મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વર્જેશ સોલંકી

વર્જેશ સોલંકી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આપણા ખીસાના પાકીટમાં (મરાઠી) – વર્જેશ સોલંકી (અનુ. અરુણા જાડેજા)

આપણા ખીસાના પાકીટમાં શું હોય
જેમ કે:
પૂરો થવા આવેલો રેલવેપાસ
કામનાં અને નકામાં વિઝિટિંગ કાર્ડસ. રેવન્યૂ સ્ટેમ્પ્સ
રબર બેન્ડ્સ
બેંકનો હપ્તો ભર્યાની રસીદ
સાંઈબાબાના કવરેજવાળું ચાલુ વર્ષનું નાનકડું કેલેંડર
કાલાતીત થયેલો પાંચ પૈસાનો સિક્કો
બસ ટિકિટ અને એની પાછળ ઉતાવળે લખી લીધેલો દોસ્તનો
ફોન નંબર અને ઇ-મેઈલ એડ્રેસ
બાએ આસ્થાથી રખાવડાવેલી ભભૂતીની પડીકી
લોકલની ગિરદીમાંય સૂઝી આવેલી કવિતાની કેટલીક ચબરખીઓ
કોલેજના જમાનાનો ડાચાં બેસી ગયેલો પોતાનો
પીળો પડી ગયેલો ફોટો
અને પાકીટના એક ખૂણામાં ચૂપચાપ પડી રહેલું
કુદરત સાથે ઉન્નીસ-બીસ કરતું વિતાવેલું સડકછાપ આયખું
નવા-કોરા શર્ટ પર પડેલા દાળના ડાઘ સરખું.

-વર્જેશ સોલંકી
અનુ. અરુણા જાડેજા

જન્મે ગુજરાતી પણ કર્મે મરાઠી એવા મુંબઈના વર્જેશ સોલંકી ખીસાના પાકીટનો અસબાબ કાઢતા જઈને જાણે જિંદગીનો જાયજો લઈ રહ્યા છે. જીવનના પાકીટમાં આપણે કામનો અને નકામો કેટકેટલો કચરો ભરી રાખીએ છીએ. પૂરી થવા આવેલી વસ્તુઓ પણ ફેંકાતી નથી. કામ લાગી શકે એ આશામાં સંઘરેલી વસ્તુઓ કદી કામમાં આવતી નથી પણ એનો મોહ છૂટતો નથી. ચલણમાંથી નીકળી ગઈ હોય એવી યાદ કે સંબંધ પણ ફેંકી દઈ શકાતા નથી. ભભૂતીની પડીકી જેવા વડીલોએ વારસામાં આપેલા રિવાજોથી પણ ક્યાં મુક્તિ મળી જ શકે છે? આપણા સગપણ બસ ટિકિટની પાછળ ઉતાવળથી લખી દેવા પડતા ફોન નંબર કે ઇ-મેઈલ આઈ.ડી. જેવા બની ગયા છે જે કદાચ લેનાર અને દેનાર બંનેને ખબર જ છે કે ‘એક્સેસ’ કરી શકાવાના નથી કેમકે જો કરી શકાવાના હોત તો ઉતાવળમાં ટિકિટ પાછળ લખાયા ન જ હોત. પણ લોકલની ગિરદી જેવી દુનિયાની વચ્ચેય આપણે ક્યારેક તો કવિતાની જેમ આપણી જાત સાથેનો સંપર્ક સાધી જ લેતા હોઈએ છીએ. ક્યારેક આપણું વ્યક્તિત્વ પીળું પડી જતું હોય છે અને આપણને અહેસાસ થાય છે કે આ ખી જિંદગી આપ અને આપણા સાથે ઓગણીસ-વીસના સમાધાન કરવામાં જ ચૂપચાપ એવી રીતે વીતી ગઈ જાણે એક નવાનક્કોર અને અક્ષુણ્ણ બુશશર્ટ પર પડી ગયેલ દાળનો ડાઘ ન હોય ! એ પૂરો સાફેય કરી શકાતો નથી અને શર્ટ પણ નવો ને કોરો નથી રહી શક્તો…

Comments (15)