થયું મટવાને બદલે કેવું મરણોત્તર સ્વરૂપાંતર !
અમે જીવતર મટી જઈને જીવન-વૃત્તાંત થઈ ચાલ્યા.
– મુકુલ ચોક્સી

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૨ : ઉપવને આગમન

તમારાં અહીં આજ  પગલાં  થવાનાં,
                    ચમનમાં બધાંને  ખબર થૈ  ગઈ  છે.
ઝુકાવી છે ગરદન બધી  ડાળીઓએ,
                    ફૂલોની ય નીચી નજર  થૈ ગઈ  છે.

શરમનો કરી ડોળ  સઘળું જુએ  છે
                    કળી   પાંદડીઓના  પડદે   રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
                    તમારાં નયનની અસર  થૈ  ગઈ છે.

બધી  રાત  લોહીનું  પાણી  કરીને
                    બિછાવી છે  મોતીની  સેજો ઉષાએ,
પધારો કે  આજે  ચમનની  યુવાની
                    બધાં સાધનોથી સભર થૈ  ગઈ  છે.

હરીફો  ય  મેદાન છોડી ગયા છે
                    નિહાળીને  કીકી  તમારાં નયનની,
મહેકંત  કોમળ  ગુલાબોની કાયા
                    ભ્રમર – ડંખથી  બેફિકર થૈ ગઇ છે.

પરિમલની સાથે ગળે  હાથ  નાખી-
                    કરે  છે  અનિલ   છેડતી  કૂંપળોની,
ગજબની ઘડી છે  તે  પ્રત્યેક વસ્તુ,
                    પુરાણા  મલાજાથી પર થૈ  ગઈ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
                     કલાકારનું     ચિત્ર   સંપૂર્ણ   જાણે,
તમે  જો  ન  હો  તો  બધા  કહી ઊઠે કે;
                     વિધાતાથી  કોઇ  કસર  થૈ  ગઇ છે.

‘ગની’,   કલ્પનાનું  જગત  પણ  છે  કેવું,
                     કે આવી  રહી છે  મને મારી ઇર્ષ્યા !
ઘણી  વાર  આ  જર્જરિત   જગમાં  રહીને,
                     ઘણી  જન્નતોમાં  સફર  થૈ  ગઇ  છે.

– ગની દહીંવાલા

પ્રિયજનની હાજરીની કલ્પના માત્રથી ઉપવન કેવું જન્નત થઈ જાય છે – આટલા સાદા વિચાર તંતુથી લખાયેલી આ ગઝલ ગુજરાતી ગઝલનો એક યાદગાર મુકામ છે. ઉપવનમાં હાજર બધી જ ઉપમાઓ અને કલ્પનોને કવિએ અહીં આબાદ કામે લગાડ્યાં છે. આટલી બધી વાર વાંચ્યા-સાંભળ્યા પછી પણ આ ગઝલની તાજગી ઓછી થતી નથી એ કવિકર્મની સિદ્ધિ છે.

6 Comments »

  1. ninad adhyaru said,

    September 30, 2008 @ 12:36 AM

    રેલગાડી મા હોઇએ એવો અનુભવ થયો.!

    ઘણીવાર–આ લાઇન મા મારિ ગાડી જરા અટકિ.,
    કશુક વધુ લાગ્યુ, મિટરમા…

  2. વિવેક said,

    September 30, 2008 @ 2:38 AM

    અદભુત ગઝલ, વિંટેજ વાઈન જેવી!

  3. Shah Pravinchandra Kasturchand said,

    September 30, 2008 @ 7:57 AM

    ગજબની નજાકત ‘ગની’ આંખોમાં ભરી સૂઈ ગયા તમે.
    અમને ય તમારી પાસ આવવાનું ઈજન દઈ ગયા તમે.

  4. pragnaju said,

    September 30, 2008 @ 8:50 AM

    વારંવાર માણવી ગમતી
    શરમનો કરી ડોળ સઘળું જુએ છે
    કળી પાંદડીઓના પડદે રહીને,
    ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
    તમારાં નયનની અસર થૈ ગઈ છે.
    શુભાન અલ્લાહ્

  5. ડૉ. મહેશ રાવલ said,

    September 30, 2008 @ 12:18 PM

    ગનીચાચાની ગઝલમાં,ગઝલયત જે નજાકતથી ઓગળી છે એજ ભાવ મનહરભાઈના મખમલી અવાજમાં અનુભવી શકાય છે-જેમણે સાંભળી હશે એ બધાં મારી સાથે એકી અવાજે સહમત થશે જ.
    તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;
    વિધાતાથી કોઇ કસર થૈ ગઇ છે.
    -વાહ!
    કેવી અણીયાળી અભિવ્યક્તિ……..!

  6. Mansuri Taha said,

    October 1, 2008 @ 12:26 AM

    હુ મહેશ રાવલ સાહેબની વાત સાથે બિલ્કુલ સમ્મત છુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment