ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મધુમતી મહેતા

મધુમતી મહેતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - મધુમતી મહેતા
પછીની વારતા - મધુમતી મહેતા
યુગ તો વટાવી જાઉં - મધુમતી મહેતાગઝલ – મધુમતી મહેતા

સંત કહે સહુ આવણજાવણ ભજ ગોપાલમ્
રામ ભજો કે બાળો રાવણ ભજ ગોપાલમ્

છાપ તિલક ના સમજ્યા કારણ ભજ ગોપાલમ્
લોટ જરીક ઝાઝું છે ચાળણ ભજ ગોપાલમ્

ડગલે પગલે ડાંટ ડરામણ ભજ ગોપાલમ્
સમજ અધૂરી શીખ સવા મણ ભજ ગોપાલમ્

કુબ્જા આંખે આંજે આંજણ ભજ ગોપાલમ્
અંધા ઉપર કરવા કામણ ભજ ગોપાલમ્

નાચ ન જાણે ટેઢું આંગણ ભજ ગોપાલમ્
કહેત કબીરા છોડ કુટામણ ભજ ગોપાલમ્

હાથ ન ધરીએ ઝોળી આપણ ભજ ગોપાલમ્
દાતો દરિયો મુઠ્ઠી માગણ ભજ ગોપાલમ્

ગદા, ચક્ર ક્યાં કરતા ધારણ ભજ ગોપાલમ્
ઊંધું ઘાલી ઊંઘે નારણ ભજ ગોપાલમ્

– મધુમતી મહેતા

અખાના છપ્પા યાદ આવી જાય એવી મજેદાર મત્લા ગઝલ…

Comments (15)

પછીની વારતા – મધુમતી મહેતા

જાત ઓળંગ્યા પછીની વારતા,
એક ભ્રમ ભાંગ્યા પછીની વારતા.

હુંપણાના ગામની તારાજગી,
મેં તને માગ્યા પછીની વારતા.

એ શહીદ થૈને વસ્યા ઈતિહાસમાં,
આપણી ભાંગ્યા પછીની વારતા.

ને હરણ આંખો મીચી બેસી ગયું,
ઝાંઝવા તાગ્યા પછીની વારતા.

બાણ હો એ રામ કે રાવણ તણું,
એ જ છે વાગ્યા પછીની વારતા.

ઝળહળે સર્વત્ર તું સૌ રૂપમાં,
શૂન્યમાં જાગ્યા પછીની વારતા.

– મધુમતી મહેતા

પહેલા બે શેર તો ‘પહેલી નજરનો પ્રેમ’ થઈ જાય એટલા સરસ થયા છે. ‘હુંપણાના ગામની તારાજગી’ જેવો સરસ પ્રયોગ શેરને અલગ જ આભા આપે છે. છેલ્લા બે શેર તો હું હજી મમળાવી રહ્યો છું. એમાંથી હજુ વધુ અર્થ છૂટશે એવી આશા છે એટલે એના પર વાત આગળ ફરી કદીક.

Comments (5)

યુગ તો વટાવી જાઉં – મધુમતી મહેતા

યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે,
જન્મો જનમનું કોઈ વળગણ નડ્યા કરે.

હું મધ્યબિંદુની જેમ નથી સ્થિર થઈ શકી,
ત્રિજ્યા અને પરિઘની સમજણ નડ્યા કરે.

એને વળાવી દ્વાર અમે બંધ તો કર્યા,
એના જતા રહ્યાનું કારણ નડ્યા કરે.

બુદ્ધ થઈ જવા મેં કોશિશ ઘણી કરી,
આ રક્તમાં થીજેલું સગપણ નડ્યા કરે.

આપણે ત્વચાથી પર થૈ નથી શક્યા,
દૃષ્ટિ છે ધૂંધળી ને દર્પણ નડ્યા કરે.

– મધુમતી મહેતા

મધુમતી મહેતા (જન્મ:૧૦-૦૫-૧૯૪૯) વ્યવસાયે તબીબ છે અને શિકાગો ખાતે રહે છે. પ્રસ્તુત ગઝલમાં છંદોની નજીવી શિથિલતાને નજરઅંદાજ કરીએ તો પાંચ સશક્ત શેર સમુદ્ર-મંથન પછીના અમૃત સમા ઊભરી આવે છે. જીવનનું સંગીત અહીં કવિતાની વાંસળીમાંથી સુપેરે સરતું જણાય છે.

Comments (9)