એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

ખબર છે તને ? – મુકુલ ચોક્સી

(ખાસ લયસ્તરો માટે મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લખી આપેલી અપ્રગટ ગઝલ)

હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ?
રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને ?

હું તારી લટને કિનારે જ આવીને અટક્યો
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને ?

બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી
પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ?

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં,
હું બૂમ પાડીને બોલ્યો હતો, ખબર છે તને ?

સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?

-મુકુલ ચોક્સી

આ ગઝલના છેલ્લા બે શે’ર મુક્તક તરીકે ખાસ્સા વખણાયા છે પરંતુ કદાચ એ મુક્તક લખતી વેળાએ કવિએ ભીતર કોઈ ખાલીપો વેઠ્યો હશે તેના ફળસ્વરૂપે આજે એ મુક્તકના પાયા ઉપર વરસો પછી આખી ગઝલની ઈમારત ચણાય ગઈ. ‘લયસ્તરો’ માટે આ અપ્રગટ તાજ્જી ગઝલ સ્વહસ્તે લખી આપવા બદલ મુકુલભાઈનો ખૂબ ખૂબ આભાર…

9 Comments »

  1. Jayshree said,

    September 15, 2007 @ 2:36 AM

    અરે…!! આ તો ફૂટી ગયેલું પેપર છે.. 🙂

    મેં મુકુલભાઇ પાસેથી જ આ રચના સાંભળી હતી…

    બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી
    પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ?

    સમયની શોધ થઈ તેની આગલી સાંજે
    મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?

    આ બંને શેર ખૂબ ગમ્યા…!!

    અને એ ક્ષણ મને માણવા મળી, એ માટે તો મુકુલભાઇનો, અને સૌ મિત્રોનો આભાર માનું એટલો ઓછો છે.

  2. વિવેક said,

    September 15, 2007 @ 3:21 AM

    ફૂટી ગયેલું પેપર? હા… આ મહિનાના પહેલા અઠવાડિયે જયશ્રી સુરત આવી હતી ત્યારે રવિવારની એક સાંજે હૉટલ તાજમાં મુકુલ ચોક્સી, મેહુલ સુરતી, હું, જયશ્રી અને મારો મિત્ર મનીષ ચેવલી સપરિવાર બેઠા હતા ત્યારે મુકુલભાઈએ આ ગઝલ સંભળાવી હતી અને મેં લયસ્તરો માટે માંગી લીધી હતી. એ જ પ્રસંગે ‘તાજ’ના ગાયકે મુકુલ ચોક્સીએ વર્ષો પહેલાં “ઓન-ડિમાન્ડ” ઈન્સ્ટન્ટ લખી આપેલી એક હિંદી ગઝલ પણ સંભળાવી હતી, જેના શેર મુકુલભાઈ પોતે પણ ભૂલી ગયા હતા… આવતા શનિવારે હસ્તપ્રત શૃંખલામાં શક્ય થાય તો એ ગઝલ પણ મૂકીશ…

  3. Pinki said,

    September 15, 2007 @ 4:52 AM

    અંચઇ !! ફુટી ગયું પેપર !!

    મારા માટે તો નવુંનકોર જ છે.

    અને ખૂબ જ સરસ………….

    હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ?
    રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને ?

    છેલ્લા બે શેર તો બહુ જ સરસ છે પણ
    પહેલો શેર – ઇમારતની ગુંબજ પણ શાનદાર જ છે ………
    દૂરથી પણ દેખાય એવી………….

  4. ધવલ said,

    September 15, 2007 @ 6:06 PM

    છેલ્લો શેર તો અદભૂત છે જ. ભાષા પહેલા બોલવાની અને સમય પહેલા ઈંતેજારની કલપના જ ઊંચી છે!

    બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી
    પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ?

    એ ખુમારી પણ ગમી ગઈ !

  5. Bhavna Shukla said,

    September 16, 2007 @ 6:43 PM

    સમયની શોધ થઈ તેની આગલી સાંજે
    મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?
    …………………………………………………
    અધધધ………… કેટલી નજાકતથી સમયની સાડાબારી સાંખવાની…
    હુ કે તમે બેખબર રહી શકીએ આ જોહુકમીથી?

  6. Urmi said,

    September 21, 2007 @ 7:51 PM

    ઓહ ગોડ…આટલી મસ્ત ગઝલ અને મેં આટલી મોડી જોઈ? 🙁

    જે જાતે લખીને ભૂલી પણ જાય એવા કવિને સો સો સલામ…

    આખી ગઝલમાંથી પસંદગીના માત્ર ૨-૩ શેર કાઢવા મારે માટે શક્ય જ નથી!
    (આખી ગઝલ ફરી અહીં પેસ્ટ કરી દઉં? 🙂 )

    અને આ “ખબર છે તને?” રદીફ તો મને બહુ જ ગમ્યો…!

    વિવેક-જયશ્રીની વાત સાંભળીને તો હું ય ‘તાજ’માં ફરી આવી… 😀

  7. pragnaju said,

    September 24, 2007 @ 9:32 AM

    દાદ આપવા યોગ્ય ગઝલને દાદ તો ઘણી મળી.બધા શેરો સારા હોય તો ઊર્મિની જેમ હું પેસ્ટ કરવાની લાગણી દબાવવા માંગતી નથી.
    હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ? રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને ?
    હું તારી લટને કિનારે જ આવીને અટક્યો ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને ?
    બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ?
    એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં, હું બૂમ પાડીને બોલ્યો હતો, ખબર છે તને ?
    સમયની શોધ થઈ તેની આગલી સાંજે મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?
    તાજના કે વગરતાજનાં ગાયકે ગાયલી ગઝલ બ્લોગમાં મૂકો તો ક્લીક કર્યુને કાનને રસ્તે માણીએ

  8. શબ્દો છે શ્વાસ મારા · Let us wet ourselves once again… said,

    October 6, 2007 @ 2:24 AM

    […] ‘પણ ત્યાં કેવી રીતે?’ નો પ્રશ્ન જેવો ઊગ્યો એવો જ આથમી પણ ગયો. ‘મહેફિલે-ખાસ’ વિભાગમાં મુકુલ ચોક્સીની ‘લયસ્તરો‘ પર સૌપ્રથમવાર પ્રગટ થયેલી અક્ષુણ્ણ ગઝલની સાથે મારી વેબ-સાઈટ પર પ્રગટ થયેલું આ ગીત… મારી બંને વેબ-સાઈટના કોઈ રસિક મિત્રે અમારા બંનેની કૃતિઓ ‘મુંબઈ સમાચાર’ને મોકલી આપી હશે… ‘સાભાર-પરત’ના કાગળિયાઓના વરસાદની વચ્ચે સાવ આમ અચાનક કોઈ કવિતા જ્યાં કદી મોકલી નથી, કે મોકલવાનું વિચાર્યું નથી ત્યાં વીજળીની માફક ચમકી આવે તો કેવો આનંદનો પ્રકાશ છવાઈ જાય ! બસ, એ ક્ષણાર્ધના અજવાળામાં આપ સૌનો પણ ફોટો પાડી લેવાની ઈચ્છા થઈ એટલે અગાઉથી જ આભાર માની લઈને આ આજની પૉસ્ટ… […]

  9. Angel Dholakia said,

    May 13, 2009 @ 1:52 AM

    આ તો મેં પણ વાચેલિ છે.ખબર છે તને?
    ખુબ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment