કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે,
સુખને આકાર છે, દુ:ખ નિરાકાર છે.
રઈશ મનીઆર

હજી ય તને યાદ કરું હોં… – મુકેશ જોષી

હજી ય તને યાદ કરું હોં

એક સવારે જૂઈના ફૂલોનો ખોબો ભરીને તું આવી હતી
મને કહ્યું હતું: એક વેણી ગૂંથી આપો
પહેલીવાર તેં વેણી બનાવતાં શીખવ્યું.
પહેલીવાર વેણી પહેરાવતાં તેં શીખવ્યું.

એક સાંજે ગુલાબી રંગની નેઇલપોલિશ લઈને તું આવી હતી
મને કહ્યું હતું મારા નખ રંગી આપો
પહેલીવાર ગુલાબી રંગ ધારીને જોયો
પહેલીવાર રંગકામ તેં શીખવ્યું

એક ઢળતી બપોરે મમ્મી બ્હાર ગયાં હતાં ને તું આવી હતી.
હાથ ઝાલીને મને રસોડામાં લઈ ગઈ હતી
તારી મનપસંદ કોલ્ડ કોફી બનાવડાવી હતી
પહેલીવાર તે કૉફી ચાખીને સો માર્ક્સ આપ્યા હતા

હજીય તને યાદ કરું હોં
બગીચામાં એકલો બેઠો હોઉં ત્યારે ..
જૂઈના સૂકાઈ ગયેલા ઝાડ સામે જોઈને
કોઈ ખાલી થઈને ફેંકાઈ ગયેલી નેઇલપોલિશની બોટલ જોઈને …
કોઈ યુગલને કોફી પીતા જોઉં ત્યારે

હવે ઘરમાં હવા સિવાય કોઈની અવરજવર નથી

– મુકેશ જોષી

……..શું બોલવું….?

3 Comments »

  1. pragnajuvyas said,

    November 16, 2022 @ 10:17 PM

    કવિશ્રી મૂકેશ જોશીનુ મધુરુ અછાંદસ,
    હવે ઘરમાં હવા સિવાય કોઈની અવરજવર નથી
    વાહ
    ઊંડાણમાંથી જેમ માછલીઓ સપાટી પર આવે તેમ મૃત્યુ વિશેના કેટલાંક કાવ્યો મનમાં ઉભરાવા લાગ્યાં.રિલ્કેના એક કાવ્ય ની અંતિમ પંક્તિઓ યાદ આવે છે.
    એક ઢળતી બપોરે મમ્મી બ્હાર ગયાં હતાં ને તું આવી હતી.
    હાથ ઝાલીને મને રસોડામાં લઈ ગઈ હતી
    તારી મનપસંદ કોલ્ડ કોફી બનાવડાવી હતી
    પહેલીવાર તે કૉફી ચાખીને સો માર્ક્સ આપ્યા હતા
    કૉફીની મીઠ્ઠી સોડમ સાથે સરખાવતી કવિની કલ્પનશક્તિ મનમા સ્વાદના ને સંસ્મરણોના ફુવારા છોડી જાય છે. આ ગીત વાંચીને કોને પોતાના લગ્નજીવનના શરૂઆતનાં વર્ષો યાદ ન આવે ? પતિ ભલે ક્યાંક બહારના ઓરડામાં બીજા કુટુંબીજનો સાથે વ્યસ્ત હોય પણ એનું રોમેરોમ પેલી કોફીની સોડમથી મહેકી રહ્યું છે. પ્રેમનો દેશ જાણીતો કરતાં વધારે તે અણજાણ્યો છે. જો એ વધુ પડતો જાણીતો થાય તો ‘અતિ પરિચયે અવજ્ઞા’. એથી ગાવું પડે. ‘ચાલો એકબાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો.’ કોઈ એમ પણ કહી શકે કે ફૂલ અને ફોરમ કેવી રીતે સામસામા મળી શકે ? પણ અદ્વૈતનો અનુભવ ત્યારે થાય, જ્યારે દ્વૈત હોય અને કાવ્ય માણવામાં દલીલ કામ ન આવે. કાવ્યમાં તર્ક હોય છે પણ એ તર્કની ભાષા જુદી હોય છે.
    I am the rest between two notes,
    Which are somehow always in discord.
    Because Death’s note wants to climb over
    But in the dark interval, reconciled,
    they say there trembling.
    And the song goes on, beautiful.
    સ્પેનિશ કવિ ફેડરિકો ગાર્શિયા લોર્કાનું કાવ્ય ‘Ferewell’ પણ યાદ આવે છે –
    If I die / leave the balcony open. / The little boy is eating oranges / (from my balcony I can hear him) / If I die / leave the balcony open !
    ડી. એચ. લોરેન્સના કાવ્ય ‘The Ship of Death’
    Now it is autumn and the falling fruit
    and the long journey towards oblivion.
    The apples falling like great drops of dew
    to bruise themselves an exit from themselves.
    And it is time to go, to bid farewell
    to one’s own self, and find an exit
    from the fallen self.
    આ કાવ્યને પામવાની ચાવી તેના શીર્ષકમાં છે. સૃષ્ટિને ચાહતાં હોય તેવાં અણજાણ્યાં માણસો વચ્ચે સખ્ય-મૈત્રી સંભવી શકે છે.અહીં ધન્યતાની ક્ષણો તો એ જ છે કે જ્યાં મૃત્યુ પશ્ચાત જ્યારે સકલ અજવાસ શમી જાય છે ત્યારે કશુંય ન હોવાની અનુભૂતિમાં પણ ધીમેધીમે સરકી કશાક અગમ્ય લોકમાં લોપાતો જોવાય છે. જે લોક એના નવ્ય ઘાટ નિર્માણ માટે કટિબદ્ધ છે.’હવે ઘરમાં હવા સિવાય કોઈની અવરજવર નથી’
    ધન્યવાદ ડૉ તિર્થેશજી

  2. વિવેક said,

    November 17, 2022 @ 10:48 AM

    સુંદર અછાંદસ…

  3. લતા હિરાણી said,

    November 18, 2022 @ 12:24 PM

    અવાચક કરી દે એવું કાવ્ય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment