અલંગ (જહાજવાડો) – ચન્દ્રકાન્ત ટોપીવાળા
(ક્રાન્ત શિખરિણી)
જહાજો ક્યાં ક્યાંથી જરઠ ઘરડાં જીર્ણ આવી ઊભેલાં
વીતેલી વેળાનાં જલ છબછબે છીછરા કાદવોમાં
ધ્રૂજે વાંકીચૂકી વિકળ છબીઓ, મ્લાન આ ધૂંધળાશે
હવા ડ્હોળાયેલી કરચલીભર્યાં વાદળો સાવ ફિક્કાં.
પીંખાયેલું રૂ કે ગલ રખડતાં એકલાં આમતેમ?
ઊડે કોરા રેતીકણ? નહિ, ક્ષણો કાળને હાથ ચૂર્ણ!
જહાજો સંભારે સભર દરિયે વ્હેલવહેલા વહેલા
વિલાસોને, મોજે છલકી ઊઠતાં વૈભવો ને મજાને.
નવા રંગે રંગ્યા ચક ચક થતાં માળ ને કૈંક સીડીઓ
ધજાઓ લહેરાતી અરુપુરુ ઊભી કેબીનોની કતારો
પૂલો ને રેસ્ટુરાં ધમધમત થીએટરો કૉફીબારો
સુરા ને સૂરોની રમઝટ, ઝૂમે ટ્વિસ્ટ ને જૅઝનાદો.
જહાજો સ્વપ્નોની તૂટતી નીરખે ભવ્ય જાહોજલાલી!
હથોડા ટીપાતા ધસમસ ધસી આવતો ક્રેઈનફાંસો
ઘૂમે રાતી ચારેગમ અગનને ઓકતી ગૅસજ્વાલા
ઊંડું કાપે પાડે ધડ ધડૂસ કૈં પાટની પાટ ભોંયે
ઉશેટે ડાચાથી ડગડગત બુલ્ડોઝરો જે મળ્યું તે
ટ્રકો તોડ્યું ફોડ્યું સઘળું હડપે ઘૂરકે જાય આવે!
જહાજો ક્યાં? ક્યાં છે ક્ષિતિજ ભરી દેતી જહાજોની હસ્તી?
અહીં ભંગારોના ઢગઢગ ઊભા થાય ધીમેક ખાલી
ધગે ભઠ્ઠા વેરે અસહ તણખા અગ્નિના ભાંડ ભાંડે
નર્યા લાવા જેવો રસ ખદખદે ઊકળે લાલચોળ
નીકોમાં રેડાતા વહી વહી ઠરી વ્હાર ઠેલાઈ ત્યાં તો
નવી તાજ્જેતાજી ચક ચક જુઓ આવતી સ્ટીલ-પ્લેટો !
જહાજો ! યાત્રાઓ અગણિત તમે દીધી છે જોજનોની
હજારો યાત્રીને, નિતનિત નવાં બંદરો દાખવ્યાં છે!
અજાણ્યાં દૃશ્યોને નિકટ ધરીને દૂર કીધાં અદૃશ્ય
તરંગોની છોળે લખલૂટ કરાવી તમે સ્હેલગાહો!
તમે યાત્રા આજે ખુદ શરૂ કરી, જીર્ણતાને વટાવી
વટાવી ભંગારો ચક ચક નવા બંદરે નાંગર્યાં છો!
– ચન્દ્રકાન્ત ટોપીવાળા
ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ અલંગ વિશ્વના નક્શામાં અલગ જ સ્થાન ધરાવે છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો જહાજવાડો ગણાય છે. ચલણમાં ન હોય એવા દુનિયાભરના જહાજો તૂટવા માટે અહીં આવે છે. અલંગના જહાજવાડા ઉપર આવી કવિતા આપણી ભાષામાં તો દીવો લઈને શોધો તોય નહીં જડે.
અલંગના જહાજવાડામાં ક્યાંક્યાંથી જૂનાં જીર્ણ થયેલાં જહાજો આવી ઊભાં છે. કાંઠાના છીછરા કાદવમાં વીતેલી વેળાઓ છબછબી રહી છે. હાલકડોલક પાણીમાં જહાજોની છબી વિકળ થઈ રહી છે અને સમગ્ર વાતાવરણ આ વિનાશના નિરાશ સૂરમાં પોતાનો સૂર પૂરાવતું હોય એમ હવા અને ડહોળાયેલી લાગે છે, વાદળો સાવ ફિક્કાં લાગે છે. હવામાં પીંખાયેલ રૂ ઊડી રહ્યું છે કે સીગલ પક્ષીઓ એ કળવું અઘરું થઈ પડ્યું છે. કોરી રેતીના કણ નહીં, જાણે કાળને હાથે ચૂર્ણ થઈ ગયેલી ક્ષણો ધૂંધળી હવામાં ઊડી રહ્યા છે.
જહાજવાડે તૂટવા આવેલ જહાજોને પોતાના પહેલવહેલા વિલાસોથી લઈને આજદિન પર્યંતની સફરના નાનાવિધ મુકામો સાંભરે છે. રેસ્ટુરાં અને જૅઝનાદો જેવા ભાષાપ્રયોગ થોડા કઠે ખરા, પણ સરવાળે જહાજો પોતાના તૂટતાં સ્વપ્નોની જાહોજલાલી બિરખતાં હોવાનું દૃશ્ય સુપેરે ઉપસી આવ્યું છે. હથોદા ટિપાઈ રહ્યા છે, ક્રેઇન ફાંસો બનીને ગળાં ઝાલે છે, ગૅસજ્વાળાઓ અગન ઓકતી બધું સ્વાહા કરી રહી છે, પાટની પાટ ભોંયભેગી થઈ રહી છે અને જે બચી જાય છે એને ડગડગત ચાલતા બુલડોઝરો કોળિયો કરી રહ્યાં છે. છેવટે બધો ભંગાર એકધારી આવજા કરી રહેલી ટ્રકોમાં લાદી અન્યત્ર મોકલી દેવાય છે.
ક્ષિતિજોને ભરી-ઢાંકી દેતાં જહાજોની હસ્તી નસ્ત પામી રહી છે. ભંગારના ઢગલા ખડકાઈ રહ્યા છે. અને અગ્નિની ભઠ્ઠીઓમાં એને પીગળાવવામાં આવતાં ચકચકાટ કરતી સ્ટીલની પ્લેટો બની રહી છે. સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ સૉનેટ યાદ આવે. નવસર્જન કરવું હોય તો જૂની વસ્તુઓને તોડીને હટાવવી જ રહી.
કાવ્યાંતે કવિ તૂટી ગયેલાં-તૂટી રહેલાં જહાજોને સંબોધીને આશ્વાસન આપતાં કહે છે કે, તમે અગણિત યાત્રાઓ કરીને અગણિત યાત્રીઓને મુસાફરીઓ કરાવી છે, મંઝિલભેગા કર્યા છે. અત્યાર સુધીની યાત્રાઓ તમે અન્ય લોકો માટે કરી, પણ હવે આ જહાજવાડામાં તમારી ખુદની યાત્રાની શરૂઆત થઈ છે. જીર્ણતાને અને ભંગારોને વટાવી અગ્નિમાં તપીને તમારો આજે નવોન્મેષ થઈ રહ્યો છે અને તમે તમારી ગઈકાલ છોડીને તમારી આવતીકાલ તરફની યાત્રા પ્રારંભવા માટે ચકચક થઈને નવા બંદરે નાંગર્યા છો… કવિની દૃષ્ટિ સામાન્ય માણસોની દૃષ્ટિથી કેવી અલગ અને અદભુત હોય છે એ વાત આપણને સમજાય છે.
pragnajuvyas said,
February 11, 2023 @ 4:17 AM
કવિશ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાનુ ઊર્મિકાવ્ય ધ્વનિકેન્દ્રતા પર સવિશેષ જહાજને અનુલક્ષી માનવભાવોનું પ્રારોપણ થયું છે .
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
‘જહાજો સંભારે સભર દરિયે પ્હેલવ્હેલા વહેલા વિલાસોને’- ‘ટાયટેનિક’ ફિલ્મની જલસમાધિના કરુણ અધઃપતનની યાદ
‘જહાજો સ્વપ્રોની તૂટતી નીરખે ભવ્ય જાહોજલાલી‘વિલાસો-વૈભવો ધરાવતી અનેક સભ્યતાઓના પતનની આર્નોલ્ડ ટૉયન્બીના ઇતિહાસસંકેતતી આ પંક્તિની સ્મૃતિ સ્વપ્નમાલાના મણકા તૂટવાનો અહેસાસ કરાવી ગઈ!
ઊડે કોરા રેતીકણ? નહિ, ક્ષણો કાળને હાથ ચૂર્ણ!’ રેતીકણોને ક્ષણો સાથે સંયોજી ‘કાળને હાથ ચૂર્ણ’ લખવામાં સર્જકે ઉપમાનાવીન્યનું વિશિષ્ટ પરિમાણ સિદ્ધ કર્યું છે.
A creator who E. Flaker’s ship has a moon:
‘A sheep, an isle, a sickle moon
With few but with how
Splendid Stars
The Mirrors of the Sea a Stroon (covered or overspread with something scattered )
Between Dark Silver Bars’.
Varij Luhar said,
February 11, 2023 @ 10:49 AM
વાહ વાહ.. અદભૂત કાવ્ય અને ખૂબ સરસ આસ્વાદ
Dipak ghosh said,
February 11, 2023 @ 10:55 AM
માણસનું પણ આવું જ છે.
baarin said,
February 11, 2023 @ 10:55 AM
ખુબ સરસ કવિતા . ઘણા વર્ષો પહેલા અલન્ગ ગયો હતો એની સ્મૃતિઓ તાજી થઇ . એક્દમ સચોટ વર્ણન . ભૂતકાળ અને વર્તમાન ની રેતી માં ભળતી ક્ષણો જાણે ત્યાં ઉભા ઉભા આ ટ્રકો ને એના અવશેષો લઇ જતી જોતા હોય એમ લાગે . શરુ શરુ માં ત્યાં થી ઘર માટે કબાટ વગેરે લાવેલા તેની યાદ તાજી થઇ
આભાર વિવેક સર
Jayesh Rathod said,
February 11, 2023 @ 11:10 AM
ખુબ ઝીણવટ ભરી મીનાકારી જહાજો સાથે થઈ હોય એવું પ્રતીત થયું ,આભાર આ રસાસ્વાદ માટે વિવેકભાઈ .
Mana s. Vyas said,
February 11, 2023 @ 11:50 AM
અલંગ જોવાનો મોકો તો નથી મળ્યો પણ આખું દ્રશ્ય નજર સામે ખડું થઈ ગયું. કવિનું ૠજુ હ્રદય ઠલવાઈ ગયું છે.ખૂબ સુંદર રચના.
Jugalkishor said,
February 11, 2023 @ 12:04 PM
બન્ને લોકપ્રિય છંદોનું “નહીં સાંધો નહીં રેણ” જેવું મિશ્રણ વિષય સાથે સહજ ગોઠવાયું છે.
પીયૂષ ભટ્ટ said,
February 11, 2023 @ 12:04 PM
વાહ સરસ કવિતા અને સુંદર આસ્વાદ. અલંગ ની. મુલાકાત નાં દ્રશ્યો તાદૃશ થયા.
વંદન સહ અભિનંદન.
વિવેક said,
February 11, 2023 @ 5:42 PM
સહુ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર…
Aasifkhan said,
February 12, 2023 @ 11:15 AM
વાહ
સરસ આસ્વાદ
Pragna vashi said,
February 12, 2023 @ 10:53 PM
ખૂબ સરસ કવિતા , નજર સામે અલંગનો કાંઠો તાદૃશ્ય થઈ ગયો.જૂનાંમાથી નવાં તરફનું સરસ પ્રયાણ. કવિતા અને આસ્વાદ બન્ને ખૂબ જ સરસ . બન્ને કવિને અભિનંદન.
વિવેક said,
February 13, 2023 @ 10:19 AM
સહુનો આભાર
Anonymous said,
February 13, 2023 @ 3:58 PM
વાહ અદ્ભૂત કાવ્ય અને આસ્વાદ 👌👌👌
Poonam said,
February 20, 2023 @ 9:02 AM
તમે યાત્રા આજે ખુદ શરૂ કરી, જીર્ણતાને વટાવી
વટાવી ભંગારો ચક ચક નવા બંદરે નાંગર્યાં છો!
– ચન્દ્રકાન્ત ટોપીવાળા – manushya avatar, aabhar kartaar !
Aasawad sundar sir Ji 😊