આંખમાં આંસુંનાં તોરણ ખૂબ મુશ્કેલીથી બાંધીને ઉભો છું રાહમાં હું
રાહ જોઉં કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?
– હરિ શુક્લ

ઘેરૈયા – પ્રહલાદ પારેખ

(શિખરિણી છંદ- આંશિક શેક્સપિયરિઅન શૈલી)

*

અમે તો ઘેરૈયા : ગગન મહીં જે રંગ ઊડતા,
અને જે રંગો આ અવનિપટ રંગીન કરતા,
અમારાં છંટાયે ઉર સકલ એ રંગ થકી, ને
અમે યે રંગાઈ અવનિનભ જેવા બની જતા.

મહા ઘેરૈયો કો વિધવિધ લઈ રંગ ઘૂમતો,
ઘડી પૂર્વે છાંટે, ઘડીક ભરતો પશ્ચિમ દિશા;
કદી આખે આભે ઘનદળ મહીં રંગ પૂરતો,
કદી સાતે રંગો લઈ ગગનમાં ચાપ કરતો.

અસીમે તેના એ ફરી ફરી બધા રંગ ઊડતા :
ઋતુ છંટાતી, સૌ દિન-રજનિ એ રંગ ધરતાં;
અને ઊઠે રંગો તૃણ, કુસુમ, પર્ણે, ફળ મહીં;
વળી આવી આવી અમ સકલ ભાવે સરી જતા.

અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા :
કહીં ઘેરૈયો એ ? કહીં છૂપવિયો રંગનિધિ આ ?

– પ્રહલાદ પારેખ

હોળીમાં રંગ લઈને નીકળતા ઘેરૈયા હવે તો આપણી લોકસંસ્કૃતિનો ભૂતકાળ બનવા આવ્યા છે. ગામડાંઓમાં હજી આ પ્રથા ચાલુ હોય તોય ઘણું. હોળીના ઘેરૈયાની અડોઅડ સૃષ્ટિના ઘેરૈયાને મૂકીને સરળ પણ મજાનું સૉનેટ રંગે છે…

4 Comments »

  1. pragnaju said,

    March 31, 2012 @ 1:22 PM

    સ રસ
    યાદ્
    અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયા
    અમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયા
    ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
    અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

    અમે ખૂલ્લો સવાલ છીએ ઘેરૈયા
    અમે જાદુ કમાલ છીએ ઘેરૈયા
    ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
    અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

  2. ઊર્મિ said,

    March 31, 2012 @ 11:53 PM

    અમારા ગામમાં હજીય ઘેરૈયાઓ આવે છે… એમાંયે જ્યારે ગામમાં કોઈ નવી વહુ આવે ત્યારે તો ખાસ એનાં પિયરનાં ગામથી ઘેરૈયાઓ સાસરિયા પાસે ઘેર ઉઘરાવવા માટે આવે છે. ગુજરાતમાં તો હવે લગ્નમાં પણ પ્રોફેશનલ ઘેરૈયાઓને બોલાવવામાં આવે છે… અને બિલીમોરામાં તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ઘેરૈયાઓની હરિફાઈઓ પણ યોજાય છે, એવું જાણમાં છે.

    2003ની દેશની મુલાકાત દરમ્યાન અમારા ગામમાં આવેલા ઘેરૈયાની મેં લીધેલી એક વિડીયો ક્લિપ… http://www.youtube.com/watch?v=zE4RvIx0WSM

  3. વિવેક said,

    April 1, 2012 @ 1:06 AM

    આભાર, ઊર્મિ !

  4. સનત said,

    March 7, 2023 @ 10:12 AM

    ગુજરાતી સાહિત્યના ઉત્તમ સોનેટ પૈકી એક આ છે..
    આજે દરિયાના પેટાળના વીડિયો આપણે જોઈ શકીએ છીએ. પ્રકૃતિએ આપેલા વિવિધ રંગોનો ભંડાર આપણે જોઈએ ત્યારે અચૂક ઈશ્વરની પ્રતીતિ થાય.
    ગાંધીયુગના સર્જકોમાં જુદા તરી આવતા કવિ ની આ ઉત્તમ રચના …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment