ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
સુંદરમ્

રાણી -પાબ્લો નેરુદા (અનુવાદ: વિવેક મનહર ટેલર)

મેં તારું નામ રાણી રાખ્યું છે.
તારા કરતાંય વધુ ઊંચી, વધુ ઊંચી સ્ત્રીઓ છે.
તારા કરતાંય વધુ શુદ્ધ, વધુ શુદ્ધ સ્ત્રીઓ છે.
તારા કરતાંય વધુ મનોરમ્ય, વધુ મનોરમ્ય સ્ત્રીઓ છે.

પણ તું રાણી છે.

જ્યારે તું શેરીઓમાં થઈ ગુજરે છે
કોઈ તને ઓળખતું નથી.
તારો હીરાનો તાજ કોઈને દેખાતો નથી, કોઈ જોતું નથી
એ લાલ સ્વર્ણિમ જાજમ
જેના પર થઈને તું પસાર થાય છે,
એ અવિદ્યમાન જાજમ.

અને જ્યારે તું આવે છે
સમસ્ત નદીઓ રણકી ઊઠે છે
મારા શરીરમાં, ઘંટડીઓ
આકાશ હચમચાવે છે,
અને એક સ્તોત્ર વિશ્વને ભરી દે છે.

કેવળ તું અને હું,
કેવળ તું અને હું, મારા પ્યાર,
સાંભળ આને.

-પાબ્લો નેરુદા (સ્પેનિશ)
(અંગ્રેજી અનુવાદ: ડોનાલ્ડ ડી. વૉલ્શ)
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

*

પ્રેમમાં પ્રિય પાત્રથી વધીને કંઈ નથી. પ્રિય પાત્રથી વધારે ચડિયાતી અનેક વ્યક્તિઓ દુનિયામાં વસતી હોવા છતાંય પ્રિયજન ચડિયાતાંઓથીય ચડિયાતું લાગે છે એ પ્રેમનાં ચશ્માંની અસર છે. પ્રેમી માટે એની પ્રેમિકા માથે હીરાજડિત તાજ પહેરીને લાલ જાજમ પરથી પસાર થતી મહારાણીથી સહેજેય કમ નથી. પ્રેયસીની ઉપસ્થિતિથી પ્રેમીનું આખું તંત્ર રણઝણ થઈ ઊઠે છે, આખી દુનિયા જાણે સ્તોત્રોચ્ચારથી ભરાઈ આવે છે. પ્રેમના સરવાળામાં બે જણ સિવાય બીજું કશું બચતું કે રહેતું નથી. માત્ર એક-મેકના દિલને સાંભળવાનું રહે છે…

*
The Queen

I have named you queen.
There are taller ones than you, taller.
There are purer ones than you, purer.
There are lovelier than you, lovelier.

But you are the queen.

When you go through the streets
no one recognizes you.
No one sees your crystal crown, no one looks
at the carpet of red gold
that you tread as you pass,
the nonexistent carpet.

And when you appear
all the rivers sound
in my body, bells
shake the sky,
and a hymn fills the world.

Only you and I,
only you and I, my love,
listen to it.

– Pablo Neruda
(translated from original Spanish by Donald D. Walsh)

5 Comments »

  1. pragnajuvyas said,

    January 4, 2020 @ 1:09 PM

    રાણી પાબ્લો નેરુદાની રચનાનુ ડૉ વિવેક દ્વારા ભાવવાહી ભાષાંતર અને મધુરો રસાસ્વાદ
    તારો હીરાનો તાજ કોઈને દેખાતો નથી, કોઈ જોતું નથી
    એ લાલ સ્વર્ણિમ જાજમ
    જેના પર થઈને તું પસાર થાય છે,
    એ અવિદ્યમાન જાજમ.
    આ ઈશ્કે મિજાજી લાગતી પંક્તિઓ પછી આવતી
    મારા શરીરમાં, ઘંટડીઓ
    આકાશ હચમચાવે છે,
    અને એક સ્તોત્ર વિશ્વને ભરી દે છે.
    બ્રહ્મનાદની અનુભૂતિ થાય અને
    કેવળ તું અને હું,
    કેવળ તું અને હું, મારા પ્યાર,સાંભળ આને…
    મોમિનનો શેર તુમ મેરે પાસ હોતે હો ગોયા, જબ કોઈ દુસરા નહીં હોતા.
    આ ઇશ્કે મિજાજીમાંથી ઈશ્કે હકીકી તરફ લઈ જાય છે.

  2. વિવેક said,

    January 6, 2020 @ 2:14 AM

    વાહ પ્રજ્ઞાજુ બેન!
    ખૂબ ખૂબ આભાર

  3. Shriya Shah said,

    January 8, 2020 @ 1:50 PM

    ખુબ સુન્દર કલ્પના! Loved the imagery!

  4. વિવેક said,

    January 9, 2020 @ 12:45 AM

    આભાર…

  5. સંજુ વાળા said,

    January 13, 2020 @ 6:48 AM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment