અમે પણ તને માનશું ઉમ્રભર,
કદી તું ય સાકાર થૈ વાત કર !
સુધીર પટેલ

ગઝલ – શયદા

હાથ આવ્યું હતું, હરણ છૂટ્યું
હાય, મારું એ બાળપણ છૂટ્યું

પગથી છૂટી જવાની પગદંડી
એમનું જો કદી રટણ છૂટ્યું

મદભરી આંખ એમની જોતાં
છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું

કોઈની આશને ઘરણ લાગ્યું
કોઈની આશનું ઘરણ છૂટ્યું

સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું

એમના પગ પખાળવા કાજે
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યુ

કોણ શયદા મને દિલાસો દે ?
ચાલ, તારું જીવન-મરણ છૂટ્યું
                  

– શયદા

તમે હરજી લવજી દામાણી બોલો તો કોણ ઓળખે? પણ જો ધીમેથી શયદા બોલ્યા તો? આખી મહેફિલમાં એક માનભર્યું મૌન ન છવાઈ જાય?! આંખોમાં ખુમારી, ચાલમાં નફકરાઈ, કવનમાં કમનીયતા અને પઠનમાં માર્દવતા – શાયરોના શાયર ગણાતાં શયદા (24-10-1892 થી 30-06-1962) મુશાયરાઓની જાન હતા. અભ્યાસ ફક્ત ચાર જ ચોપડી પણ કોઠાસૂઝમાં પી.એચ.ડી.! ગુજરાતે એમને ગઝલસમ્રાટના બિરૂદથી સર્વોચિત સન્માનેલા. પ્રિયાના પગ પખાળવા માટે આંસુના ઝરણા તો એ જ વહેવડાવી શકે જે પ્રિયાના રટણમાત્ર છૂટી જવાના ભયથી પગદંડી ચૂકી જતા હોય!  

1 Comment »

  1. RAZIA said,

    April 19, 2008 @ 5:53 AM

    ને આવ્યો બુલાવો, ખુદા નો જ્યારે,
    ધરતી થી મારું શરણ છુટ્યું……..

    “શયદા સાહેબ ની આ રચના વર્ષો પછી જોવા મળી
    આભાર,

    રઝિયા મિર્ઝા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment