોના આધારે એમાંથી પ્રગટતો પ્રણય એમના હળવાફૂલ હસ્તાક્ષરો દ્વારા આમજનો માટે જાણવાલાયક અને માણવાલાયક કરીને આનંદદાયી બનાવી શકે.. આભાર સહ અભિનંદન

 2. Darshit said,

  February 7, 2008 @ 3:55 am

  MY ALL TIME FAVOURITE POET AND ALWAYS ON THE TOP AND THE BEST…. very few words but expandable thinking in a simple language.

 3. Group2Blog :: A boy plus a girl plus something else? said,

  February 7, 2008 @ 5:01 am

  […] http://layastaro.com/?p=1052 […]

 4. Dilipkumar K. Bhatt said,

  February 7, 2008 @ 9:01 am

  રમેશનુ કાવ્ય વાચતા રુવે રુવા ઉભા થૈ જાય! હુ અમરેલીનો આને રમેશ અમારો એથી વધારે શુ લખુ? રમેશને ઓળખવો હોય તો રમેશને વાચો- બસ તેનુ નામ જુવો તો તુરતજ ક્લિક કરવનુ ભુલશો નહિ.અને વિવેકભાઈનો આભાર માનવાનો પણ ભુલત નહિ.

 5. Tahuko Lover -2 said,

  February 7, 2008 @ 10:31 am

  એક્ટુઅલી ઓરિજિનલ ગિત ને પોઝીટીવલી મુલવતું રસ દર્શન ર્.પા.નુ એક રમતયાલ ડબલ મીનીંગ વાળૂં ગીત. ર્.પા ને માત્ર આ ગીત થિ ઓલખિયે તો એક સામાન્ય જોડક્ણા લખનાર રાઇટર કહેવાય.

  લાંબા રસદર્શન અને ર્.પા નું ખેંચવા બદલ અભાર વિવેકભઇ

  અમુક બ્લોગરોને ભલા અજ્ઞાત લોકોની કોમૅંટની ય બીક. મીઠી મીઠી એમેને ચડાવતી કોંમેંટ ગમે. તમે મરદ માણસ છો. તમને જેમ તમે માનો એવા રસદર્શન કરાવાની છૂટ હોય તો બીજાને એ માને એવા વિચાર રજૂ કરવાની છૂટ જોયે ને.

  રી કોમૅંટ તો ટહુકો પરથી જયશ્રિ એ દુર કરી મુકી. તમને ઠીક લાગે તેમ કરજો.

 6. pragnaju said,

  February 7, 2008 @ 10:47 am

  રમેશ પારેખનું વારંવાર માણેલું લયબધ્ધ ગીત ફરી ગણગણાવ્યું…
  મુક્તક સુંદર
  જો કે તેમની આ પંક્તી સાથે સંમત નથી…
  ‘તે ન દીધું જીવવાનું કોઈ કારણ, હદ કરી !’
  કાવ્યની આ પંક્તીઓ વાંચતા ઓછું આવતું !
  ‘છોકરીને શું ? એ તો ઝૂલી,
  તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
  જે કાંઇ થયું એ તો છોકરાને થયું
  એના સાનભાન ચરી ગયું ઘોડું રે’
  કદાચ આ પ્રસંગની છોકરી આવી હશે!
  તેમની આ પંક્તીઓ અવારનવાર વાતચિતમાં વાપરું છું…
  ‘તૂટવાનો અર્થ તને અડકે નહીં ,
  એને હું કહું મારો પ્રેમ !’ અને
  ‘તમે ફોડી શકશો અરીસા કદી,
  ચહેરાઓ ફોડી શકતા નથી.’
  નામ અને રચના સાથે દેખાતો ચહેરો—-

 7. Dhwani joshi said,

  February 7, 2008 @ 4:17 pm

  ખુબ જ મસ્ત મજા નું પ્રણયગીત… મે પોતે પણ ૫-૬ વાર વાંચી લીધું અન બજાઓ ને પણ વંચાવ્યું..હસતા મોઢે બધાના એક જ શબ્દો હતા…”વાહ..મજા આવી ગઈ..” 😉

 8. ધવલ said,

  February 8, 2008 @ 12:38 am

  ખરી વાત છે… ર.પા.ને શબ્દોને મ્હોરતા કરી દેવાનું વરદાન જ હતું. બહુ મઝાનું ગીત. અને રસાસ્વાદમાં પણ મઝા કરાવી દીધી. ગીતમાં કેટલીક બહુ નાજૂક વાતો છૂપાયેલી છે એના પર પહેલા ધ્યાન જ નહોતું ગયું. મને તો સૌથી ‘ઓરીજીનલ’ લીટી છેલ્લી લીટી લાગી – હિસાબના ચોપડામાં (ને એય વાણિયાનો દિકરો) ફૂલ ચિતરે એટલે સમજી લેવાનું કે – તદ્દન ‘ગોન કેસ’ છે !

 9. વિવેક said,

  February 8, 2008 @ 1:39 am

  પ્રિય “ટહુકો લવર-2”,

  જેમ મને આ વેબ-સાઈટ પર ઠીક લાગે એમ રસ-દર્શન કરાવવાની છૂટ છે, એમ જ આપને પણ આપનો નિખાલસ અભિપ્રાય પૂરી સ્વતંત્રતાથી જણાવવાની સંપૂર્ણ આઝાદી છે. એનું પ્રમુખ કારણ એ છે કે ભલે આ બ્લૉગ ધવલ અને હું- બે મિત્રો મળીને ચલાવતા હોઈએ, અમે બંને જણ દિલથી એવું માનીએ છીએ કે આ બ્લૉગની સાચી માલિકી આપ જેવા વાચકોની જ હતી, છે અને રહેશે… આપનો અભિપ્રાય ગમે એટલો આકરો કેમ ન હોય, અમને સ્વીકાર્ય જ છે… (હા, ભાષા ભદ્ર જ હોવી જોઈએ એટલી અમારી અપેક્ષા જરૂર રહેશે જેથી અન્ય વાચક મિત્રોની સુરુચિનો ભંગ ન થાય).

  નનામા પ્રતિભાવોને અમે પણ પ્રોત્સાહન આપતા નથી. પણ આપના કેસમાં મને ખ્યાલ છે ત્યાં સુધી હું આપને ઓળખું છું અને આપ વિશ્વના કયા ભાગમાં રહો છો એની પણ મને જાણ છે જ એટલે આપનો પ્રતિભાવ દૂર કરતો નથી. આપના નિખાલસ પ્રતિભાવોની સતત પ્રતીક્ષા રહેશે…

  (બાય ધ વે, મને ‘મરદ માણસ’ ગણવા બદલ આભાર… )

 10. Punamchand G. Vaghela said,

  February 8, 2008 @ 7:03 am

  આમ તો પદ્ય બાબતે મારી જાણકારી ખૂબ જ ઓછી અથવા તો નહીંવત્ છે. પણ આ કાવ્‍ય વાંચતા જ ખૂબ જ આનંદ થયો. ખરેખર હળવાફૂલ બની જવાય તેવું કાવ્‍ય છે.

 11. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

  February 8, 2008 @ 8:57 am

  રમેશ પારેખ વિશે જેટલું લખ્યે એટલું ઓછું રે!!
  થાય એમણે કેમ આટલું લખ્યું ઓછું રે!!

  શબ્દ વાળ્યા,શબ્દ ગાળ્યા
  ને મજેથી એણે સજાવ્યા

  એનું કહેવાનું બધું સાવ છે ચોખું રે!!
  વિવેક વળી બનાવે વધું અનોખું રે!!!

  રમેશ પારેખ વિશે જેટલું લખ્યે એટલું ઓછું રે!!

 12. ગાગરમાં સાગર » Blog Archive » એક છોકરીના હાથથી -રમેશ પારેખ said,

  February 8, 2008 @ 5:09 pm

  […] કાલે લયસ્તરો પર ર.પા.નું ‘એક છોકરી’ વિશેનું એક ગીત વાંચ્યું… અને ઉપરથી વિવેકનો ખૂબ જ સુંદર એ ગીતનો આસ્વાદ પણ વાંચ્યો… ત્યારે ર.પા.નું જ ‘એક છોકરી’વાળું અને મને ઘણું ગમતું બીજું એક ગીત પણ યાદ આવ્યું… અને યાદ આવ્યું એવું જ સાંભળી પણ લીધું… પછી થયું, કે આજે તમને પણ એકદમ હળવા મિજાજનું ખૂબ જ મસ્તીભર્યુ આ ગીત સંભળાવી જ દઉં… શંકર મહાદેવનનાં મસ્તીભર્યા મોહક સ્વરે આ ગીતને જાણે ચાર ચાંદ લગાવી દીધા છે એવું નથી લાગતું?!  […]

 13. chetan said,

  February 11, 2008 @ 5:51 am

  hi,
  there is no doubt,
  sirf nam hi kafi hai,
  right?

 14. Samir Modi said,

  February 15, 2008 @ 10:39 am

  મને વાંચી તો મહુ મજા આવી.
  આવું કંઇક હાસ્ય બીજુ મળી જાય તો વધારે આનંદ આવે.

 15. DWAIPAL said,

  April 24, 2010 @ 6:57 am

  realy cool.

 16. vishal said,

  June 14, 2012 @ 10:11 am

  Aaj same concept upar ek biji ghazal/kavita vaanchi hati, ghanaa varsho pehla, layastaro.com per.

  Chhokri e chhokra saathe hasi-majaak ne vaato kari, ane chhokra na dil ma chomasu bethu, varsaad na zaapta ne leelotari thai gai…etc. etc.

  aava kaink shabdo hata.

  Koi mane aa exact shodhi aapsho, to hu aapno khub khub aabhari rahish.

 17. Darshana Bhatt said,

  October 4, 2012 @ 6:22 pm

  આ રચના રમેશ પરેખની પાસેથી એક કાવ્ય સમ્મેલનમા સામ્ભળી હતી…ત્યારે જે મજા આવી હતી તેની યાદ આવી ગૈ.
  આજે વાચીને તેમની યાદ તાજી તાજી થૈ…..તાજગીભરી…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment