તમે સામે જ બેઠાં, રાખ્યું મારું માન આહાહા,
હું શું બોલું ? મને લાગી ગયું છે ધ્યાન આહાહા !
કિરણસિંહ ચૌહાણ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુન્દરમ્-સુધા

સુન્દરમ્-સુધા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સુન્દરમ્-સુધા : બુંદ-૦૮ : ભવ્ય સતાર – સુન્દરમ્

Sundaram

અહોહો ઝનઝન ભવ્ય સતાર !
રણઝણે તાર તાર પર તાર !

અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તેં છેડ્યો કામોદ.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

– સુન્દરમ્

કવિશ્રી સુન્દરમ્ ની જન્મ-શતાબ્દી નિમિત્તે આદરેલી સુન્દરમ્-સુધા શ્રેણીનું આજે એક બોનસપોસ્ટ આપીને સમાપન કરીએ. શૃંખલાની પ્રથમ કડી ઈશ્વરાસ્થાસભર હતી, એ જ અન્વયે અંતિમ કડીમાં પણ પ્રભુ સાથે તાદાત્મ્ય સાધવાની કોશિશ કરીએ…

ગાતાંની સાથે ગમી જાય એવું આ ગીત… (ગાતાંવેંત, વાંચતાવેંત નહીં કેમકે આ અદભુત લયબદ્ધ ગીત વાંચવું તો અશક્ય જ લાગે છે!) કવિ સૃષ્ટિમાંથી નીકળીને સમષ્ટિ તરફ વળે છે. અહીં બ્રહ્માંડની સિતાર રેલાઈ રહી છે. જેમ આ સિતાર જેવી-તેવી નથી એમ એમાંથી નીકળતાં સૂર પણ જેવા-તેવા નથી. સિતારમાં તાર-વ્યવસ્થા અન્ય વાજિંત્રોથી થોડી અલગ પ્રકારની હોય છે. ઉપરની તરફ મુખ્ય સાત તાર અને નીચેની બાજુએ તરપના તેર અન્ય તાર… તાર તાર પર તાર કહેવા પાછળ કવિનો આ વ્યવસ્થા તરફ ઈશારો હશે કે પછી તારના રણઝણવાનો નાદધ્વનિ શબ્દ પુનરોક્તિ દ્વારા ત્રેવડાવવા માંગતા હશે? સપ્તતેજના તંતુમાં ફરી એકવાર સિતારની તાર વ્યવસ્થા ઉપસતી નજરે ચડે છે… બાકી ગીત એવું સહજ છે કે એને માણવા માટે ભાવકને અન્ય કોઈ માધ્યમની જરૂર નથી…

(કામોદ=એક રાગ; ક્ષીર=દૂધ; મરાળ=હંસ; પતીજ=વિશ્વાસ; ભૂપ=રાજા; ભૂપ કલ્યાણ= કલ્યાણ રાગ; આસા=એક રાગિણી)

Comments (5)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૭ : નમું તને, પથ્થરને? – સુંદરમ્

Sundaram

નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું :
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી.

કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરી ઝરી.
તું માનવીના મનમાં વસ્યો અને
તનેય આ માનવ માનવે કર્યો;

મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું.
તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઇ ત્યાં, બધે જ તું.

તને નમું, પથ્થરનેય હું નમું,
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.

– સુંદરમ્
(27, જુલાઇ 1939)

Comments (3)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૬ : ગાંધી – સુન્દરમ

Sundaram

પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને,
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળ તણા,
રચ્યાં ત્યાં ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.

ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધી રૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ,
વહેતી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન કરવા વાચ પ્રગટી :

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.

પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !

-‘સુન્દરમ્’

દશાવતારની કથાઓ વાંચતા હોઈએ અને એમાં જે રીતે પૃથ્વી પર કોઈના પાપનો ઘડો ભરાઈ જાય પછી વિષ્ણુ અવતાર લઈને પૃથ્વી પર એનો નાશ કરવા પધારે એજ શૈલીમાં કવિએ અહીં ગાંધીકથા આલેખી છે. નિર્બળ લોકોનો મદભર્યા લોકો શિકાર ખેલતા હોય, જલિયાવાલાં જેવા સભાગૃહો લોકોના શોણિતથી રંગાતા હોય અને પૃથ્વી ત્રાસી જાય ત્યારે એનું રુદન લોહવા જાણે ગાંધી પ્રગટ થયા.

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી“- આ બે પંક્તિઓ જાણે કે આ યુગની વેદવાણી છે પણ કેટલાએ જાણી છે ?!

(પ્રગલ્ભા=પ્રૌઢા, નિર્ભય)

Comments (7)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૫ : મને ફાગણનું એક ફૂલ આપો… -સુન્દરમ્

s2.jpg

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
                  કેસૂડો કામણગારો જી લોલ.

વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
        એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
             મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
                    કેસૂડો કામણગારો જી લોલ.

ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
        જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
                 મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
                    કેસૂડો કામણગારો જી લોલ.

રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
            સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
               તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
                    કેસૂડો કામણગારો જી લોલ.

-સુન્દરમ્

Comments (4)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૪ : ઘણ ઉઠાવ – સુન્દરમ્

Sundaram

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.

ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !

અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.

.                          તોડીફોડી પુરાણું,
.                        તાવી તાવી તૂટેલું.

ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

– સુન્દરમ્

જૂની વાસી વિચારસરણીને તોડીને નવસર્જન તરફ આગળ વધવા હાકલ કરતું એ જમાનામાં બહુ જ પ્રખ્યાત થયેલું ગીત. ‘ઘણ’ પ્રતિકની પસંદગી કવિ પર સમાજવાદી વિચારસરણીની અસર બતાવે છે. ગીતનો લય એટલો બુંલદ છે કે વાંચકને પોતાની સાથે તરત જ ખેંચી લે છે.

Comments (4)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૩ : ઢૂંઢ ઢૂંઢ – સુન્દરમ્

Sundaram

ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં,
રો રો કર મોરી થક ગઈ મતિયાં.
.                           ઢૂંઢ ઢૂંઢ તોહે…

બનબન ઢૂંઢત બની બાવરી,
તુમરી સૂરત પિયા કિતની સાંવરી,
કલ ન પડત કહીં ઔર ઔર મોહે,
.                           ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.

દરસ દિયો પિયા! તરસત નૈના,
તુમ બિન ઔર કહીં નહીં ચૈના,
દિન ભયે રૈન, રૈન ભઈ દિના,
.                           ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.

– સુન્દરમ્

મીરાં-ભાવે મીઠી બ્રજબાનીમાં સુન્દરમે ઘણા પદ લખ્યા છે. કવિએ પોતાનું મોટા ભાગનું જીવન પરમ-તત્વની ઉપાસનામાં અર્પણ કરી દીધેલું અને એમાંથી જે નિચોડ મળ્યો એ આ પદમાં દેખાય છે. શબ્દો અને ભાવને આ સીમા સુધી લઈ જવા માટે માણસ માત્ર કવિ હોય એ ન ચાલે, આ તો જે ‘સાંકડી ગલી’માંથી સોંસરો ગયો હોય તેના જ ગજાનું કામ છે. (એક વધુ પદ અહીં જુઓ.)

Comments (2)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૨ : રંગ રંગ વાદળિયાં – સુન્દરમ્

Sundaram

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ બાળકોનું ‘મેઘદૂત’ છે.

Comments (6)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૧ : કોણ ? – સુન્દરમ્

Sundaram

પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?

કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?

અહો, ગુંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ ?

કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?

ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ ?

અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?

-ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’

૨૨-૦૩-૨૦૦૮ના રોજ કવિશ્રી સુન્દરમ્ ના જન્મ-શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ થાય છે. વર્ષની ઊજવણીના પ્રારંભકાળે કોઈક કારણોસર ચૂકી જવાયું ત્યારથી મનમાં વિચાર રમતો હતો કે શતાબ્દીવર્ષ પૂર્ણ થાય ત્યારે કવિશ્રીની કેટલીક ઉત્તમ રચનાઓનો સંપુટ લયસ્તરોના મર્મજ્ઞ વાચકોને ભેટ આપીશું. એ સંકલ્પની પરિપૂર્ણતાનો પ્રારંભ આજથી આદરીએ છીએ. આપના અભિપ્રાય હંમેશની જેમ અમારું પૂરક અને પ્રેરક બળ સાબિત થશે…

કવિશ્રીની ટૂંકી જીવન-ઝરમર આપ આ ગીતની ફૂટનોટમાં જોઈ શક્શો.

જે વસ્તુઓ આપણે સહજપણે અને જોવાપણાના અહેસાસ વિના જ જોતાં હોઈએ છીએ એમાં દૃષ્ટિની પેલે પારનું દૃશ્ય નીરખી શકે એનું નામ કવિ. પ્રસ્તુત ગીતમાં ‘કોણ?’ પ્રશ્નનો ઉત્તર શરૂથી જ મુખરિત હોવા છતાં કલ્પનોની તાજગી અને લયમાધુર્યના કારણે કવિતા ક્યાંય ઢીલી પડતી નથી. ઈશ્વર સર્વત્ર છે એ જ સંદેશ છે પણ રજૂઆતની શૈલી એને કળાનું, ઉત્તમ કળાનું સ્વરૂપ બક્ષે છે. અનાયાસે આવતા લાગતા પ્રાસ, ઝાકળમોતીમાળ જેવી અભૂતપૂર્વ અભિવ્યંજના અને નાદસૌંદર્યના કારણે આ ગીતનું સંગીત વાંચતી વખતે આંખોમાં જ નહીં, આત્મામાં પણ ગુંજતું હોય એવું લાગે છે. મારા જેવા નાસ્તિકને ય આસ્તિક બનાવી દે…

(મુખરિત=વાચાળ; સાખ=ઝાડ ઉપર સીધે-સીધું પાકેલું ફળ; કૂપ=કૂવો)

Comments (11)