ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કિશોર મોદી

કિશોર મોદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




દિલથી મઝા પડી. – કિશોર મોદી

વાત એટલી હમેશની મળી,
હાલમાં કંઈ નવીનતા નથી.

ઢાઈ અક્ષરથી ભીંત ચીતરી,
લાગણી સમયની ઝગી ઊઠી.

ક્યાં સુધી ‘હું પદ’ને ચગાવશું?
દોરી જીવનની હાથમાં નથી.

પાણી શું વહી જવાનું હોય છે,
શીખ એવી અમનેય સાંપડી.

એટલી સૂઝ અહીં પડી ગઈ,
આખરે જગતમાં કશું નથી.

ઘંટડી સતતતાની સાંભળી,
ને કિશોર દિલથી મઝા પડી.

– કિશોર મોદી

અમેરિકામાં રહીને પણ દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરતને પોતાના લોહીમાં સતત દોડતું રાખનાર શ્રી કિશોર મોદી આ વખતે લયસ્તરોના આંગણે “વૃત્ત ગઝલો”નો સંગ્રહ, “નામ મારું ટહુકાતું જાય છે” લઈને આવ્યા છે. કવિશ્રીનું સહૃદય સ્વાગત અને મબલખ સ્નેહકામનાઓ…

ગઝલ માટે વપરાતા ફારસી છંદોની જગ્યાએ આપણી કાવ્યપ્રણાલિની ધરોહર સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી આ ગઝલો પઠનના સાવ અલગ પડતા કાકુ અને કવિની આગવી બાનીના લીધે કંઈક અલગ જ છાપ છોડી જાય છે.   બધા જ શેર સરસ થયા છે પણ જીવન ક્ષણભંગુર છે, એની દોરી જ આપણા હાથમાં નથી ને કોણ, ક્યારે કાપી જશે એનો લેશભર પણ અંદેશો નથી એ જાણવા છતાં આપણે આપણા અહમ્ ને છોડી શકતા નથીની વાત ઘૂંટતો શેર હાંસિલે-ગઝલ થયો છે.

Comments (3)

નખે કંઇ બોલતો (હુરતી ગઝલ) -કિશોર મોદી

kishor-modi-hand-written-poem2.jpg

(કિશોરભાઈની એક અક્ષુણ્ણ કૃતિ એમનાં હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)

હીરા તળકામાં નખે કંઇ બોલતો,
હાવ વાખામાં નખે કંઇ બોલતો.

હરાદમાં બામણને હઉં બોલાવહે,
તોય ફરિયામાં નખે કંઇ બોલતો.

ભૂતભૂવાની વચે રે’વાનું છે,
ગામ ચોરામાં નખે કંઇ બોલતો.

અંઈ અટકળી ખાઈ ઓંચાઈ ગિયા,
જાત પળખામાં નખે કંઇ બોલતો.

છે જીવન કિસોર તરગાળા હમું,
એ ભવાળામાં નખે કંઇ બોલતો.

– કિશોર મોદી

(હુરતી શબ્દોનાં શુદ્ધ શબ્દો… : હીરા તળકામાં = છાયા તડકામાં; નખે = નહીં; હાવ = સાવ; વાખામાં = ભૂખમરાના સંકટમાં; હરાદ = શ્રાધ્ધ; બામણને = બ્રાહ્મણને; હઉં = સૌ; બોલાવહે = બોલાવશે; રે’વાનું = રહેવાનું; અંઈ = અહીં; અટકળી = હેડકી; ઓંચાઈ ગિયા = ધરાઈ ગયા; પળખામાં = પડખામાં; કિસોર = કિશોર; તરગાળા = ભવાયાની એક જાતિ; હમું = સમું; ભવાળામાં = ભવાડામાં, ભવાઈમાં)

*

વર્જિનિયામાં રે’તા ને અવે રિટાયર થેઈ ગેયલા કિશોરભાઈ ખાલી કવિતા ને ગઝલ જ નથી લખતા, પણ હાથે હાથે આપણા જેવાની જનમકુંડળી હો બનાવે છે હોં… અરે બાબા, ઉં એકદમ હાચ્ચું કઉં છું, એ તો જ્યોતિસી હો છે… ને પાછું હાંભળ્યું છે કે બો હારા બી છે. અઈંયા આગળ મૂકેલી એમની એક હુરતી કવિતા તો તમે વાંચલી જ અહે ને?!! અરે પેલી… એ વીહલા વાળી. કંઈ નીં, પેલ્લા નીં વાંચી ઓય તો અવે તો ચોક્કસ વાંચી લેજો હં કે… એકદમ જક્કાસ કવિતા છે હારી એ બી! આ હુરતી ગઝલમાં બી ‘નખે કંઇ બોલતો’ બોલી બોલીને કેટલું બધું આપળાને બોલી ગ્યા છે, નીં ?!!

-ઊર્મિ

Comments (10)

વીહલા, રોજ હાંજે સુંદરકાંડ વાંચીવાંચીને – કિશોર મોદી

024_24
(મોરારીબાપુ…..    ….અસ્મિતાપર્વ, મહુવા, ભાવનગર, ૧૯-૦૪-૨૦૦૮)

.

વીહલા, રોજ હાંજે સુંદરકાંડ વાંચીવાંચીને
થાકી ગિયા.
પેલા મોરારીબાપા કેવટનો પરસંગ મલાવી મલાવીને કે’ છે.
પણ આપળી હમજણને એવો લૂણો લાગી ગેયલો
છે ને… મગજમાં મારું બેટું કંઈ ઊતરતું નથી.

એ તો વળી એમ પણ કે’ છે કે
અમે તો વરહોવરહ વાહણને કલ્લઈ કરવાવાળા છીએ
પણ એલીમીનના વાહણને કંઈ કલ્લઈ થતી ઓહે,
વીહલા ?

– કિશોર મોદી

વરસોથી અમેરિકા રહેતા કિશોર મોદીના લોહીમાંથી સચીન (સુરત) નજીક આવેલા એમના ગામ કનસાડનો કણસાટ ઓગળ્યો નથી. એમના તાજા ‘એઈ વીહલા !’ કાવ્યસંગ્રહમાં અડધોઅડધ કાવ્ય સુરતી ભાષામાં (સૉરી, હુરતી ભાહામાં !) છે. આટલી વિપુલ માત્રામાં સુરતી કાવ્યોનો થયેલો આ કદાચ પહેલો સંચય હશે ! કવિતાના શબ્દે-શબ્દમાં પહેલા વરસાદના સંવનને ઘરતીમાંથી સોડમ ઊઠે એમ ઊઠતી ગામડાંની તળપદી મહેંક સૂંઘી શકાય છે.

કાલ્પનિક મિત્ર વીહલાને સંબોધીને કવિ આપણને સુંદરકાંડનો સંદર્ભ આપી રામાયણમાં પાત્રપ્રવેશ કરાવે છે. નાવિક કેવટનો પ્રસંગ તો યાદ હશે જ. રામને જ્યારે સરયૂ નદી પાર કરવાનો વખત આવે છે ત્યારે કેવટ પગ ધોવાની જીદ કરે છે. રામ પગ ધોવા દેવાના મતના નથી પણ કેવટ મક્કમ છે. તમારા ચરણસ્પર્શથી તો શીલા પણ સ્ત્રી (અહલ્યા) બની ગઈ હતી. મારી નાવડી જો સ્ત્રી બની જાય તો એક તો મારી આજીવિકા જાય, ઉપરથી મારે એનું ભરણપોષણ કરવાનું આવે. રામના સ્પર્શથી જડ પણ ચેતન બની જાય એ સંદર્ભ લઈને કવિ એક પ્રસંગમાંથી કાવ્યનું સર્જન કરવાનું કવિકર્મ આદરે છે.

મોરારીબાપુની કોઈક કથામાં સાંભળ્યા પ્રમાણે કવિ રોજ રામાયણનું પઠન કરી જાત મઠારવાની મથામણ કરે છે પણ લૂણો લાગી ગયેલ સમજણમાં કંઈ ઉતરતું નથી. મોરારીબાપુએ કદાચ વારંવાર કથા સાંભળવાનું અને રોજેરોજ રામાયણ વાંચવાનું માહાત્મ્ય સમજાવતા કહ્યું હશે કે આ તો દર વરસે પિત્તળના વાસણને જેમ કલાઈ કરીને આપણે ચમકાવીએ છીએ એવું કામ છે. પણ માત્ર મિત્રની સમક્ષ જ હૈયું ખોલીને જે નબળાઈ છતી કરી શકાય એ છતી કરતાં કવિ નિઃસાસો નાંખી કહે છે કે વાસણ પિત્તળનું હોય તો એને ચમકાવી શકાય, ઊજાળી શકાય પણ આપણી તો કાઠી જ મૂળે એલ્યુમિનિયમની છે. એને કેમ કરીને કલાઈ કરવી?

Comments (14)