જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
વેણીભાઈ પુરોહિત

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વીરુ પુરોહિત

વીરુ પુરોહિત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ઉદ્ધવ ગીત - વીરુ પુરોહિત
ઉદ્ધવ ગીત - વીરુ પુરોહિત
ઉદ્ધવગીત - વીરુ પુરોહિત
તિથિસાર ! - વીરુ પુરોહિત
પુનઃ ! - વીરુ પુરોહિતપુનઃ ! – વીરુ પુરોહિત

(મંદાક્રાંતા)

આશ્લેષી ત્યાં ફરી કર વિષે ફૂટતું અંકુરો શું,
ડોલી ઊઠે મઘમઘ થતાં ફૂલ જેવી હથેળી !
ભીની ભીની મૃદુ ફરકતી રોમાવલિ ઘાસ જેવી,
‘ને તેમાંથી હળુક સરતી સર્પ શી અંગુલીઓ !

કૂદે જાણે યુગલ સસલાં, એમ સ્પર્શે સ્તનો, ‘ને
શ્વાસે શ્વાસે મધુર શ્વસતો મોગરો કેશ ગૂંથ્યો !
ખુલ્લી પૂંઠે ક્રમિક પડતા ઉષ્ણ શ્વાસો અધીરા
જાણે કાળાં, નિબિડ વન વચ્ચે પ્રકાશે ન ભાનુ !

કંપી ઊઠ્યાં શગ સમ સખી ! ઓષ્ઠ પે ઓષ્ઠ મૂકી,
આંદોલે તું અવિરત ધરા પાદ નીચે ! અચિંતા-
ઝીણી ચૂંટી કર મહીં ખણી, આંખમાં આંખ પ્રોવી
‘ને તેં શ્યામા, મધુર હસતાં હોલવી રાત કેવી !

કંપી ઊઠ્યો હળુક લહરે, હાર તારી છબીનો,
તૂટ્યાં સ્વપ્ને, સજળ નયને, હું નિહાળું છબીને !

– વીરુ પુરોહિત

“આશ્લેષી” ક્રિયાની આગળ ‘તને’ અધ્યાહાર રાખીને કવિ શબ્દવ્યવહારમાં તો કરકસર ઇંગિત કરે છે પણ પ્રણયવ્યવહારમાં રતિરાગપ્રચુરતા અપનાવે છે. પ્રિયાના આશ્લેષમાં હાથ ફૂલ સમ મઘમઘ ખીલી ઊઠે એ તો સાહજિક કલ્પન છે પણ ત્વચા પર આંગળીઓ ફરતાં થતા રોમાંચને ઘાસમાં હળવેથી સરકતા સાપ સાથે સરખાવીને કવિ કમાલનું અનુઠું ચિત્ર ઊભું કરે છે. પ્રણયકેલિનું પ્રગલ્ભ ચિત્ર કવિ સમ-ભોગની પરાકાષ્ઠા સુધી એકદમ સાહજિકતાથી પૂર્ણ કરે છે. સંભોગશૃંગારનું એક ઉત્તમ મોતી આપણને હાથ લાગ્યું હોવાની ઉત્તેજના ચરમસીમા પર હોય એ જ ઘડીએ આખરી બે પંક્તિમાં કવિ સૉનેટને કરૂણાંતિકા બનાવી દે છે. મૃત્યુ પામેલી પત્નીની છબી પરના હારને પવનમાં હળવેથી હલતો જોતા હોવાની વાસ્તવિક્તા તૂટેલાં સ્વપ્નોની કરચથી આંખ છલકાવી દે છે – આપણી પણ !

Comments (4)

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!

અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો;
લિપિબદ્ધ એ વિઅરહવ્યથાઓ જઈ શ્યામને દેજો !
ઉદ્ધવ ! એને કહેજો : પૂનમને અજવાળે વાંચે;
તો ય કદાચિત દાઝી જાશે આંખ, અક્ષરી આંચે !

ઊનાં ધગધગતા નિશ્વાસો નથી આપતાં સાથે !
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !

લો, આ મોરમુકુટ, વાંસળી, વૈજ્યંતીની માળા;
કદમ્બની આ ડાળ, વસન રાધાનાં અતિ રૂપાળાં !
સ્મૃતિચિહ્ન સઘળાં એકાંતે જ્યારે શ્યામ નીરખશે;
ત્યારે વ્રજને સંભારીને ધ્રૂસકે ધ્રૂસકે રડશે !

કહેજો કે આ યમુના તટની ધૂળ ચઢાવે માથે !

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!

– વીરુ પુરોહિત

અતિથિ દેવો ભવના આપણા સંસ્કાર વારસાને ગોપીઓ કેવી ચતુરાઈપૂર્વક પ્રયોજે છે તે જુઓ. કૃષ્ણનો સંદેશો લઈને મથુરા આવેલ ઉદ્ધવને અતિથિ ખાલી હાથે પાછો ન જઈ શકે એ સંસ્કાર આગળ કરીને ગોપીઓ પોતાને સહુને સાથે લઈ જવાની સોગઠી ફેંકે છે એ વાત રજૂ કરીને કવિ કેવું મજાનું ગીત આપણને આપે છે !

Comments (6)

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

પગદંડી આ રઘવાઈ જે જઈ રહી મધુવનમાં;
એને છેડે ગોકુળ આખ્ખું પહોંચી જાતું ક્ષણમાં !
રાત આખીયે બધી ગોપીઓ જમુનાકાંઠે ગાળે;
શું, ઉદ્ધવજી ! માધવ કદીયે ગોકુળ સામું ભાળે ?

મથુરાની ગત મથુરા જાણે;
અમે જાણીએ, અહીં પ્રેમનું મચી જતું રમખાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

દૈવ અમારું ગયું રૂઠી, ના કશો કીધો અપરાધ;
તમે મેળવ્યું મધુ, અમારે હિસ્સે છે મધમાખ !
જીવતર લાગે હવે દોહ્યલું, આયુષ લ્યો વાઢીને;
ઉદ્ધવજી ! લઈ જાઓ, દઈએ સહુના જીવ કાઢીને !

તરશું કેવી રીતે, ઉદ્ધવ ?
ડૂબી ગયાં છે દરિયા વચ્ચે સહુનાં સઘળાં વ્હાણ !

ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?

– વીરુ પુરોહિત

ગુજરાતી ગીતોની ફૂલછાબમાં વીરુ પુરોહિત ઉદ્ધવ ગીતોના સાવ નોખી તરેહના પુષ્પો લઈને આવ્યા છે. એમાંનું વધુ એક પુષ્પ આજે આપ સહુ માટે. ‘ઘાયલ કી ગત ઘાયલ જાણે’ની મીરાંબાઈની વ્યથા ગોપીઓની વિરહવેદના સાથે એકરસ થઈ ગઈ છે જાણે. ગીતના લયને વખાણવો કે સરળ શબ્દોમાં રજૂ થતા ઊંડાણને કે બખૂબી ઉપસી આવતા વિપ્રલંભ-શૃંગારને એ કહેવું દોહ્યલું છે.

Comments (3)

ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?
ક્યાંય નથી સંભળાતો હંભારવ ગોકુળમાં આજે,
રોજ પ્રભાતે મધુવનમાં ફૂલ ખીલતાં પ્હેલાં લાજે !
તરડાતા કોયલ-ટહુકાને કોણ સાંધશે, ઉદ્ધવ ?
રાસ ફરી રમવાનું, કહેજો ઈજન પાઠવે માધવ !
ક્રંદન કરતી રાધા ભાળી થાય : શ્યામને શાપું !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !

થાય વલોણું ડૂમાતું’ને નથી ઊતરતું માખણ,
પરત કરો, ઉદ્ધવજી ! મારી સોળવેલી એ થાપણ !
નંદ-જશોદાનું મુખ જોવું, નથી અમારું ગજું,
સમ છે તમને, જોયું તેવું નખશીખ કરજો રજૂ !
કરું ન અળગો, માધવ આવ્યે, છાતી સરસો ચાંપુ !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?

– વીરુ પુરોહિત

કૃષ્ણ ગોકુળ છોડી ગયા એ પછીના વિરહમાં આપણે ત્યાં મોટાભાગની ભાષાઓમાં ઢગલાબંધ વિરહગીતો અને ઠપકાગીતો રચાયા છે. વીરુ પુરોહિતનું આ ગીત આ ખજાનામાં માત્ર ઉમેરો નથી કરતું, આગવી શોભા પણ બક્ષે છે. કૃષ્ણ વિના યમુનાકિનારાનું ગોકુળ નિર્જન ટાપુ જેવું કેમ લાગે છે એના લાખ કારણો આપવા ગોપી તૈયાર છે. રાધાનું ક્રંદન જોઈ એ કાન્હાને શાપ પણ આપવા તૈયાર છે.

Comments (8)

તિથિસાર ! – વીરુ પુરોહિત

પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !
ત્રીજે મારે બીલીપત્ર પર ચહેરો ચીતરી નાખ્યો જી !

ચોથે ચમકી વીજળી, પાંચમ ‘પિયુ પિયુ’ પોકાર જી ,
છઠ્ઠે મારું ભીતર તું ભીંજવતી અનરાધાર જી !

મેઘધનુષ્યની પણછ તૂટીને સાતમ રંગફુહાર જી,
આઠમ કળી કમળની, તારા શરીરનો શણગાર જી !

નવમીનો ક્ષય, તડકો નીકળ્યો, અમને ફૂટી પાંખો જી;
પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !

તોરણ બાંધી દશે દ્વાર પર અમને લખિયો કાગળ જી !
“અગિયારસના શુભ અવસર પર તમે વધેરો શ્રીફળ જી !”

બારસ ખુલ્લા બાજુબંધ ને તેરસ ભીડી ભોગળ જી !
ચૌદ ભુવનની તું મહારાણી, ચરણ ચાંપતાં વાદળ જી !

પૂનમનો તેં ભરી વાડકો, મને કહ્યું કે ‘ચાખો જી !’
પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !

– વીરુ પુરોહિત

તમામ ગુજરાતી તિથિઓને કળાત્મકરીતે સાંકળી લેતું આવું સરસ મસ્તીસભર પ્રણયગીત આ પૂર્વે કદી વાંચ્યાનું સ્મરણ છે ?

Comments (7)