કોને દઈએ આળ?
થાય તે બધું કરનારો તો આખર પેલો કાળ!
– કિરીટ ગોસ્વામી

ગઝલ – શૂન્ય પાલનપુરી

રાગ કેરી પ્યાલીમાં,  ત્યાગની સુરા પીને, લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને  આત્મ-ભાન  આપીને, લો અમે તો આ ચાલ્યા !

બુદ્ધિ કેરી વીણા પર લાગણી  આલાપીને,  લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને, લો અમે તો આ ચાલ્યા !

સૃષ્ટિના કણેકણમાં  સૂર્ય  જેમ  વ્યાપીને, લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા  કુલ  જહાન માપીને, લો અમે તો આ ચાલ્યા !

ધર્મના   તમાચાઓ,  બેડીઓ  પ્રલોભનની,  કોરડા   સમય   કેરા;
એક  મૂંગી  શ્રદ્ધાની  વેદનાઓ  માપીને,  લો અમે તો આ ચાલ્યા !

ધૈર્ય   કેરા   બુટ્ટાઓ,   પાંદડી   ક્ષમા   કેરી,   વેલ   છે કરુણાની,
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને, લો અમે તો આ ચાલ્યા !

થાય  તે  કરે  ઈશ્વર !  ભાન  થઈ ગયું અમને, આપ-મુખ્ત્યારીનું !
દમ  વિનાના  શાસનની આજ્ઞા ઉથાપીને, લો અમે તો આ ચાલ્યા !

શૂન્યમાંથી  આવ્યા’તા,  શૂન્યમાં  ભળી  જાશું,  કોણ રોકનારું છે ?
નાશ  ને  અમરતાની  શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા !

-શૂન્ય પાલનપુરી

‘ગાલગા લગાગાગા’ના ત્રણ આવર્તનોથી બનેલી આ ગઝલ એની ઝીણી કોતરણી બદલ દાદ માંગી લે છે. એક તો છંદના આવર્તનોના કારણે એક અજબ લય ઊભો થાય છે અને એ મૌસિકી(સંગીત)માં ઉમેરો કરે છે ‘લો અમે તો આ ચાલ્યા‘નો બળકટ ગેય રદીફ. ‘અમે તો આ ચાલ્યા’ કહીને હાથ ખંખેરીને ચાલ્યા જવાને બદલે શૂન્ય આગળ ‘લો’ ઉમેરીને અહીં બીજું જ નિશાન તાકે છે. એક ‘લો’ શબ્દનો ઉમેરો વાચકને ઈંગિત કરતો જાય છે કે અમે તો ચાલ્યા, પણ તમારું શું? સાથે જોડાશો કે નહીં? કે જીવનની સફરમાં બેસી ને જ કાપશો?

કહેવાય છે કે ગઝલનો પહેલો શેર-મત્લા- એ ગઝલમાં પ્રવેશવાનો દરવાજો છે. કવિએ અહીં ત્રણ-ત્રણ મત્લા વાપરીને ભાવકને ગઝલ-પ્રવેશની ખાસ્સી અનુકૂળતા કરી આપી છે. એમ પણ કહી શકાય કે ગઝલનું આગવું ભાવવિશ્વ ત્રણગણું ઘૂંટીને આખા માહોલને વધુ પ્રભાવક બનાવી દીધો છે. એક બીજી નોંધવા જેવી વસ્તુ છે તે આ ત્રણેય મત્લામાં સતત પુનરાવર્તિત થયેલા નાનાવિધ વિરોધાભાસ. પ્યાલી રાગની હોય તો સુરા ત્યાગની. મસ્તી છલકાતી હોય ત્યાં આત્મભાન અડોઅડ. બુદ્ધિની વીણા પણ આલાપ લાગણીનો. બેદર્દી દુનિયાના બીજા પલ્લામાં દિલની દોલત. કણની સૂક્ષ્મતા સામે સૂર્યની વિશાળતા. ગજ એક જાન જેવડો નાનકડો પણ માપ દુનિયા જેવડું વિશાળ. જીવનની ફિલસૂફી આ ત્રણ મત્લામાં ઘૂંટી-ઘૂંટીને શૂન્ય ભાવકને એવી જગ્યાએ લાવી ઊભો કરી દે છે જ્યાંથી ગઝલ-પ્રવેશ ન માત્ર સરળ બની રહે છે, એક ફાટી ફીટે નહીં એવી ભાત પણ અંકાઈ જાય છે.

(આવતીકાલે એક નાનકડું સરપ્રાઈઝ આ કૃતિના અનુલક્ષમાં.)

6 Comments »

  1. pragnaju said,

    January 3, 2008 @ 10:39 AM

    વાહ્
    ઝઝલ અને તેનો પ્રતીભાવ
    તેમાં
    શૂન્યમાંથી આવ્યા’તા, શૂન્યમાં ભળી જાશું, કોણ રોકનારું છે ?
    નાશ ને અમરતાની શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા !
    આફરીન

  2. ભાવના શુક્લ said,

    January 3, 2008 @ 6:29 PM

    સુર્યની જેમ વ્યાપવુ અને ગજ લઈને જહાનને માપવુ …વામનત્વનો આ વિરાટ વ્યાપ ક્યાય સુધિ વિચારતા કરી મુકે છે…..
    શુન્ય, શુન્ય ને બસ શુન્યનુ આ આખે આખુ કાવ્ય જાને “શબ્દોનુ મોર્ડન આર્ટ”

  3. ગાગરમાં સાગર » Blog Archive » લ્યો, અમે તો આ ચાલ્યા -તુષાર શુક્લ said,

    January 4, 2008 @ 1:34 PM

    […] વિવેકે લખેલી આ ગીત (કે ગઝલ?) ની પ્રસ્તાવના લયસ્તરો પર જરૂરથી વાંચશો… અને સાથે સાથે આવી જ બીજી એક શૂન્યસાહેબની ગઝલ પણ માણવા જેવી છે…   […]

  4. hetal desai said,

    January 5, 2008 @ 10:27 PM

    very proud for our poets,I dont know how to write gujarati so writing in English.But want to say that keep it up, good work

  5. dilip ghaswala said,

    January 9, 2008 @ 1:19 AM

    આ ગઝલ ગમી….દિલીપ ઘાસવાલા

  6. લયસ્તરો » said,

    January 10, 2008 @ 11:48 AM

    […] ગઝલ – શૂન્ય પાલનપુરી […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment