મૌનનો મહિમા મને ઊંડે ઊંડે લઈ જાય છે,
શબ્દની સરહદ સુધી પહોંચી તમે પાછા ફર્યા.
અશોકપુરી ગોસ્વામી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કીર્તિકાંત પુરોહિત

કીર્તિકાંત પુરોહિત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




‘મા’ સિરિયલ – કીર્તિકાંત પુરોહિત

પ્રથમ એપિસોડ:

દીકરો રડ્યો
મા ઊઠી
લીધો અંકે
છાતીએથી અમૃતકુંભ ફૂટ્યો.

દ્વિતીય એપિસોડ:

દીકરો ખુશ
મા ખુશખુશાલ
લીધાં ઓવારણાં
અક્ષત-કંકુનો કળશ ફૂટ્યો.

તૃતીય એપિસોડ:

મા કણસી
દીકરો ઊઠ્યો
ગંગાજળ પાન દીધાં
માટીનો ઘડો ફૂટ્યો.

ચતુર્થ એપિસોડ:

– તે પહેલા નિર્માતાએ
સિરિયલ સંકેલી લીધી.

– કીર્તિકાંત પુરોહિત

સિરિયલની વાત છે એટલે દરેક એપિસોડ કવિએ મેલોડ્રામાથી ભરેલો જ રાખ્યો છે. શબ્દોની ખૂબ કાળજીથી પસંદગી કરી છે અને એમાંથી ચોટ ઉપજાવી છે. અમૃતકુંભ અને અક્ષત-કંકુ કળશથી માટીના ઘડા સુધીની સફર કવિ ત્રણ ‘એપિસોડ’ અને ગણીને બાર લીટીમાં કરાવી દે છે.

આ ‘સિરિયલો’ના છિછરાંપણા પર કટાક્ષ છે ? કે પછી સંબંધોના ‘સિરિયલીકરણ’ પર ટીકા છે ? – એ તો તમે જાણો !

Comments (7)