પાનું કોરું જોઈને કોઈ કબીર,
અક્ષરો વણતો રહ્યો ચાદર ગણી.
અંકિત ત્રિવેદી

વિરહિણી – બાલમુકુંદ દવે

ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,
મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ.

જૂઈ ઝળૂંબી માંડવે ને બાગે બાગે ફાલ,
તું ક્યાં છો વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ!

આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત;
ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત.

કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમ સૂર,
વાગે વન વન વાંસળી, મારું પલ પલ વીંધે ઉર.

અવળું ઓઢ્યું ઓઢણું ને મારા છુટ્ટા ઊડે કેશ,
શું કહું નિર્દય કંથડા! મને વાગે મારગ ઠેસ.

જોબનને આ ધૂપિયે, પ્રીત જલે લોબાન,
રત આવી રળિયામણી, મારાં કોણ પ્રીછે અરમાન?

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ;
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!

નારી ઉર આળું ઘણું, બરડ કાચની જાત,
તું જન્મ્યો નરને ખોળિયે, તને કેમ સમજાવું વાત?

બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર,
ઉરને દીધો નેહ ને વળી નેહને દીધો વ્રેહ!

-બાલમુકુંદ દવે

સ્ત્રીને સમજવી અઘરી જ નહીં, અશક્ય! પુરુષનું ખોળિયું લઈને જન્મે એને તો આ વાત સમજાવવી જ શક્ય નથી. આખી પ્રકૃતિ ચૈત્રના દિવસોમાં પૂરબહાર ખીલી હોય ત્યારે મનનો માણીગર ગુજરાત જેવો દેશ છોદીને ગામતરે શીદ નીકળી શક્યો હશે એ સમજવું પણ કપરું છે. હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ – આ પંક્તિ તો કહેવત બની ગઈ છે આજે.

 

7 Comments »

  1. જયેન્દ્ર ઠાકર said,

    May 25, 2018 @ 7:27 PM

    વાહ વાહ, બાલમુકુંદભાઈએ એક પુરુષથઈને પણ સ્ત્રીની વિજોગ વેદના ઘણી નજાકતથી વ્યક્ કરી છે.
    કવિ ઉર આળું ઘણું, બરડ કાચની જાત,
    તું જન્મ્યો ગદ્યને ખોળિયે, તને કેમ સમજાવું વાત?

  2. Jigar said,

    May 26, 2018 @ 1:00 AM

    Masterpiece Creation !!! Kya Baat Hai !!!

  3. Jigar said,

    May 26, 2018 @ 8:10 AM

    Masterpiece Creation !!!

  4. Dilip m shah said,

    May 26, 2018 @ 1:06 PM

    સુંદર સરળ.સુવાચય
    નજર સામે આખું દ્રશ્ય .ફરી ફરી માંનવાનું મન થઇ જાય

  5. Kiran shah said,

    May 27, 2018 @ 7:40 PM

    Wahhhh

  6. SARYU PARIKH said,

    May 27, 2018 @ 10:22 PM

    સરસ. રસભરી ફરિયાદ.
    સરયૂ પરીખ

  7. Poonam said,

    May 30, 2018 @ 4:29 AM

    બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર,
    ઉરને દીધો નેહ ને વળી નેહને દીધો વ્રેહ!

    -બાલમુકુંદ દવે –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment