મારા ફ્લેટમાં આવે છે ભેજ
કેમે ના સમજાતું અંદર દીવાલમાં
કે મારી આંખમાં આ લીકેજ.
– મુકેશ જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એવો છે વરસાદ – ધ્રુવ ભટ્ટ

જરાક જેવી આંગળીઓને એક-બીજામાં સરકાવીને ક્યાંક છાપરી નીચે બેસી જોયા કરીએ એવો છે વરસાદ,
સાત ખોટના શબ્દોને પણ વાદળ પાછળ મૂકી દઈને આ અવતારે પામ્યા તેને મોહ્યા કરીએ એવો છે વરસાદ.

ઘર કહેવાતી છાપરીઓ કે ડુંગ૨ ઘેર્યાં ઝાડ બધાંયે આજ વરસતા જળ પછવાડે વરસે છે જો ઝાંખાંપાંખાં,
નભની ટોચે દેશવટાના કાળા ઘોડે કુંવરજીની તેગ ફરે ને ઝબકારામાં એકદંડિયા મહેલ જગે છે આખેઆખા;
છબછબિયાંથી આજ સુધીના ગારાથી લઈ બટ્ટ-મોગરા ફૂલ ભરેલા ચોમાસામાં હાથ હજીયે બોળ્યા કરીએ એવો છે વરસાદ.

સૂરજ જ્યારે સંતાતો જઈ બીક ભરેલા અડાબીડ અંધારે, ત્યારે કેવા એનું નામ કહીને મનમાં થપ્પો પાડી દેતા,
પણ એ ત્યાંથી નહીં નીકળે તો -ની શંકાએ મૌન રહીને કિરણ જડે તો કહીશું માની ઊગી ટીસને દાબી દેતા;
તને ખબર છે, મને ખબર છે એક સમયમાં કહેવી’તી ને નથી કહી તે વાતો મનમાં બોલ્યા કરીએ એવો છે વરસાદ.

– ધ્રુવ ભટ્ટ

વરસાદ પડતો રહે, પડતો રહે, પડતો જ રહે એવા પ્રલંબ લયના તારથી ગૂંથાયેલું આ ગીત ગણગણાવીએ ત્યારે ભીતર પણ અનવરત ટપ ટપનું સંગીત રેલાતું હોવાનું અનુભવાયા વિના રહેતું નથી. સમર્થ કવિ કાવ્યસ્વરૂપનો કાવ્યવિષયને ઉપસાવવામાં કેવો ઉત્તમ વિનિયોગ સાધી શકે છે એનું એક ઉદાહરણ આ ગીત આપણને આપે છે. અટકવાનું નામ ન લેતા વરસાદમાં ભીંજાવાથી બચવા આંગળીઓના અંકોડા ભેરવીને છાપરી નીચે બેઠા રહીને પ્રતીક્ષા કરવા સિવાય બીજો કોઈ આરો રહેતો નથી. શબ્દોને ભૂલી જઈને મળ્યું એને મનભર માણી લેવાની આ મોસમ છે. વરસાદની ચાદરમાં સૃષ્ટિ એવી તો ઢંકાઈ ગઈ છે કે સૃષ્ટિ પોતે વરસતા જળની પાછળ વરસતી હોવાનો ભાસ થાય છે. અંધારા આભમાં કાળા વાદળની કોરેથી ચમકતી વીજળીની તલવારના ઝબકારામાં પરીકથાના એકદંડિયા મહેલ ઝગમગતા જણાય છે. અડાબીડ અંધારું સ્વાભાવિક ભય જન્માવે છે. સૂરજ આવા અંધારામાં ક્યાંક સંતાઈ ગયો છે એ જોઈને નાયકને બાળપણની સંતાકૂકડીની રમત અને ડોકિયું કરતાં ઝડપાઈ જાય એનો થપ્પો પાડી દેવાની વાત યાદ આવે છે. પણ આ વરસાદ કદાચ અટકશે જ નહીં અને સૂરજ કદાચ નીકળશે જ નહીં એવી આશંકા પણ મનમાં ઘર કરી ગઈ છે. અને આ બધા વરસાદની વચ્ચે બંને જણને જાણ હોવા છતાં કહેવી હતી પણ કહી ન શકાયેલી વાતનો વરસાદ પણ મનમાં વરસ્યે રાખે છે.

Comments (4)

ખાનગી વાત – ધ્રુવ ભટ્ટ

નામ સ્મરણ ને સ્તુતિકથા સહુ મારું લોલમલોલ છે લલ્લા
કારણ તરત જ હું કહેવાનો अब तू इनका मोल दे अल्ला

કોણ છું હું ને કોણ તું ક્યાંની શોધ બધીયે બંધ કરાવું
લે હું કદી દઉં નામ तिहारा तू भी मेरा बोल दे अल्ला

કલ્પ કલ્પથી આ શું માંડી સંતાકૂકડી જેવી ગમ્મત
આજ કહું છું ખૂલ જા સીમ સીમ अब दरवाजा खोल दे अल्ला

જાનીવાલીપીનારાને હવે રંગનો થાક ચડયો છે
નામ પડેલા રંગો લઈ बेरंग इश्क में घोल दे अल्ला

એથી આગળ શું કહેવાનું સમજદાર છે સમજી લેજે
ચાલ પરસ્પરને કહી દઈએ तुझ को मुझ में छोड दे अल्ला

– ધ્રુવ ભટ્ટ

હિંદી-ગુજરાતી મિશ્રભાષી આ રચનાને ગઝલ કહેવી કે ગઝલનુમા ગીત કહેવું એ જરા દોહ્યલું છે. ગઝલ ગણીએ તો મત્લામાં લલ્લા સાથે અલ્લાનો પ્રાસ બેસાડ્યો હોવાથી એને કાફિયા ગણવા પડે પણ આગળ જતાં બાકીના શેરોમાં અલ્લા રદીફનો એક ભાગ હોવાનું પ્રમાણિત થાય છે અને લોલમલોલ-મોલ-બોલ વગેરે કાફિયાની જગ્યા લે છે, પણ આખરી શેરમાં વળી છોડ વાપર્યું છે ત્યાં કાફિયાદોષ થયો ગણાય.

પણ બે ઘડી રચનાના સ્વરૂપને બાજુએ મૂકીને એને ફક્ત કવિતા તરીકે એને પ્રમાણીએ તો આખી રચના મસ્ત મજાની થઈ છે. પાંચેય શેર જાનદાર થયા છે અને વાંચતાવેંત સોંસરવા ઉતરી જાય છે. ફરી-ફરીને વાંચો તો વધુ ને વધુ ગમતા જાય એવા…

Comments (8)

ચાલને વાદળ થઈએ – ધ્રુવ ભટ્ટ

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે
આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતાં વાવણી મિષે

આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જવું એવડું વનેવન
નાગડા નાતાં છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ નાવાનું મન
હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું ગામને માથે સીમને માથે, ઉગમણે આથમણી દિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે

સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવા ફૂલ-ગુલાબી રંગની રેલમછેલ
આપણી મોજે આપણાં ચિત્તર કાઢીએ એવું આયખું મળે દેહની તૂટે જેલ
આપણામાંથી આપણે તો બસ નીકળી જાવું ઝરમરીને કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે

– ધ્રુવ ભટ્ટ

ફરજિયાત ગાતા-ગાતાં વાંચવું પડે એવું ગીત. ગદ્યાળુ પઠન કરવા જાવ તો ગીતની મીઠાશ મરી પરવારવાની ગેરંટી.

Comments (2)

(વાવ) – ધ્રુવ ભટ્ટ

ભોંયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ,
તળિયેથી મારામાં જાગતી થઈ છે એક વણજારે ગાળેલી વાવ

આંખમાં ઉજાગરા તો અવનીને હોય નથી સૂરજની રાત ક્યાંય થાતી
ચરણો તો કોક વાર થાકે રોકાય કાંઈ રોકી શકાય નહીં છાતી
અણજાણી વાટ ક્યાંક રણના મુકામ અને વગડાઓ બોલાવે આવ
રોમરોમ જાગતી થઈ છે એક વણજારે મારામાં ગાળેલી વાવ

મેં જ મને કોઈ દિવસ ભાળ્યો ન હોય એવી વાયકા સમાન મારું હોવું
મારામાં ક્યાંક એક આદમી વસે ને ક્યાંક રેતભરી આંધીનું ટોળું
વાદળ વરસે તો કહું વરસી પડો ને કોક માળો કરે તો કહું ગાવ
મારામાં રોમરોમ જાગતી થઈ છે કે એક વણજારે ગાળેલી વાવ

– ધ્રુવ ભટ્ટ

અલગારી રઝળપાટનું ગીત. જીવનમાં જેટલી શક્યતાઓ છે એ બધીને કોઈપણ સાધનસામગ્રી વિના નાણી લેવાની તૈયારી હોય તો છે…ક તળિયેથી વાવની મીઠાશ અને ભીનાશ જાગી ઊઠે છે. સૂરજ કદી આથમતો નથી ને શ્વાસની અનવરત આવ-જાના પ્રતાપે છાતીને કદી આરામ નથી એ વૈજ્ઞાનિક હકીકતો ગીતમાં કેવી રમણીયતાથી કવિએ વણી લીધી છે! બધા જ પ્રકારના તડકા-છાંયાનો સમાન સ્વીકાર હોય તો જ હોવું સાર્થક થાય. ક્યાંક આપણી અંદર શક્યતાઓ વસે છે તો ક્યાંક રણનું કોરાપણું. પણ જે જેમ આવે એને એમ આવવા દઈ-વાદળ વરસે તો ભીનાં થઈએ ને કોઈ ભીતર ઘર કરે તો ગમતાં ગીત ગાવા કહીએ ત્યારે જ રોમ-રોમ વાવની સાર્થકતાના દીવા પ્રગટે…

Comments (3)

મોજ – ધ્રુવ ભટ્ટ

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….

– ધ્રુવ ભટ્ટ

ફકીર પોતાની ફાકામસ્તીને મસ્ત મસ્ત રૂપકો આપીને ચીતરે છે….જે કંઈ ખજાનો છે તે ભીતરના વિશ્વમાં છે અને કવિની મસ્તી તેની જ છે. છેલ્લા ચરણમાં કાવ્ય સૂફી-ઉચ્ચતાને પૂગી જાય છે…..

Comments (7)

ગઝલ – ધ્રુવ ભટ્ટ

નિજના તમામ દોષને આગળ ધરી ગયા
એના ગુનાઓ એમ અમે છાવરી ગયા

લો દાઢ ગઈ, દંશ ગયા, દંશવું ગયું
ઉત્પાત બધા ઝેરની સાથે ઝરી ગયા

મારા પછીયે હું જ ઊભો છું કતારમાં
જાણ્યું કે તુર્ત દૃશ્યને દૃષ્ટિ ફરી ગયાં

માંડો હિસાબ કોઈ કસર રાખશું નહીં
આ જેટલું જીવ્યા તે બધુંયે મરી ગયા

ચાલી શક્યા ન એટલે અડધે નથી રહ્યા
રસ્તામાં કોઈ રોકવા આવ્યે રહી ગયા

હોવું અમારું વૃક્ષ સરળ એમ થઈ ગયું
પર્ણોની જેમ નામના અક્ષર ખરી ગયા

– ધ્રુવ ભટ્ટ

નવલકથા અને ગીતોનો કસબી ગઝલમાં પણ કેવું મજાનું કામ કરી લે છે !

Comments (7)

ગઝલ – ધ્રુવ ભટ્ટ

મને ઊંઘમાં યાદ આવે તે શું છે
કોઈ જાણે હું છું, કોઈ જાણે તું છે

આ નિદ્રાની રચના જગાડી છે કોણે
તને હું ના પૂછું મને તું ન પૂછે

ચીરી નાખું છાતી તો મારામાં હું છું
હવે ખાતરી દો તમારામાં તું છે

અમારા સમયની અમે રેખ આંકી
પછીનો સમય તે લિસોટાને લૂછે

જુઓ કાચમાંથી સર્યે જાય રેતી
કહો તે ‘હતી’ છે ‘હશે’ છે કે ‘છું’ છે

સંબંધોના એવા સ્તરે આવ યારા
મને કોણ પૂછે તને કોણ પૂછે

– ધ્રુવ ભટ્ટ

આજકાલ ‘અકૂપાર’ નાટક માટે જાણીતા થયેલા પણ મૂળે ‘સમુદ્રાન્તિકે’ (?) નવલકથા માટે જાણીતા થયેલા ધ્રુવ ભટ્ટના ગીત-ગઝલ એમની કથાઓની જેમ જ સામાન્યથી અલગ ચીલો ચાતરતા નજરે પડે છે. દરેક જણ પોતપોતાના સમયના આંકા કોતરીને પોતાના અમરત્વને દૃઢાવવા ઇચ્છતા હોય છે પણ કોણ જાણે છે કે તમે જે ઘડીએ સમયનો એક લિસોટો આંક્યો, એની બીજી જ ઘડીએ સમય એને લૂંછવા માટે કાર્યરત્ થઈ ચૂક્યો હોય છે…

Comments (4)