સ્થૂળ રૂપે સાંપડે સમશાનમાં,
જે ચિતા હરદમ બળે મારી ભીતર.
દત્તાત્રય ભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નગીન મોદી

નગીન મોદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગુણગાન - નગીન મોદી
પ્રેમ - નગીન મોદીગુણગાન – નગીન મોદી

મડદાંના ઢગ પર બેસી
નીરો ફીડલ વગાડતો હતો
તેમ, તારો વધ કરી, તારા લાકડાના
માવામાંથી બનાવેલા કાગળ પર
હું કવિ, તારા ગુણગાન ગાઉં છું !

-નગીન મોદી

આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે શ્રી નગીન મોદીની વધુ એક વૃક્ષ-કવિતા. કવિપણાના કોઈપણ ભાર વિના લખાયેલી આ કવિતા જેટલી ટૂંકી છે એટલી જ વેધક પણ છે. રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો એ ઐતિહાસિક ઘટનાને નિરંકુશ થતા વૃક્ષછેદન સાથે સાંકળી કવિ સરસ ચોટ સર્જે છે…

Comments (12)

પ્રેમ – નગીન મોદી

મારો પહેલો પ્રેમ
વૃક્ષ
ને બીજો પ્રેમ
પુસ્તક
પણ કઠિનાઈ એવી કે
એક વૃક્ષ છેદાય ત્યારે
એક પુસ્તક પેદા થાય
ભલા, કોને ચહું
ને
કોને મૂકું.

-નગીન મોદી

સાવ નાનું અમથું આ અછાંદસ કદાચ એમાં વ્યક્ત થયેલા ઉદાત્ત ભાવના કારણે વાંચતાની સાથે જ સોંસરવું ઊતરી ગયું. સુરતના ડૉ. નગીન મોદી જાણીતા વિજ્ઞાન લેખક અને પર્યાવરણશાસ્ત્રી પણ ખરા. સરળ ભાષામાં એમણે બાળકો માટે જે વિજ્ઞાનકથાઓ, પ્રયોગ-પુસ્તિકાઓ અને પર્યાવરણને લગતી ઢગલાબંધ પુસ્તિકાઓ લખી છે એ માટે ગુજરાતી સાહિત્ય એમનું સદૈવ ઋણી રહેશે કેમકે કવિતા-નવલકથાઓ લખનારા તો હજારો મળી રહેશે.. એમના સેંકડો પુસ્તકોમાં પૃથ્વી અને પર્યાવરણ માટેનો એમનો પ્રેમ ઉનાળામાં મબલખ મહોરતા ગરમાળાની જેમ ઊડીને આંખે વળગે એવો છે. આ નાનકડું કાવ્ય એમના ‘તરુરાગ’ કાવ્યસંગ્રહમાંથી લીધું છે. આ આખા સંગ્રહમાં ફક્ત વૃક્ષ વિશેની કવિતાઓ જ છે…

(લયસ્તરોને તરુરાગ ભેટ આપવા બદલ નગીનકાકાનો આભાર… )

Comments (9)