મહાસમુદ્રના પેટાળ મોટી વાત નથી,
છે આ તો આંસુનું ઊંડાણ, ઝંપલાવ નહીં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરમન હૅસ

હરમન હૅસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

પરમ સખા મૃત્યુ :૦૪: બધાં મરણ - હરમન હૅસ - અનુ.હરીન્દ્ર દવેપરમ સખા મૃત્યુ :૦૪: બધાં મરણ – હરમન હૅસ – અનુ.હરીન્દ્ર દવે

હું બધાં જ મરણ મરી ચૂક્યો છું
અને હું બધાં જ મરણ ફરીથી મરવાનો છું
વૃક્ષમાં હું લાકડાંનું મરણ મરીશ
પથ્થરનું મરણ મરીશ પથ્થરમાં
પૃથ્વીનું મરણ રેતીમાં
પાંદડાનું મરણ ખખડતા ગ્રીષ્મના ઘાસમાં
અને રંક લોહિયાળ મનુષ્યનું મૃત્યુ હું મરીશ.

હું ફરી પાછો જન્મીશ, ફૂલો
વૃક્ષ અને ઘાસ થઈને
માછલી અને હરણ, પંખી અને પતંગિયું
થઈને ફરી પાછો જન્મીશ.
અને પ્રત્યેક સ્વરૂપમાંથી
ઝૂરાપો મને ખેંચશે ઉપરના દાદરને રસ્તે
ઠેઠ અંતિમ યાતના લગી,
મનુષ્યોની યાતના લગી.

એકમેક તરફ વળવા માટે
જયારે ઝંખનાની આક્રમક મુઠ્ઠી
જીવનના બંને ધ્રુવ તરફ જોહુકમી બજાવતી હોય છે
ત્યારે તું થાય છે ધ્રુજતી તંગ પણછ.
તોપણ અનેકવાર, કેટલીયે વાર
તું મને મૃત્યુથી જન્મ લગી શિકારીની જેમ ખેંચી લાવશે,
સર્જનના યાતનાભર્યા રસ્તે, સર્જનના ભવ્ય પંથ પર.

 

હરમન હૅસ બુદ્ધત્વના રંગે રંગાયેલો જીવ હતો. તેણે લખેલું પુસ્તક ‘ સિદ્ધાર્થ ‘ વિશ્વપ્રસિદ્ધ છે. ઉપરોક્ત કાવ્યમાં પણ ભગવાન બુદ્ધના સંદેશની સ્પષ્ટ છાંટ વર્તાય છે.

મૃત્યુ વિષે વાતો ચાલે છે તો એક વાત નિખાલસતાથી કહેવાની ઈચ્છા છે- મને અંગત રીતે મૃત્યુનો અત્યંત ભય લાગે છે-મારાં પોતાના તેમ જ અંગત સ્વજનોના…. મૃત્યુને વધાવવાની,તેને પ્રેમ કરવાની,તેનાથી નિર્લેપ હોવાની….ઇત્યાદિ વાતો મારે માટે પોથીમાંનાં રીંગણાથી વિશેષ કંઈ જ નથી.

Comments (9)