જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?
જટિલરાય કેશવલાલ વ્યાસ \'જટિલ\'

બુરખો – પ્રવીણ જોશી

આદમી
પોતપોતાની શૈલીએ,
જિંદગી છુપાવવા એક બૂરખો રાખતા હોય છે,
– તેમ નાટક મારા જીવન પરનો બુરખો છે.

મારું જીવન
તમારાથી જૂદું નથી,
પણ મારો બુરખો
તમારા બુરખા કરતાં જુદો છે.

હવે જો ઉઝરડા પડે તો
મારો બુરખો એ ઝીલી લે છે.

ગમા, અણગમા, સફળતા, નિષ્ફળતા
નિરાશા, આશા, અપેક્ષા
મંથન અને મૈથુન…
…બધું નાટકમાં ઓગળી ગયું છે.

જીવનનો બોજ નાટકના ઝિંદાદિલ
બુરખાએ ઉપાડી લીધો છે
અને હવે તો
બુરખો ખુદ ભૂલી ગયો છે
કે પોતે બુરખો છે
કે સાચે જ મારો ચહેરો?

– પ્રવીણ જોશી

ગુજરાતી રંગભૂમિ વિષે પહેલા પુરુષ એકવચનમાં બોલવાનો કોઈનો સૌથી વધુ હક બનતો હોય તો, ચં.ચી.ને બાદ કરતા, પ્રવીણ જોશીનો છે. નાટકમય જીવન જીવવવાનો અનુભવ અહીં એ કવિતામાં બાંધવાનો પ્રયત્ન કરે છે તો પહેલો શબ્દ એમને સુઝે છે એ છે ‘બુરખો’ ! જોવાની વાત એ છે કે હંમેશા નાટક સાથે ‘મુખવટો’ કે ‘મોહરું’ (એટલે કે Mask) શબ્દ સામાન્ય રીતે વપરાય છે (ગુજરાતી અને અંગ્રેજી બન્નેમાં). પણ કવિ એને બદલે ‘બુરખો’ શબ્દ પસંદ કરે છે – એ શબ્દ સાથે દેખીતી રીતે જ નકારાત્મક સંવેદના જોડાયેલી હોવા છતાંય !

મારું જીવન / તમારાથી જૂદું નથી, / પણ મારો બુરખો / તમારા બુરખા કરતાં જુદો છે – આ પંક્તિને આ કવિતાના સંદર્ભમાંથી કાઢી લો તો એ સ્વયં એક કાવ્ય બની શકે એટલી સશક્ત છે. સુરેશ દલાલના કહેવા મુજબ પ્રવીણ જોશી એ લખેલી આ એકમાત્ર કવિતા છે – એમણે કવિતાની કક્ષામાં આવે એવા ઘણા નાટક રચેલા એ અલગ વાત છે.

4 Comments »

  1. pragnaju said,

    January 14, 2008 @ 10:13 AM

    સુંદર રચના
    હવે તો
    બુરખો ખુદ ભૂલી ગયો છે
    કે પોતે બુરખો છે
    કે સાચે જ મારો ચહેરો?
    વાહ…
    વાંચતા સ્મૃતિમાં કાંઈક કેટલાએ પ્રસગો,વાર્તાઓ,કાવ્યો આવે!
    बेपरदा नजर आयीं जो चंद बीबियां
    अकबर जमीं में गैरते कौमी से गड़ गया
    पूछा जो मैंने आपका पर्दा वो क्या हुआ
    कहने लगीं, कि अक्ल पे मर्दों की पड़ गया।
    And when I reached the market place, a youth standing on a house-top cried, “He is a madman.” I looked up to behold him; the sun kissed my own naked face for the first time. For the first time the sun kissed my own naked face and my soul was inflamed with love for the sun, and I wanted my masks no more. And as if in a trance I cried, “Blessed, blessed are the thieves who stole my masks.”

  2. ભાવના શુક્લ said,

    January 14, 2008 @ 10:54 AM

    નાટકને જીવન માનનારા પ્રવીણજી જીવનની નાટ્યાત્મકતાથી કેટલા સભાન….
    ખુબ સરસ વાત…દરેકને સ્પર્શતી…

    કાવ્યના મુળભાવથી ‘જરા હટકે’ એવો પ્રજ્ઞાજુનો શેર પણ આબાદ છે…બહુ ગમ્યો
    હ્बेपरदा नजर आयीं जो चंद बीबियां
    अकबर जमीं में गैरते कौमी से गड़ गया
    पूछा जो मैंने आपका पर्दा वो क्या हुआ
    कहने लगीं, कि अक्ल पे मर्दों की पड़ गया।

  3. shriya said,

    January 14, 2008 @ 4:54 PM

    જીવનનો બોજ નાટકના ઝિંદાદિલ
    બુરખાએ ઉપાડી લીધો છે
    અને હવે તો
    બુરખો ખુદ ભૂલી ગયો છે
    કે પોતે બુરખો છે
    કે સાચે જ મારો ચહેરો?

    વાહ…ખુબ સરસ વાત! 🙂

  4. Pinki said,

    January 15, 2008 @ 12:27 AM

    મારું જીવન
    તમારાથી જૂદું નથી,
    પણ મારો બુરખો
    તમારા બુરખા કરતાં જુદો છે

    દરેકને સાંકળતી આ પંક્તિઓ પ્રવિણ જોશીની
    અન્ય પ્રત્યેની સહાનુભૂતિ દર્શાવે છે.
    તે જાણે છે બધાં જ બુરખામાં જ પોતાના દર્દો છુપાવી લે છે.

    અને આ તો જીવનની નકરી વાસ્તવિકતા……….

    જીવનનો બોજ નાટકના ઝિંદાદિલ
    બુરખાએ ઉપાડી લીધો છે
    અને હવે તો
    બુરખો ખુદ ભૂલી ગયો છે
    કે પોતે બુરખો છે
    કે સાચે જ મારો ચહેરો?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment