પોંચ વલીંગે…. – મુસાફિર પાલનપુરી (અનુવાદ : વિવેક મનહર ટેલર)
દુ:ખ કી હૈ વણઝાર, કલંદર! પોંચ વલીંગે,
મત રખ મન પર ભાર, કલંદર! પોંચ વલીંગે.
સુખ નેં દુ:ખ હૈં દોઈ બરફ કે ટુકળોં જેવે,
ઘુલનેં મેં કા વાર, કલંદર! પોંચ વલીંગે.
આગ કી મંઈ અલ્લા કે બંદે કૂદ પળે હૈં,
અપણેં તો હૈં બાર, કલંદર! પોંચ વલીંગે.
હિંમત સી જે હારા એ ભવ હારા સમજો
હિંમત ક્રૂ મત હાર, કલંદર! પોંચ વલીંગે.
રબ અપણા હો જાય પિછે કા ચઈએ અપણે?
સઊ પાસે પોબાર, કલંદર! પોંચ વલીંગે.
દોંનત હૈ જો સાફ તો દુનિયોં ઝખ મારે હે,
કોઈ કૂં મત ગિણકાર, કલંદર! પોંચ વલીંગે.
કોઈ સુંણે કે ના જ સુંણે આ અપણી વાતો,
ઠાઠ સી તુ ઠેકાર, કલંદર! પોંચ વલીંગે.
જૂઠ કૂં સચ નેં સચ કૂં જૂઠ જે કરનાખે
બિલ્ટા દે દો-ચાર, કલંદર! પોંચ વલીંગે.
– મુસાફિર પાલનપુરી
દુઃખની છે વણઝાર, કલંદર! પહોંચી વળશું,
રાખ ન મન પર ભાર, કલંદર! પહોંચી વળશું
સુખ-દુઃખ બંને છે બરફના ટુકડા જેવા,
પીગળતા શું વાર, કલંદર! પહોંચી વળશું.
આગ મહીં અલ્લાના બંદા કૂદી પડ્યા છે,
આપણે તો છીએ બહાર, કલંદર! પહોંચી વળશું.
હિંમત જે હાર્યા એ ભવ હાર્યા એમ સમજો,
હિંમત ના તું હાર, કલંદર! પહોંચી વળશું.
ઈશ આપણો થઈ જાય પછી બીજું શું જોઈએ?
સૌ પાસાં પોબાર, કલંદર! પહોંચી વળશું.
દાનત હો જો સાફ તો દુનિયા જખ મારે છે,
કોઈનેય ન ગણકાર, કલંદર! પહોંચી વળશું.
કોઈ સાંભળે કે ન સાંભળે આપણી વાતો,
ઠાઠથી તું લલકાર, કલંદર! પહોંચી વળશું.
જૂઠને સાચ ને સાચને જૂઠ કોઈ કરતું હો તો
ઠોકી દે બે-ચાર, કલંદર! પહોંચી વળશું.
– મુસાફિર પાલનપુરી
(સાછંદ પદ્યાનુવાદ : વિવેક મનહર ટેલર)
બાર ગાઉએ બદલાતી બોલી જે-તે પ્રદેશના સમાજનું વિશિષ્ટ અંગ છે. મોટાભાગનું સાહિત્ય શિષ્ટ ભાષામાં રચાતું હોવા છતાં દુનિયામાં ભાગ્યે જ કોઈ ભાષા એવી હશે જેણે લોકબોલીનો પડઘો ન ઝીલ્યો હોય. આ ગઝલ જુઓ. જે રીતે છંદ-કાફિયા-રદીફ-શેરિયત ગઝલના અનિવાર્ય અંગ ગણાય એ જ રીતે પ્રસ્તુત રચનામાં ઉત્તર ગુજરાતમાં વસતા મુસલમાનોની બોલી પણ અવિભાજ્ય અંગ બની અહીં ઊભરી આવી છે. એમ પણ કહી શકાય કે આ બોલી જ આ ગઝલનો પ્રમુખ વિશેષ છે. પાલનપુરી મુસ્લિમોની આ બોલીને પંચામૃત બોલી (ગુજરાતી-હિંદી-ઉર્દૂ-ફારસી-મારવાડી) તરીકે પણ ઓળખવામાં આવે છે. રચના ગઝલિયતની કસોટીએ ખરી ઉતરે છે કે કેમ એ સવાલ વિવેચકો પર છોડી દઈ આપણે તો બસ, બોલીનો આસ્વાદ લઈએ…
Nikunj Bhatt said,
April 12, 2025 @ 12:24 PM
ઉમદા
કમલ પાલનપુરી said,
April 12, 2025 @ 12:34 PM
વાહ સાહેબ ખૂબ સરસ
રાહુલ તુરી said,
April 12, 2025 @ 1:37 PM
આનંદ થયો.
Ramesh Maru said,
April 12, 2025 @ 2:16 PM
વાહ…વાહ
રેણુકા દવે said,
April 12, 2025 @ 3:05 PM
ઓહો હો…
મજા આવી ગઈ..
મસ્ત મિજાજ અને લયબદ્ધ!
અનુવાદ સરસ..
અભિનંદન
Dhru said,
April 13, 2025 @ 3:13 AM
મઝા આવી ગઈ આ બોલીમાં ! પોતાના વિસ્તારની બોલી બહું મીઠ્ઠી લાગે ! આ ગઝલમાં ખુમારી છે અને બોલીનો




રંગ છે!
Daxa sanghavi said,
April 14, 2025 @ 6:41 AM
વાહ ખુમારી થી ભરી ભરી જાનદાર રચના
Kishor Ahya said,
April 15, 2025 @ 4:16 PM
‘ પોંચ વલીંગે.. ‘ આ શબ્દો સમુહગીત ના રાખી સ્કૂલ માટેનું સરસ ગાવા જેવું કાવ્ય બન્યું છે. ઉચા આદર્શો સાથેની લય બધ્ધતા ને કારણે કવિતા માણવા જેવી બની છે અનુવાદ અને આસ્વાદ પણ ખૂબ સરસ છે.