સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અમિત વ્યાસ

અમિત વ્યાસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આપણું સન્ધાન - અમિત વ્યાસ
ઊછરતું બીજ - અમિત વ્યાસ
કપાસમાં - અમિત વ્યાસ
ગઝલ - અમિત વ્યાસગઝલ – અમિત વ્યાસ

કોણ ધીમા અવાજે બોલે છે ?
કોણ આ રાતને ડ્હોળે છે ?

એ તરફનો નથી પવન,તો પછી;
તું એ બારી શું કામ ખોલે છે !

ખળભળી જાય કેટલાં વિશ્વો;
ત્યારે તરણું જરાક કોળે છે !

એ રીતે ફરફરે છે, ડાળ ઉપર;
પર્ણ : જાણે હવાને તોળે છે !

કોઈ માથે ચડાવે છે જળને;
કોઈ પાણીમાં પગ ઝબોળે છે !

Comments (11)

ઊછરતું બીજ – અમિત વ્યાસ

એક છે દોરો, બીજું તાવીજ છે;
આ બધી પીડા હવે શું ચીજ છે ?

એ અલગ છે, કે મને રસ ના પડે;
તું કરે છે વાત, તે સારી જ છે !

કઈ ક્ષણે પ્રગટી રહે, કોને ખબર ?
ગર્ભમાં આજે ઊછરતું બીજ છે !

આ સભા તરબોળ છે આલાપમાં;
રાગનો જાદુ હજી બાકી જ છે !

સાવ પથ્થર થઈ ગયેલા શ્હેરમાં;
એક તું સુણે ગઝલ, કાફી જ છે !

ફૂલની ખુશબૂમાં ખોવાઈ ન જા;
તો અહીંની કેડીઓ સીધી જ છે !

-અમિત વ્યાસ

આખી ગઝલમાં એકેય શેર લખ્યા જ ન હોત અને માત્ર ‘આ સભા તરબોળ છે આલાપમાં, રાગનો જાદુ હજી બાકી જ છે‘ – આ એક જ શેર લખ્યો હોત તોય આ ગઝલને સોમાંથી સો માર્ક્સ આપી શકાયા હોત. જીવનનું કોઈપણ પરિમાણ તમે નજર સામે મૂકો અને પછી આ શેર લલકારો, વાત સાચી જ લાગશે. આપણે સૌ આંગણાની શોભામાં જ પડી રહીએ છીએ, અંદરનું ઘર દીપાવવાનો તો વિચાર જ ક્યાં કરીએ છીએ. રસ્તાની પળોજણમાં જ અટવાઈ રહીએ છીએ, મંઝિલ સામે મીટ પણ માંડી શક્તા નથી…

Comments (15)

કપાસમાં – અમિત વ્યાસ

તારા વિશે જે નીકળ્યાં ઊંડી તપાસમાં;
તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં !

સાંઈ ! તમે જ કંઈક કહો તાંતણા વિશે;
લોકો તો ગૂંચવાઈ ગયા છે, કપાસમાં !

જ્યારે સ્વયમના તેજથી અંધાર ઓગળે;
ત્યારે ફરક રહે નહીં પૂનમ-અમાસમાં !

તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના;
એનોય હાથ હોય છે તારા વિકાસમાં !

ઝોલે ચડી છે રાજકુમારીની વારતા;
ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં !

સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !

– અમિત વ્યાસ

ગઝલના બધા જ શેર સુંદર થયા છે પણ મને તો દાદીમાની રાજકુમારીની વારતા વધુ ગમી ગઈ. દાદા-દાદી ભલેને ઘરના એક ગોખલામાં મૂકાઈ ગયેલા દીવા જેવા થઈ ગયા હોય, ઉજાસ આપતા રહેવાનું ભૂલતા કે છોડતા નથી. ઉંમર ઝોલે ચડી હોય એમ ભલે ડગુમગુ થતી હોય પરંતુ પોત્ર-પૌત્રી માટે રાજકુમારીની વારતાઓનું અજવાળું પાથરવાનું છોડતી નથી. અને ગઝલનો આખરી શેર ઉચ્ચ કક્ષાનો મનનીય શેર બન્યો છે. શબ્દને વેડફવાને બદલે એની સાચી શક્તિ જો પામી શકાય તો જીવનનો સાચો અર્થ સરે. શબ્દનું સત પમાય તો સંત થવાય.

Comments (11)

આપણું સન્ધાન – અમિત વ્યાસ

તું અમસ્તી વાતમાં વ્યાકુળ છે;
આપણું સન્ધાન ચપટી ધૂળ છે !

હોય માનવતા જો તારું ગોત્ર તો;
આ જગત આખ્ખુંય તારું કુળ છે !

કોઈ પણ ઓળખ ન એની થઈ શકી;
સર્વ વ્યાપક છે અને સંકુલ છે !

અન્ય માટે છે એ કેવળ વસ્ત્ર પણ;
તું પહેરે એટલે પટકુળ છે !

ધીમે-ધીમે એ સ્વયં વિકસી જશે;
એટલાં ઊંડાં તો એનાં મૂળ છે !

સ્થાનનો મહિમા જ અંતે સાંપડ્યો;
કૈં નથી ને તોય ત્યાં ગોકુળ છે !

– અમિત વ્યાસ

Comments (15)