દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

રસ્તો – રતિલાલ ‘અનિલ’

ratilal anil
(રતિલાલ અનિલ: ૨૩-૦૨-૧૯૧૯  થી ૨૯-૦૮-૨૦૧૩)

*

રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. સુરતના જૈફ શાયર. ફક્ત બીજા ધોરણ સુધીનો જ અભ્યાસ. ચાંદરણા અને મરકલાં માટે બહુખ્યાત.  ‘આટાનો સૂરજ’ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૯૪ની ઊંમરે પણ માઇક પર આવે તો નવયુવાનને શરમાવે એવા બળકટ અવાજે સુરતી ક્ષત્રિય લહેકાવાળી બાનીમાં નકરી યાદદાસ્તના આધારે એક કલાક સુધી પોતાની રચનાઓ સંભળાવી શકે એવી ક્ષમતા…

૯૪ વર્ષની ઉંમરે ગઈકાલે એમનું નિધન થયું… લયસ્તરો ટીમ તરફથી એમના આત્માની સદગતિ માટે શાંતિપ્રાર્થના !

*

શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,
કહીં સંસાર માંડે , ક્યાંક સાધુ થાય છે રસ્તો .

અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો !

નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો.

પ્રણયના પંથ પર ક્યારેક લ્હેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.

નહિતર ખીણમાં એ સોંસરો આવી નહીં પડતે,
મુસાફરને શું દેવો દોષ, ઠોકર ખાય છે રસ્તો !

મુસાફર નહિ, નદીમાં એ ન ડૂબી જાય તે માટે,
બને છે પુલ, સામે પાર પ્હોંચી જાય છે રસ્તો .

હું ઈશ્વરની કને તો ક્યારનો પ્હોંચી ગયો હોતે,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !

નથી જોતા મુસાફર એકબીજાને નથી જોતા,
નજરને શું થયું છે કે ફકત દેખાય છે રસ્તો !

ન જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની,
કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો .

લખે છે વીજળીનો હાથ કંઈ આકાશમાં જ્યારે,
ઘણીએ તેજરેખામાં ક્ષણિક દેખાય છે રસ્તો !

વિહંગો શી રીતે સમજી શકે આ મારી મુશ્કેલી,
કદમ આગળ વધે છે ત્યાં જ અટકી જાય છે રસ્તો !

મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો !

ઊભું છે પાનખરમાં વૃક્ષ ડાળીઓની રેખા લઈ,
હથેળીઓની રેખાઓનો એ વર્તાય છે રસ્તો !

‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત્ આ હકીકત છે,
રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો !

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પ્હોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !

-રતિલાલ ‘અનિલ’

19 Comments »

 1. Suresh Shah said,

  August 30, 2013 @ 3:18 am

  રતિભાઈના અવસાન ના સમાચાર થી દુખ થયું.
  સદગતના આત્માને પરમ શાંતિ મળે એ પ્રભુ પ્રાર્થના.

  નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
  ‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !

  કેટલું સાચુ છે.

  – સુરેશ શાહ, સિંગાપોર

 2. RAKESH said,

  August 30, 2013 @ 3:54 am

  રતિભાઈના આત્માનેશાંતિ મળે એ પ્રભુ પ્રાર્થના.

 3. Harshad Joshi said,

  August 30, 2013 @ 5:09 am

  R. I. P.

 4. Rupin Patchigar said,

  August 30, 2013 @ 6:15 am

  Sutat Na Sahitya Sitara Sama ‘Ratilal Anil’ Ne Nat Mastake Anjali Aapu Chhu…
  Emna Javaa Thi Surat Ane Gujarat Nu Sahitya Jagat Raank Banyu Chhe !!!

 5. sweety said,

  August 30, 2013 @ 6:28 am

  પ્રભુ એનેી આત્મા સદગતિ પામે

 6. Jagdip said,

  August 30, 2013 @ 6:35 am

  એક-તારો ખરી ગયો…….

 7. Rekha Sindhal said,

  August 30, 2013 @ 7:57 am

  એમના આત્માનેી પરમશાંતેી માટે પ્રાર્થના સહ વંદન !

 8. yogesh shukla said,

  August 30, 2013 @ 9:05 am

  શ્રી રતિલાલ ” અનિલ ” આ નામ થી હું જરાપણ અજાણ નથી .
  હું સુરત નો રહેવાસી છુ ને ત્યા હુ મોટો થયો છુ ..
  ‘ ગુજરાતમિત્ર ” મા ‘ ચાંદરણાં ” કોલમ પ્રસિધ્ધ થતી તે દ્વારા
  તેઓ ઘણુ બધુ કહી જતા ……
  પ્રભુ સદગત આત્માને ચિર શાંતિ આપે એજ મારી પ્રાર્થના ..
  યોગેશ શુક્લ , (કેલગરી ,કેનેડા )

  તેમને અંજલિ આપતા અને તેમના છેલ્લા શેર ના સંદર્ભ મા
  કઈ આવુ કહેવા માંગુ છું …
  “એક માનવી હજી બીજા માનવીના હ્રદય સુધી નથી પહોચ્યો ..
  અને જગતને કહેતો ફરે છે કે હું સર્વે મિત્રોના સંપર્કમાં છું “

 9. vijay shah said,

  August 30, 2013 @ 9:29 am

  emanaa aatmaane shaaMti maLe tevi Prarthanaa

 10. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

  August 30, 2013 @ 9:35 am

  “એક માનવી હજી બીજા માનવીના હ્રદય સુધી નથી પહોચ્યો ..
  અને જગતને કહેતો ફરે છે કે હું સર્વે મિત્રોના સંપર્કમાં છું

  અને……

  “નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
  ‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !

  આવી દિલ્લી માનવીય ,હ્રદય સ્પર્શી વાત કહી શકનાર ની કાયમી વિદાય….
  . શું એક મેક ના મન -ર્હદય સુધી પહોંચવા પણ રસ્તો બંધાય એની રાહ જોવાની? રતીલાલ ” અનીલ” ની કાયમી વિદાય પછી પણ સ્થિતી માં ખાસ કંઈ ફેર પડ્યો નથી ! આવા કોમળ ર્હદયના “અનીલ” ની લહેરખી નો અનુભવ થતો રહે- એમના આત્માને ઈશ્વર પરમ શાંતિ અર્પે એવી ઈશ્વર ને પ્રાર્થના!

 11. Manubhai Raval said,

  August 30, 2013 @ 11:45 am

  રતિભાઈના આત્માનેશાંતિ મળે એ પ્રભુ પ્રાર્થના.

 12. ડૉ.મહેશ રાવલ said,

  August 30, 2013 @ 12:24 pm

  આદરણીય કવિશ્રી રતિલાલ ‘અનિલ’ના દેહાવસાનથી ગુર્જર કવિતાએ એક સશક્ત અને સહજ કવિ ગુમાવ્યો છે…ઈશ્વર, સદગતને મોક્ષ પ્રદાન કરે એજ અભ્યર્થના.
  અસ્તુ.

 13. sudhir patel said,

  August 30, 2013 @ 12:35 pm

  ગઝલના ખુમારવંતા કવિશ્રી ની વિદાયથી દુઃખ થાય એ સ્વાભાવિક છે.
  પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
  સુધીર પટેલ.

 14. Manoj Shukla said,

  August 31, 2013 @ 12:20 am

  હું ઈશ્વરની કને તો ક્યારનો પ્હોંચી ગયો હોતે,
  અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !

 15. Pravin Shah said,

  August 31, 2013 @ 1:15 am

  પ્રભુ એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

 16. Shah Pravinchandra Kasturchand said,

  August 31, 2013 @ 2:34 pm

  સીધા અને સરળ શબ્દોમાંથી રેશમી ચાબખો ક્યારે મારી દે એની ખબર પણ ના પડે એવા ‘અનિલ’ જેવા રતિલાલ અનિલ ખરેખર ચાલ્યા ગયા?થોડો વખતતો મન નહિ માને;ના,મન નહિ જ માને.
  પ્રભુ એમના આત્માને અનંત શાંતિ અર્પે.

 17. perpoto said,

  September 1, 2013 @ 3:00 am

  અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો!
  ક્યાં ગયો હશે,ચાલ્યા વગર ચાલ્યો ગયો રસ્તો……

 18. ravindra Sankalia said,

  September 2, 2013 @ 7:16 am

  રતિલાલ સ્વર્ગસ્થ થયા એ નિમિત્તે શ્રદ્ધાજ્લિ રુપે એમની ત્રણ ગઝલો આપવા બદલ અભિનન્દન.

 19. heta said,

  September 6, 2013 @ 11:49 am

  નથી એક માનવી પાસે બીજો માનવી હજી પ્હોંચ્યો,
  ‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment